૬ દિવસ પછી શિપ જ્યારે મલેશિયા પહોંચી ત્યારે ફહીમ ૬ દિવસ પછી કન્ટેનરની અંદર ભૂખ્યો અને ડીહાઇડ્રેટેડ મળી આવ્યો હતો.

સંતાકૂકડી રમતાં-રમતાં બંગલાદેશી છોકરો ભૂલથી પહોંચી ગયો મલેશિયા
બાળપણમાં સંતાકૂકડીની રમત તો બધા જ રમ્યા હશે. મિત્રો સાથે કે પિતરાઈ ભાઈ-બહેનો સાથે. આ વખતે રમતાં પહેલાં વડીલોની શિખામણ અને રમતના નિયમમાં બહુ દૂર છુપાવા ન જતા એ પણ યાદ હશે. એ વખતે ભલે માતા-પિતાની આ બધી વાતો બંધનકર્તા લાગી હોય, પણ હવે પાછળ વળીને જોતાં આ બધી વાતો પાછળની તેમની લાગણી અને ચિંતા સમજાય છે. તેઓ આ બધી સૂચનાઓ આપણી સુરક્ષા માટે જ આપતાં હતાં એ પણ હવે સમજાઈ રહ્યું છે.
તાજેતરમાં ૧૧ જાન્યુઆરીએ બંગલાદેશના ચિત્તાગોંગ બંદર વિસ્તારમાં સંતાકૂકડી રમી રહેલો ૧૫ વર્ષનો એક છોકરો રમતાં-રમતાં શિપિંગ કન્ટેનરમાં જઈને સંતાઈ ગયો હતો. ફહીમ નામનો એ છોકરો કન્ટેનરમાં જઈને છુપાઈ ગયો હતો. તેને થોડો તાવ હતો એટલે તે ત્યાં જ ઊંઘી ગયો હતો. ફહીમનું દુર્ભાગ્ય કે તે જે કન્ટેનરમાં છુપાયો હતો એ મલેશિયા જતી કમર્શિયલ શિપમાં લોડ કરવામાં આવ્યું હતું. ૬ દિવસ પછી શિપ જ્યારે મલેશિયા પહોંચી ત્યારે ફહીમ ૬ દિવસ પછી કન્ટેનરની અંદર ભૂખ્યો અને ડીહાઇડ્રેટેડ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : લવ કે લિએ કુછ ભી કરેગા: બંગ્લાદેશથી તરીને મહિલા પહોંચી ભારત, કારણ છે ચોંકાવનારું
રેડિટ પર ફહીમનો ૨૩૦૦ માઇલ દૂર મલેશિયામાં રેસ્ક્યુનો વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં તેના શરીર પર આ ૬ દિવસના આકસ્મિક પ્રવાસની યાતનાની અસર જોઈ શકાય છે. અધિકારીઓને મળ્યો ત્યારે ફહીમ તાવથી ધખધખતો હતો. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે આને હ્યુમન ટ્રાફિકિંગનો કેસ માન્યો હતો, પણ પછીથી તેમણે એને ફગાવી દીધો હતો.