રિપબ્લિક ડે પર એક યુટ્યુબરે અમેરિકાના આકાશમાં ભારતનો નકશો બનાવીને ઇતિહાસ સર્જી દીધો છે.
યુટ્યુબરે અમેરિકાના આકાશમાં ૩૫૦ કિલોમીટરનો ભારતનો નકશો ક્રીએટ કર્યો
રિપબ્લિક ડે પર એક યુટ્યુબરે અમેરિકાના આકાશમાં ભારતનો નકશો બનાવીને ઇતિહાસ સર્જી દીધો છે. યુટ્યુબર ગૌરવ તનેજાએ તેના આ મિશનને પાર પાડવા માટે ત્રણ કલાક સુધી ૩૫૦ કિલોમીટર પ્લેન ઉડાડ્યું હતું. એ સમયે તેની વાઇફ રિતુ રાઠી તનેજા પણ સાથે હતી.
પાઇલટ ગૌરવ અને રિતુ તનેજાએ આ અચીવમેન્ટ માટે અમેરિકાના ફ્લૉરિડાના ટામ્પા ઍરપોર્ટ પરથી પોતાની ઉડાનની શરૂઆત કરી હતી. તેણે એવી રીતે પ્લેન ઉડાડ્યું કે આકાશમાં ભારતનો નકશો રચાય.
ગૌરવે પોતાના આ મિશનની જાહેરાત ૨૪ જાન્યુઆરીએ કરી હતી. તેણે જણાવ્યું કે આ પહેલ દેશના નામે હશે. તેણે આ મિશનને ‘આસમાન મેં ભારત’ નામ આપ્યું છે. કૅપ્ટન ગૌરવ પાસે ૧૨ વર્ષ અને ૬૦૦૦ કલાકનો ફ્લાઇંગ એક્સ્પીરિયન્સ છે.
તેણે આ મિશન પાર પાડ્યા બાદ ટ્વિટર પર લખ્યું હતું, ‘અમે ઇતિહાસ સરજ્યો છે. ભારતનો સૌથી વિશાળ નકશો. લગભગ ત્રણ કલાક સુધી ઉડાન કરીને ૩૫૦ કિલોમીટર લાંબો નકશો બનાવ્યો છે. તમારા સપોર્ટ અને ભારતમાતાના આશીર્વાદ વિના આ શક્ય નહોતું.’

