ડિમ્પલ યાદવે મુખ્ય પ્રધાનના આ પગલાને રામ મંદિરની ચોરીના મુદ્દાથી ધ્યાન ભટકાવવાની કોશિશ ગણાવી
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે કહ્યું હતું કે તેમણે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની પુત્રી વિરુદ્ધ કથિત રીતે કરવામાં આવેલી વાંધાજનક કમેન્ટ્સ વિશે પોલીસને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અખિલેશ યાદવને પણ વિનંતી કરી હતી કે નેતાઓએ બીજાઓને સલાહ આપતાં પહેલાં પોતાના પક્ષના કાર્યકરોને મહિલાઓ પ્રત્યે શિષ્ટાચાર અને આદર જાળવી રાખવાનું કહે.
આઝમગઢમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ બાદ એક જાહેર સભાને સંબોધતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘મારા ધ્યાનમાં આવતાંની સાથે જ મેં પોલીસને FIR નોંધવાનો આદેશ આપ્યો છે. દીકરી વિરુદ્ધ કોઈ પણ અપમાનજનક ટિપ્પણી સ્વીકાર્ય ન હોવી જોઈએ. બેટી બેટી હતી હૈ (દીકરી તો દીકરી જ હોય છે). દીકરીઓ વિરુદ્ધ કોઈ પણ અપમાનજનક ટિપ્પણી સહન ન કરવી જોઈએ. અમારી સરકારે જન્મથી જ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી ટેકો આપવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે અને મહિલાઓના કલ્યાણ અને સલામતીને સતત પ્રાથમિકતા આપી છે. દીકરીઓ આદરને પાત્ર છે. ગામની દીકરી દરેકની દીકરી છે અને ગામની બહેન દરેકની બહેન છે. અમે આ સંદર્ભમાં ક્યારેય કોઈ ભેદભાવ કર્યો નથી.’
ADVERTISEMENT
અખિલેશ યાદવ પર પણ કટાક્ષ કરતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘અખિલેશ યાદવે બીજાઓ પર ટિપ્પણી કરતાં પહેલાં વ્યક્તિએ તેના પોતાના લોકો દીકરીઓ, બહેનો, વૃદ્ધો, મૃત્યુ પામેલા લોકો અને વરિષ્ઠ નેતાઓ સામે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે એના પર વિચાર કરવો જોઈએ.’
આ મુદ્દો ઉછાળવાની જરૂર નથી ઃ ડિમ્પલ યાદવ
પોતાની દીકરી અદિતિ વિશે થતી અભદ્ર કમેન્ટ પર મુખ્ય પ્રધાને લીધેલી ઍક્શન પછી અખિલેશ યાદવનાં પત્ની અને સંસદસભ્ય ડિમ્પલ યાદવે પહેલી વાર મોં ખોલ્યું હતું. તેમણે મુખ્ય પ્રધાનની દીકરીઓ બચાવવાની આ વાત પાછળનો હેતુ ઉજાગર કરતાં કહ્યું હતું કે ‘અદિતિ પર BJPના જ લોકો ટિપ્પણીઓ કરાવે છે અને પછી કહે છે તેઓ આ ટિપ્પણીઓથી પરેશાન છે. આ બયાનબાજી રામ મંદિરમાં ચોરીના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવી છે, પણ અમે ધ્યાન ભટકવા નહીં દઈએ.’
