Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૪ ઑક્ટોબરે અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચની ‘ના’ અને ‘હા’

૧૪ ઑક્ટોબરે અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચની ‘ના’ અને ‘હા’

Published : 11 October, 2023 08:50 AM | IST | New Delhi
Dr. Vishnu Pandya | feedbackgmd@mid-day.com

૧૪ ઑક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મૅચ રમાશે. ભારત અને પાકિસ્તાનના કેટલાક ક્રિકેટપ્રેમીઓ સિવાય એનું કોઈ ખાસ મહત્ત્વ નથી, પણ એની તૈયારી તમે સાંભળી? જાણે કોઈ મહાન ઉત્સવ હોય અને સાથે જ કોઈ ઉત્પાતનો માહોલ હોય એવી આ તૈયારી છે.

રોહિત શર્મા, બાબર આઝમ

મારી નજરે

રોહિત શર્મા, બાબર આઝમ


૧૯ ડીએસપી, ૪૧ એસીપી, ૩૧૮ પીએસઆઇ, ૫૬૫૭ કૉન્સ્ટેબલ, એસઆરપીની ત્રણ કંપની, ૫૦૦ હોમગાર્ડ, એનએસજીની ૩ ટીમ, ઍન્ટિ ડ્રોન એનજીએસની એક ટીમ, ક્યુઆરટીની ૫ ટીમ, ચેતક કમાન્ડોની ૨ ટીમ, બૉમ્બ સ્ક્વૉડની ૧૩ ટીમ, સીસીટીવી ટાવર માટેની ૧૦ ટીમ તેમ જ બૉડીવૉર્ન કૅમેરા સાથે ૧૦,૦૦૦ કર્મચારીઓ એ દિવસે ખડેપગે રહેશે. કમ્યુનલ પૉઇન્ટ પર ૨ ડીસીપી, ૬ એસીપી, ૧૯ પીઆઇ, ૫૧ પીએસઆઇ, ૧૨૧૮ કૉન્સ્ટેબલ, એસઆરપીની ૧૦ ટુકડી, આરએએફની ૩ ટીમ, ૩૪૦૦ હોમગાર્ડ ફરજ પર તહેનાત હશે. સ્ટેડિયમને ઉડાડી દેવાની ધમકીને કારણે એનડીઆરએફ અને એસડીઆરએફની બે-બે ટીમ સક્રિય રહેશે. પોલીસ-કમિશનરે જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનની ટીમ ૧૧ તારીખે આવે ત્યારે સ્ટેડિયમની પૂરી સુરક્ષા કરવામાં આવશે. એ ઉપરાંત અમદાવાદના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ ગોઠવવામાં આવશે. શહેરના આગમન અને ગમનના રસ્તે ચેકિંગ-પૉઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે.  

એક સવાલ એવો ઊભો થાય છે કે ખેલ તો ખેલદિલીનું પ્રતીક છે, ત્યાં થોડું લડાઈનું મેદાન હોય? બીજા દેશોમાં તો એવી કોઈ જાણકારી નથી, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યાં ક્રિકેટ મૅચ રમાવાની હોય ત્યારે એ એકબીજાના ધિક્કારનું મેદાન બની જાય છે. આની શરૂઆત ૧૯૪૭ના ભાગલા પછી જ થઈ હતી. એ પહેલાં ક્રિકેટ, ફુટબૉલ, હૉકીની રમતમાં સહિયારી ટીમ રહેતી. તાજેતરમાં ‘પાકિસ્તાનમાં ક્રિકેટનો ઇતિહાસ’ પુસ્તક બહાર પડ્યું એમાં એક આખું પ્રકરણ જૂનાગઢ, માણાવદર જેવા કાઠિયાવાડી નવાબી સ્ટેટના ક્રિકેટરોએ અને ફુટબૉલ રમતવીરો દુનિયાભરમાં કેવા જાણીતા થયા હતા અને શાનદાર રમત દર્શાવી હતી એની વિગતોનું છે. આજે પણ તમે જૂનાગઢથી માણાવદર જાઓ તો ક્રિકેટનું આધુનિક સ્ટેડિયમ, એની મજબૂત પિચ, મેદાન અને મોટું સ્કોરબોર્ડ જર્જરિત હાલતમાં જોવા મળે. અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પાક્યા હતા.



પણ બીત ગયા વો સપના થા. આઝાદી પછી વેરનાં વાવેતર થયાં. ફટાકડા તો સમજ્યા, હવે તો રમખાણની શરૂઆત થઈ જાય છે. જુઓ યુદ્ધ ઇઝરાયલ-ગાઝા પટ્ટી અને હમાસના આતંકવાદીઓ વચ્ચે થયું અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ પૅલેસ્ટીનની તરફેણ કરતા દેખાવો કર્યા. જેએનયુના યુનિયનના પ્રમુખે પણ નિવેદન ઠપકાર્યું.


પ્રશ્ન એ પણ છે કે આટલો પોલીસ-બંદોબસ્ત કરીને પાકિસ્તાન સાથે મૅચ થાય એવી કોઈ જરૂર છે ખરી? છેવટે આ સુરક્ષા-ખર્ચ ભારતીય નાગરિકે આપેલા કરવેરામાંથી જ થાય છેને? બધાને ક્રિકેટમાં રસ હોય એવું પણ હોતું નથી. કેટલાક રમત-વિવેચકો તો આને મનુષ્ય-દિવસોનો શ્રમ-વ્યય પણ ગણે છે. સરકારમાં કે ખાનગીમાં કામ કરતા કર્મચારીઓ ટ્રાન્ઝિસ્ટર રેડિયોથી અને હવે ટીવી-ચૅનલોથી મૅચનો દિવસ ઊજવે છે. બર્નાર્ડ શૉએ ભલે રમૂજમાં કહ્યું હતું કે ‘ચોવીસ ખેલાડીઓ ટચાક-ટચાક રમતા હોય, સ્ટેડિયમમાં થોડાક લાખ કે હજાર પ્રેક્ષકો ઊછળતા કે કૂદતા હોય અને બાકીના કેટલાક દુનિયામાં કૉમેન્ટરી સાંભળતા હોય એવી કોઈ બેવકૂફ રમત હોય તો એ ક્રિકેટ છે.’ આપણે એમાંથી બેવકૂફ શબ્દ કાઢી નાખીએ તો પણ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ ગુલામીની માનસિકતા સાથે આ ક્રિકેટને ગળે વળગાડીને ગયા છે. દુનિયાના ઘણા દેશો આ રમતથી દૂર રહ્યા છે.

હાલના દિવસોમાં ૧૪ ઑક્ટોબરની મૅચ વિશે બે પ્રતિક્રિયા જાણવા જેવી છે. બન્ને અલગ-અલગ વર્ગનું, સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. મીના ગુરુસ્વામી સર્વોચ્ચ અદાલતનાં ધારાશાસ્ત્રી છે. એક લેખમાં તેમણે કહ્યું છે કે ના, હું આ મૅચ નહીં જોઉં. કારણ પણ તેમણે લખ્યું છે. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના દિવસે ભારતીય સૈનિક અધિકારીઓ કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનચક તેમ જ જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ હુમાયું ભટ ત્રણેયને અનંતનાગ મિલિટરી ઑપરેશનમાં પાકિસ્તાનના આતંકવાદીઓએ મારી નાખ્યા. પંજાબના એક નાનકડા ગામમાં કર્નલ સિંહની સ્મશાનયાત્રા નીકળી ત્યારે અઢી વર્ષની પુત્રી સાથે કર્નલ સિંહની માતા એમાં જોડાઈ હતી. હરિયાણાના ધોનચકે પણ પત્ની અને અઢી વર્ષની દીકરીથી વિદાય લીધી. ત્રીજા શહીદની પાછળ નિરાધાર પરિવાર રહ્યો. ત્રણેયની હત્યા કરનારું લશ્કરે-એ-તય્યબા પાકિસ્તાનનું આતંકવાદી સંતાન છે. આમાંના એક શહીદના પરિવારનાં દુખી સભ્ય તરીકે મીના ગુરુસ્વામીએ કહ્યું છે કે હું આ મૅચ જોવા નહીં જાઉં.


એક બીજો અભિપ્રાય ગોપાલ શંકરનારાયણનો છે. એ પણ રાષ્ટ્રીય અખબારમાં જ છપાયો છે. તેણે તો એન્જિલા રસ્કિન યુનિવર્સિટી (ક્યાં આવી હશે આ યુનિવર્સિટી? તમે આ નામ સાંભળ્યુ છે?)ના સર્વેક્ષણનો આધાર લઈને, જેમાં ૭૨૪૯ લોકોનો જ અભિપ્રાય છે. કહ્યું છે કે રમતગમતમાં ભાગ લેવાથી ખુશીનો અનુભવ થાય છે. વાત તો સાચી છે, પણ કઈ રમતોથી? કોઈ ખાસ ખર્ચ ન થાય એવી રમતો સંખ્યામાં ઓછી નથી; પણ આ સજ્જન પોતાની દલીલને મજબૂત કરવા માટે વર્લ્ડ કપ, ઑલિમ્પિક્સ, રમતથી થતી શાંતિ વગેરેનાં ઉદાહરણ ટાંકે છે અને કહે છે કે હું તો ભારત-પાકિસ્તાન મૅચ જોઈશ.

કોઈ કોઈને મૅચ જોવા કે ન જોવા રોકતું નથી. ખેલની સાથે ખેલદિલી હોવી જ જોઈએ, પણ વાસ્તવમાં એવું છે ખરું? ક્રિકેટમાં ફિક્સિંગનો ધંધો મોટા પાયે ચાલે છે. અબજોનો એમાં વેપાર થાય છે. શું આવી રમત આપણા પરનો બોજ તો નથીને? 

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2023 08:50 AM IST | New Delhi | Dr. Vishnu Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK