સતીશ જારકિહોલીએ હિન્દુ શબ્દનો અર્થ ખૂબ ખરાબ હોવાનું જણાવ્યું અને વિવાદ થયા બાદ પણ પોતાની વાતને વળગી રહ્યા
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકમાં કૉન્ગ્રેસના નેતા સતીશ જારકિહોલીએ ‘હિન્દુ’ શબ્દ વિશે વિવાદાસ્પદ કમેન્ટ કરતાં જ હંગામો મચી ગયો હતો. એનો ભારે વિરોધ થયો હોવા છતાં તેઓ ગઈ કાલે તેમની વાતને મક્કમતાથી વળગી રહ્યા હતા અને કહ્યું હતું કે તેમણે જે કહ્યું હતું એમાં કશું ખોટું નથી. આ પહેલાં તેમણે જણાવ્યું હતું કે આ શબ્દ પર્શિયન છે અને એનો ખૂબ જ ભયાનક અને શરમજનક અર્થ થાય છે.
હવે તેમણે જણાવ્યું હતું કે ‘કેવી રીતે પર્શિયન શબ્દ (હિન્દુ) આવ્યો એના વિશે સેંકડો રેકૉર્ડ્સ છે. સ્વામી દયાનંદ સરસ્વતીના પુસ્તક ‘સત્યાર્થ પ્રકાશ’, ડૉ. જી. એસ. પાટીલના પુસ્તક ‘બસવ ભારત’ તેમ જ બાળ ગંગાધર ટિળકના ‘કેસરી’ અખબારમાં પણ એનો ઉલ્લેખ છે. એ તો માત્ર ત્રણથી ચાર ઉદાહરણ છે. વિકીપીડિયામાં આવા અનેક આર્ટિકલ છે. પ્લીઝ વાંચો.’
ADVERTISEMENT
રવિવારે જારકિહોલીએ કર્ણાટકના બેલગવી જિલ્લામાં એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘હિન્દુ શબ્દ ક્યાંથી આવી ગયો? શું એ આપણો શબ્દ છે? એ પર્શિયન શબ્દ છે. ભારતનો એની સાથે શું સંબંધ છે? તો પછી તમે કેવી રીતે થઈ ગયા હિન્દુ? ચર્ચા થવી જોઈએ. અત્યારે વૉટ્સઍપ, વિકીપીડિયામાં જુઓ કે ક્યાંથી આવ્યો આ શબ્દ. તો પછી તમે શા માટે એને વધારે મહત્ત્વ આપો છો? હિન્દુનો જે અર્થ છે એ ખબર પડશે તો તમને શરમ આવી જશે. હિન્દુ શબ્દનો અર્થ ખૂબ ખરાબ છે. ક્યાંયનો ધર્મ, ક્યાંયનોય શબ્દ લાવીને અમારા પર જબરદસ્તી લાદી રહ્યા છો.’
નોંધપાત્ર છે કે પુરીના શંકરાચાર્યએ ૨૦૧૭ની ૨૧ ઑગસ્ટે એક સવાલના જવાબમાં ભારતીય શાસ્ત્રો અનુસાર હિન્દુ શબ્દનો અર્થ સમજાવ્યો હતો. શંકરાચાર્યના જવાબના વિડિયોને ગોવર્ધન મઠ, પુરી દ્વારા એની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ પર શૅર કરવામાં આવ્યો હતો.
શંકરાચાર્યને સવાલ કરવામાં આવ્યો હતો કે શું હિન્દુ શબ્દ આપણાં શાસ્ત્રોમાં છે? અને જો હોય તો એ કયા અર્થમાં જણાવાયો છે. જેના જવાબમાં શંકરાચાર્યએ જણાવ્યું હતું કે ‘મોહમ્મદ અને ઈશુથી પણ સેંકડો વર્ષ પહેલાં હિન્દુ અને હિન્દુ શબ્દનો પ્રયોગ થતો હતો. સિકંદરે ભારતમાં આવીને હિન્દુકુશ એટલે કે હિન્દકૂટ પર્વતના દર્શનની ભાવના વ્યક્ત કરી હતી. પારસીઓના ગ્રંથમાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ છે. ગ્રંથ અવેસ્તામાં હજારો વૈદિક શબ્દો છે. સિકંદરથી પણ સેંકડો વર્ષ પહેલાંનો આ ગ્રંથ છે. એમાં હિન્દુ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ભવિષ્યપુરાણમાં સિંધુસ્થાન માટે હિન્દુસ્થાન કે હિન્દુસ્તાન નામ છે. જેને આર્યોનો ઉત્તમ દેશ ગણાવવામાં આવ્યો છે. સાગંધર્વ પદ્ધતિમાં હિન્દવા શબ્દનો પ્રયોગ થયો છે, પરંતુ ‘વેદ માર્ગીયમ’ કહીને વૈદિક પદ્ધતિ અપનાવનારને હિન્દુ કહેવામાં આવે છે. આર્યોનાં નામ હિન્દુ છે. હિન્દુ અને સિંધુને પર્યાય પણ માનવામાં આવે છે. બન્ને સંસ્કૃતના શબ્દ છે.’

