Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોકસભામાં મહિલા આરક્ષણ બિલના મુદ્દે લાંબી ચર્ચા, નરેન્દ્ર મોદીએ કહ્યું...

લોકસભામાં મહિલા આરક્ષણ બિલના મુદ્દે લાંબી ચર્ચા, નરેન્દ્ર મોદીએ કહ્યું...

Published : 17 April, 2026 10:09 AM | Modified : 17 April, 2026 10:24 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશની અડધી વસ્તી રાષ્ટ્રનિર્માણમાં સહયોગ કરશે, જેમણે પણ મહિલાઓના અધિકારોનો વિરોધ કર્યો છે તેમની હાલત ખરાબ થઈ છે

ગઈ કાલે લોકસભામાં સંબોધન કરી રહેલા નરેન્દ્ર મોદી.

ગઈ કાલે લોકસભામાં સંબોધન કરી રહેલા નરેન્દ્ર મોદી.


મહિલા આરક્ષણ અને પરિસીમન બિલ પાસ થવાના અંતિમ ચરણમાં પ્રવેશી ગયાં છે ત્યારે ગઈ કાલે લોકસભામાં નરેન્દ્ર મોદીએ મહિલાઓની ભાગીદારીને નવા યુગની શરૂઆત ગણાવી, વિપક્ષોએ લોકસભાની સીટો વધારવાના મુદ્દા પર કર્યો વિરોધ

ગઈ કાલે કેન્દ્ર સરકારે ૩ મહત્ત્વનાં બિલ લોકસભામાં રજૂ કર્યાં હતાં. રાજનીતિમાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ આપવાનું, સીટોના પરિસીમનનું અને સંરચનામાં બદલાવ કરવાનું. સત્રની શરૂઆતમાં જ વિરોધ પક્ષોએ વિરોધ શરૂ કરી દીધો હતો. કેટલાક વિપક્ષી નેતાઓએ કાળાં કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું હતું કે ‘અમે મહિલાઓના આરક્ષણના વિરોધમાં નથી, પરંતુ જે રીતે આ બિલ લાવવામાં આવી રહ્યું છે એની વિરુદ્ધમાં છીએ. આ બિલ દલિતો, મુસલમાનો અને બૅકવર્ડ સમાજના લોકોની વિરુદ્ધમાં છે. ૩૩ ટકા આરક્ષણની વાત કરવામાં આવે છે, પણ આપણી પાસે આંકડા જ સાચા નથી ત્યારે આપણે આરક્ષણ કઈ રીતે આપી શકીએ?’  



વિરોધ પક્ષોએ ત્રણેય બિલ પાછાં લેવાની માગણી કરીને લોકસભામાં હોબાળો મચાવવાની કોશિશ પણ કરી હતી. એમ છતાં સદનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. વિપક્ષના દેખાવો પછી બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા આરક્ષણ તેમ જ પરિસીમન બિલ વિશે બોલતાં કહ્યું હતું કે ‘જે કામ ૩૦ વર્ષ પહેલાં થઈ જવું જોઈતું હતું એ હવે થઈ રહ્યું છે. જોકે એમાં પણ મારો સ્વાર્થ નથી, તમને ક્રેડિટ જોઈએ તો લઈ લો. ત્રણ દાયકા સુધી આ નિર્ણયને રોકી રાખ્યો, હવે તો છોડી દો. રાષ્ટ્રના નિર્માણ માટે આપણા જીવનમાં કેટલીક મોટી ક્ષણો આવે છે. આ એ પળ છે. સંસદના ઇતિહાસમાં પણ આ બહુ જ મહત્ત્વની ક્ષણ છે. સમાજની મજબૂત ધરોહર તૈયાર કરવા માટે આ જરૂરી છે.’


નરેન્દ્ર મોદીએ બીજું શું કહ્યું?

 આપણા લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી એ આંકડાઓની રમત કે લોકતાંત્રિક વ્યવસ્થામાં સુધારણા સુધી જ સીમિત નથી. લોકતંત્રની જનનીના રૂપમાં આ નિર્ણય ભારતનું કમિટમેન્ટ છે. આ જ કારણે પંચાયતોમાં પણ આ વ્યવસ્થા બની છે. મારો અનુભવ રહ્યો છે કે સંવેદનશીલતા સાથે સમસ્યાઓનું સમાધાન કરવાનું મહિલાઓનું કમિટમેન્ટ અદ્ભુત હોય છે. આ સદનમાં તેમનો અવાજ નવી શક્તિ બનશે. તથ્ય અને તર્કોના આધાર પર અનુભવ જ્યારે જોડાય ત્યારે નવાં પરિણામો મળે છે. નારીશક્તિ બહુ સારો સહયોગ આપશે. આજે પણ જે બહેનો અહીં છે તેમણે સદનને સમૃદ્ધ બનાવ્યું છે.


 વિકસિત ભારતનો મતલબ રોડ, રેલ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા આંકડા જ નથી હોતો. એનો અસલી મતલબ છે કે નીતિ નિર્ધારણમાં દેશની અડધોઅડધ વસ્તી ભાગ લઈ શકે.

 આપણે દેશની નારીશક્તિને કંઈક આપી રહ્યા છીએ. એ તેમનો હક છે. આપણે ભ્રમમાં કે અહંકારમાં ન રહીએ કે આપણે દેશની નારીશક્તિને કંઈક આપી રહ્યા છીએ. આ તેમનો હક છે. આપણે અનેક દાયકાઓથી તેમના હકને અવરોધ્યો છે. આજે પ્રાયશ્ચિત્ત કરીને અપરાધબોધમાંથી મુક્તિ મેળવવાનો અવસર છે.

 આપણે ત્યાં પરંપરા છે કે કોઈની નજર ન લાગે એ માટે કાળો ટીકો લગાવવો. હું કાળાં કપડાં પહેરીને આવનારાને ધન્યવાદ કહું છું. તેમણે આ બદલાવને નજર ન લાગે એ માટે કાળો ટીકો લગાવી દીધો.’

 કોઈ પણ રાજ્ય સાથે ભેદભાવ નહીં કરવામાં આવે. આ મોદીની ગૅરન્ટી છે. વિપક્ષ ચાહે તો એની ક્રેડિટ લઈ શકે છે. હું આ ક્રેડિટનો બ્લૅન્ક ચેક આપી રહ્યો છું. સાઉથ, નૉર્થ કે ઈસ્ટ હોય, કોઈનીયે સાથે અન્યાય નહીં થાય. જ્યારે આપણી નિયત સાફ છે તો શબ્દોનો ખેલ કરવાની જરૂર નથી.

ગઈ કાલે લોકસભામાં રજૂ થયેલા પ્રસ્તાવના વિરોધમાં ચેન્નઈમાં દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK) પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રસ્તાવિત બિલની કૉપી બાળીને વિરોધ કર્યો હતો અને સંસદભવનમાં DMKના નેતાઓ કાળાં કપડાં પહેરીને આવ્યાં હતાં.

 પરિસીમન આયોગમાં સરકાર દ્વારા પસંદગી પામેલા ૩ લોકો દેશના લોકતંત્રને ખતમ કરી નાખશે. જો આ બિલ પાસ થશે તો દેશમાં લોકતંત્ર ખતમ થઈ જશે. હાલની સરકાર જનતાની આંખોમાં ધૂળ નાખી રહી છે. આ સરકાર OBC વર્ગનો હક છીનવી રહી છે જેથી કેટલાક પ્રદેશોની તાકાત છીનવાઈ જાય.  - પ્રિયંકા ગાંધી, કૉન્ગ્રેસ નેતા 

દક્ષિણનાં રાજ્યોનું પણ પ્રતિનિધિત્વ વધશે જ : અમિત શાહ
લોકસભાની બેઠકોમાં વધારાની બાબતમાં દક્ષિણનાં રાજ્યોના વિરોધના સંદર્ભમાં અમિત શાહે વિરોધ પક્ષોને જવાબ આપ્યો હતો કે ‘એક ખોટું નેરેટિવ ઊભું કરવામાં આવ્યું છે કે આ બિલથી સાઉથનાં રાજ્યોની ક્ષમતા લોકસભામાં ઘટી જશે. જે બિલ સદનમાં રજૂ કરવામાં આવ્યું છે એને પ્રૅક્ટિકલ ઉદાહરણ સાથે સમજાવું. કર્ણાટક રાજ્યમાં ૨૮ બેઠકો છે. જો આ બિલ પાસ થઈ જાય તો કર્ણાટકની સંખ્યા ૪૨ થઈ જશે. આંધ્ર પ્રદેશમાં અત્યારે ૨૫ બેઠકો છે જે ૩૮ થઈ જશે. કુલ મળીને સાઉથનાં રાજ્યોમાંથી હાલમાં ૫૪૩ સીટોમાંથી ૧૨૯ સભ્યો આવે છે. આ બેઠકો વધીને ૧૯૫ થશે. મતલબ કે તેમનું પ્રતિનિધિત્વ પણ ઘટવાનું નહીં, વધવાનું જ છે.’

ભારતમાં લોકસભાની બેઠકો ક્યારે વધેલી?
૧૯૫૧માં  - ૪૮૯
૧૯૫૭માં - ૪૯૪
૧૯૬૭માં – ૫૨૦ 
૧૯૭૭માં  - ૫૪૨ 
૧૯૮૦માં  - ૫૪૩

દેશની આઝાદીને ૭૯ વર્ષ થઈ ગયાં છે, પરંતુ દેશની અડધી વસ્તીનું એટલે કે મહિલાઓનું પ્રતિનિધિત્વ આજે પણ માત્ર ૧૪ ટકાની આસપાસ જ છે.

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 10:24 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK