આ સમગ્ર પ્રોજેક્ટનું મુખ્ય કેન્દ્રબિંદુ ૨૦ એકરમાં ફેલાયેલા પાર્કની બરાબર વચ્ચે સ્થાપિત થનારું ૧૩૦ ફુટ ઊંચું શિવલિંગ હશે
શિવલિંગ
ધાર્મિક અને સાંસ્કૃતિક નગરી વારાણસી વધુ એક ઐતિહાસિક પગલું ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. વારાણસી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કામાચ્છા ખાતે બ્રિટિશકાળના ઐતિહાસિક જલ કલ કૅમ્પસને એક વર્લ્ડ ક્લાસ અર્બન પાર્કમાં ફેરવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) પાસ થઈ ચૂક્યો છે અને ટૂંક સમયમાં એનું કામ શરૂ થશે.
આસ્થા સાથે આધુનિકતા
આશરે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે તૈયાર થનારા આ અર્બન પાર્કમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાનો અદ્ભુત સમન્વય જોવા મળશે જેમાં બનારસ ઘરાનાનું સંગીત, બનારસી વાનગીઓ, પવિત્ર ગંગા નદી અને કાશી વિશ્વનાથ ધામના ઇતિહાસને પ્રદર્શિત કરવામાં આવશે. એ ઉપરાંત આધુનિક પ્લૅનેટેરિયમ મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના આકર્ષણનું કેન્દ્ર બનશે.
ADVERTISEMENT
૧૩૦ ફુટ ઊંચું ભવ્ય શિવલિંગ
આ સમગ્ર પ્રોજેક્ટનું મુખ્ય કેન્દ્રબિંદુ ૨૦ એકરમાં ફેલાયેલા પાર્કની બરાબર વચ્ચે સ્થાપિત થનારું ૧૩૦ ફુટ ઊંચું શિવલિંગ હશે. આ શિવલિંગ ભારતની સૌથી ઊંચી અને ભવ્ય ધાર્મિક સંરચનાઓમાંનું એક હશે જે દૂર-દૂરથી જોઈ શકાશે. એ ભગવાન શિવની નગરી તરીકે કાશીની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત કરશે.
