યુનિફૉર્મ સિવિલ કોડનો અમલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું
ગઈ કાલે દેહરાદૂનમાં યુનિફૉર્મ સિવિલ કોડના અમલની જાહેરાત કરવાના કાર્યક્રમમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી.
ઉત્તરાખંડ સરકારે ગઈ કાલથી યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરી દીધો છે. સરકારે ૧૩ જાન્યુઆરીથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને UCC પોર્ટલથી પરિચિત કરાવવા માટે ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. UCC લાગુ કરનારું ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
નવા કાયદા અને વિવિધ ઍપ્લિકેશન કરવા માટેના પોર્ટલનું ગઈ કાલે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યની કૅબિનેટે ૨૦ જાન્યુઆરીએ UCCના કાયદાને મંજૂર કર્યા હતા. આ પ્રસંગે બોલતાં ધામીએ કહ્યું હતું કે ‘આ દિવસ રાજ્ય નહીં પણ દેશ માટે ઐતિહાસિક છે, સરકારે આપેલું વચન પૂર્ણ થયું છે. અમે કોઈ ધર્મના વિરોધમાં નથી, હવે તમામ સમાજની મહિલાઓને એકસમાન ન્યાય મળશે. મહિલાઓ સશક્ત થશે, હલાલા પ્રથા બંધ થશે, બાળવિવાહ પર રોક લાગશે.’
ADVERTISEMENT
આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે નાગરિકો અને અધિકારીઓ માટે પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે, જેમાં આધાર આધારિત વેરિફિકેશન કરવામાં આવશે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સર્વિસ ૨૨ ભારતીય ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સરકારના વિવિધ ૧૩ વિભાગોના ડેટાને એકત્રિત કરીને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જન્મ કે મૃત્યુની નોંધણીથી લઈને કોર્ટની સર્વિસ સુધીની સુવિધા આ પોર્ટલ પર ઉપલબ્ધ થશે. તત્કાલ સર્વિસ હેઠળ અરજીઓનો ઝડપી નિકાલ લાવવામાં આવશે.
હવે ઉત્તરાખંડમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં કપલોએ તેમનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો તેઓ એમ નહીં કરાવે તો તેમને દંડ થશે. જો કોઈને લિવ-ઇન રિલેશનશિપમાંથી બહાર નીકળવું હશે તો અરજી કરવામાં આવશે પણ બીજા પાર્ટનરની સહી જરૂરી બનાવવામાં આવી છે.
રાજ્ય સરકારે પોર્ટલ સિવાય ઑનલાઇન રજિસ્ટ્રેશન માટે કૉમન સર્વિસ સેન્ટરો પણ ખોલ્યાં છે. દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ ન હોય તો એજન્ટો ઘરે-ઘરે જઈને આ સુવિધા પૂરી પાડશે.

