ભારતીય ચીજવસ્તુઓ પર અમેરિકામાં ૫૦ ટકા ટૅરિફ અમલમાં આવી જતાં એક્સપોર્ટ માર્કેટને ભારે ફટકો પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે
ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઈલ તસવીર)
ભારતીય ચીજવસ્તુઓ પર અમેરિકામાં ૫૦ ટકા ટૅરિફ અમલમાં આવી જતાં એક્સપોર્ટ માર્કેટને ભારે ફટકો પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે. બિઝનેસ એક્સપર્ટ્સ આ આઘાતની સાચી અસર લાંબા ગાળે અનુભવાશે એવું કહે છે, પરંતુ ટૂંકા ગાળામાં પણ એનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. અમેરિકાની ધરખમ ટૅરિફને લીધે કુલ એક્સપોર્ટમાં મોટું ગાબડું પડવા સાથે ભારતે એનો સૌથી મોટો ગ્રાહક પણ ગુમાવ્યો છે. જોકે દેશના મજબૂત અર્થતંત્રને લીધે આ આઘાતમાંથી બેઠા થઈ જવાનો વિશ્વાસ સૌકોઈને છે
ભારત પર અમેરિકાએ લાદેલી ૨૫ ટકા ઍડિશનલ ટૅરિફ સાથે કુલ ૫૦ ટકા ટૅરિફ અમલમાં આવી ગઈ છે. આને કારણે ભારતીય ઉદ્યોગજગતમાં એક તરફ ખળભળાટ છે, રોષ છે તો ક્યાંક-ક્યાંક આ આફતને અવસરમાં બદલવાનો સંકલ્પ પણ છે.
ADVERTISEMENT
ટૅરિફની ડેડલાઇન પહેલાં ડિલિવરી પહોંચાડવા માટે અમેરિકા મોકલવામાં આવતી ચીજવસ્તુઓની સંખ્યા અનેકગણી વધી ગઈ હતી. માત્ર એપ્રિલથી જૂન સુધીના ૩ મહિનામાં અમેરિકાની એક્સપોર્ટમાં ૨૧.૫ ટકાનો વધારો થયો હતો.
જોકે એક્સપોર્ટર્સના સંગઠને ટ્રમ્પની ટૅરિફને ખતરનાક ગણાવી હતી અને દેશના નિકાસકારો માટે ચિંતા વ્યક્ત કરી હતી. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન (FIEO) દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે અમેરિકાની ટૅરિફ ભારતના એક્સપોર્ટર્સ માટે ખતરાની ઘંટડી છે અને એનાથી તેમના વ્યવસાય પર ભારે અસર જોવા મળી શકે છે.
ભારતના નિકાસકારો માટે અમેરિકા સૌથી મોટો ગ્રાહક રહ્યું છે, જે તેમણે ૫૦ ટૅરિફના વાવાઝોડામાં ગુમાવવું પડે એમ છે. વાર્ષિક ૮૬.૫ બિલ્યનની એક્સપોર્ટ સાથે ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ અમેરિકા રહ્યું છે. એ પછી ૩૬.૬ બિલ્યન ડૉલર સાથે UAE, ૨૨.૫ બિલ્યન સાથે નેધરલૅન્ડ્સ, ૧૪.૫ બિલ્યન સાથે UK અને ૧૪.૩ બિલ્યન સાથે ચીન છે. એટલે કે બીજાથી પાંચમા નંબર સુધીના ચારેય દેશોને ભારત જેટલી નિકાસ કરે છે એટલી નિકાસ અત્યાર સુધી એકલા અમેરિકાને કરતું હતું.
|
સેક્ટર |
અગાઉની ટૅરિફ |
નવી ટૅરિફ |
|
ગાર્મેન્ટ |
૧૨ |
૬૨ |
|
હોમ ટેક્સટાઇલ |
૯ |
૫૯ |
|
કાર્પેટ્સ |
૨.૯ |
૫૨.૯ |
|
મશીનરી |
૧.૩ |
૫૧.૩ |
|
પૉલિશ્ડ ડાયમન્ડ્સ |
૦ |
૫૦ |
|
સોલર પૅનલ્સ |
૦ |
૫૦ |
૨૦૩૮ સુધીમાં ભારત ખરીદશક્તિમાં અમેરિકાને પાછળ છોડી શકે છે
૨૦૩૮ સુધીમાં ભારત પરચેઝિંગ પાવર પૅરિટી (PPP)માં દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. PPP એ જે-તે દેશની કરન્સીની ખરીદશક્તિ દર્શાવે છે. બુધવારે બહાર પડેલા એક રિપોર્ટ પ્રમાણે ૨૦૩૦ સુધીમાં ભારતનું અર્થતંત્ર ૨૦.૭ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચી શકે છે જે અમેરિકા, ચીન, જર્મની અને જપાન કરતાં બહેતર સ્થિતિ છે.
ભારતમાં કયાં સેક્ટર્સનું કેટલા ટકા ઉત્પાદન અમેરિકા એક્સપોર્ટ થાય છે?
કાર્પેટ ૫૮.૬
સ્માર્ટફોન્સ ૪૩.૯
ડાયમન્ડ્સ ૪૦
મત્સ્યઉછેર ૪૦
ફાર્મા ૩૯.૮
અપૅરલ ૩૪.૫
સેન્સેક્સ ૭૦૦, નિફ્ટી ૨૦૦ પૉઇન્ટ ડાઉન
અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલી ૨૫ ટકા ઍડિશનલ ટૅરિફ સહિત કુલ ૫૦ ટકા ટૅરિફ અમલમાં આવી જતાં સતત બીજા દિવસે ભારતીય શૅરબજારો માઇનસમાં બંધ થયા હતા. ૨૮ ઑગસ્ટે માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સ ૭૦૫.૯૭ અને નિફ્ટી ૨૧૧.૧૫ પૉઇન્ટ ડાઉન હતું. નિફ્ટી ૨૪,૫૦૦ અને સેન્સેક્સ ૮૦,૦૮૦એ બંધ થયા હતા. છેલ્લા બે સેશનમાં નિફ્ટી અને સેન્સેક્સ બન્ને બે ટકાની આસપાસ ધોવાઈ ગયા છે.
ટૅરિફ સામે રાહત આપવા સરકારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કૉટન ઇમ્પોર્ટ-ડ્યુટીમાં છૂટ લંબાવી
અમેરિકાની ૫૦ ટકા ટૅરિફથી સૌથી વધારે પ્રભાવિત થયેલી કૉટન ઇન્ડસ્ટ્રીને રાહત આપવા માટે ભારત સરકારે કૉટન એક્સપોર્ટ પરની ડ્યુટીમાં છૂટ આપવાની તારીખ લંબાવીને ૩૧ ડિસેમ્બર કરી છે. અગાઉ સરકારે ઇમ્પોર્ટ-ડ્યુટીમાં છૂટ આપવાની જાહેરાત ૧૮ ઑગસ્ટે કરી હતી અને છૂટની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. જોકે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કરેલી ૨૫ ટકા વધારાની ટૅરિફને લીધે ભારત પરની કુલ ટૅરિફ ૫૦ ટકા થઈ જતાં દેશનાં અનેક ક્ષેત્રોને ફટકો પડ્યો છે. ૨૭ ઑગસ્ટથી ૫૦ ટકા ટૅરિફદર અમલમાં આવી જતાં ભારતના ઉદ્યોગકારો માટે અનેક પડકારો ઊભા થયા છે. કૉટન ઇન્ડસ્ટ્રી ટૅરિફથી ભારે પ્રભાવિત થઈ છે. ૨૦૨૪માં ભારતે અમેરિકામાં બે બિલ્યન ડૉલર (આશરે ૧૬,૭૧૦ કરોડ રૂપિયા) નાં ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ્સ એક્સપોર્ટ કર્યાં હતાં. ૨૦૨૫ના પહેલા છ મહિનામાં પણ ભારતે અમેરિકાને આ ક્ષેત્રમાં એક બિલ્યન ડૉલરથી વધુની એક્સપોર્ટ કરી હતી.
આ તો આપણે બે બાજુથી માર ખાઈએ છીએ : કેજરીવાલ

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કહ્યું હતું કે ‘અમેરિકાએ ગુંડાગીરી કરીને આપણા પર ૫૦ ટકા ટૅરિફ લગાવી દીધી તો આપણે પણ સામે કૉટન પર ૧૧ ટકાથી વધારીને ૫૦ ટકા ટૅરિફ કરી દેવાની જરૂર હતી. યુરોપના દેશોએ ગાડીઓની ટૅરિફમાં અમેરિકાના ૨૫ ટકા સામે ૫૦ ટકા ટૅક્સ ઝીંકી દીધો હતો એટલે ટ્રમ્પે સામે ઝૂકવું પડ્યું. તમામ દેશોએ આવું કર્યું તો અંતે ટ્રમ્પે ઝૂકવું પડ્યું, પણ મોદીજીએ ઊંધું કર્યું. આપણે બે બાજુથી માર ખાઈએ છીએ. ટ્રમ્પે એક્સપોર્ટ પર ૫૦ ટકા ટૅરિફ લાદી દીધી છે એનાથી ભારતની ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી બંધ પડી જાય એમ છે તો સામે મોદીજીએ અમેરિકાથી આવતા માલ પરથી ટૅરિફ સાવ હટાવી દીધી. મોદીજી, તમે અમેરિકાની ૫૦ ટકા ટૅરિફ સામે ૧૦૦ ટકા ટૅરિફ લગાવી દો, અમે તમારી સાથે છીએ.’
એક પણ ભારતીય મૅક્ડોનલ્ડ્સ કે KFCમાં ન દેખાય : બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે ભારત પર લાદવામાં આવેલી ટૅરિફના જવાબમાં અમેરિકાની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફનીતિની ટીકા કરતાં બાબા રામદેવે કહ્યું હતું કે ‘ભારતીય નાગરિકોએ આ પગલાનો જોરદાર વિરોધ કરવો જોઈએ. અમેરિકાની ચીજવસ્તુઓનો સંપૂર્ણ બહિષ્કાર થવો જોઈએ. પેપ્સી, કોકા કોલા, KFC અને મૅક્ડોનલ્ડ્સ જેવાં ખાણીપીણીના કાઉન્ટર્સ પર એક પણ ભારતીય દેખાવો ન જોઈએ. ભારતીયો બહિષ્કાર કરશે તો અમેરિકામાં અરાજકતા ફેલાઈ જશે. ટ્રમ્પે જાતે જ ટૅરિફ પાછી ખેંચવી પડશે.’
શું અસર થશે ટૅરિફની ભારત પર?
ભારત દર વર્ષે અમેરિકાને ૮૬.૫ બિલ્યન ડૉલર જેટલી કિંમતની ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરે છે એ ઘટીને ૪૯.૬ બિલ્યન ડૉલર થઈ જવાનું અનુમાન છે.
ભારત તરફથી અમેરિકાને મોકલવામાં આવતી ૪૮ બિલ્યન ડૉલર જેટલી કિંમતની ચીજવસ્તુઓ પર ટૅરિફની સીધી અસર થવાની છે.
ટેક્સટાઇલ્સ, ફુટવેઅર, જેમ્સ ઍન્ડ જ્વેલરી, મત્સ્યઉછેર ઉદ્યોગ, ઍનિમલ પ્રોડક્ટ્સ અને મેકૅનિકલ મશીનરી પર સૌથી ખરાબ અસર થશે
જોકે ભારતની કુલ નિકાસમાંથી ૩૦ ટકા જેટલી નિકાસ ડ્યુટી-ફ્રી રહેશે, જેમાં ઇલેક્ટ્રૉનિક્સ, ઍપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) અને ફાર્મા સેક્ટર્સનો સમાવેશ થાય છે.
અમેરિકા જતી અનેક મહત્ત્વની ચીજવસ્તુઓમાં ભારતનું સ્થાન ચીન, વિયેટનામ અને મેક્સિકો લઈ લેશે.


