વરસાદને કારણે તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
દિલ્હીમાં ભારે પવનને કારણે તૂટી પડેલા આ વૃક્ષે રસ્તો જૅમ કરી નાખ્યો હતો.
દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં શુક્રવારે સાંજે આવેલા તોફાનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે પચીસથી વધારે લોકો ઘાયલ થયા હતા. તોફાનની સાથે વરસાદ પણ પડ્યો હતો અને ધૂળની ડમરીઓ પણ ઊડતી હતી. દિલ્હી ઍરપોર્ટ પર ઊતરનારી ૯ ફ્લાઇટોને અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. વરસાદને કારણે તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
ભારે પવનથી આશરે ૧૫૨ વિશાળકાય વૃક્ષો ધરાશાયી થયાં હતાં. બે જણ એની નીચે દટાઈને મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૬ લોકો ઘાયલ થયા હતા. એક બિલ્ડિંગનો હિસ્સો પડી જતાં ૧૭ લોકો ઘાયલ થયા હતા. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજળીપુરવઠો પણ ખોરવાયો હતો. એક સાઇન બોર્ડ નીચે પડતાં એની નીચે એક ઍમ્બ્યુલન્સ સહિત બે વાહનો દટાયાં હતાં.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બેથી ત્રણ દિવસ દિલ્હીમાં વરસાદ પડવાની સંભાવના છે. ભારે પવન ફૂંકાઈ શકે છે અને તોફાન સાથે વરસાદની આગાહી છે. લોકોએ આવા સમયે ઘરની અંદર જ રહેવું જોઈએ એવી સલાહ આપવામાં આવી છે.

