Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અદાલતોની બે ચર્ચાસ્પદ ટિપ્પણી

અદાલતોની બે ચર્ચાસ્પદ ટિપ્પણી

Published : 09 September, 2026 01:30 PM | IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાત્રે ઘરમાં ઘૂસીને મહિલાનાં કપડાં ખેંચવા એ બળાત્કારનો  પ્રયાસ નહીં પણ છેડતી છે:  ઝારખંડ હાઈ કોર્ટનો ચુકાદો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાત્રે ઘરમાં ઘૂસીને મહિલાનાં કપડાં ખેંચવા એ બળાત્કારનો  પ્રયાસ નહીં પણ છેડતી છે:  ઝારખંડ હાઈ કોર્ટનો ચુકાદો

ઝારખંડ હાઈ કોર્ટે એક ફોજદારી અપીલની સુનાવણી દરમ્યાન કહ્યું કે રાત્રે કોઈ મહિલાના ઘરમાં ઘૂસીને તેનાં કપડાં ઉતારવાનો પ્રયાસ કરે એ ગંભીર ગુનો ચોક્કસ છે; પરંતુ એને માત્ર છેડતી જ ગણી શકાય, બળાત્કારનો પ્રયાસ કહી શકાય નહીં.  આ કેસ ૧૯૯૯ની ૨૬ ડિસેમ્બરનો છે. ઈસ્ટ સિંઘભૂમ જિલ્લા સેશન્સ કોર્ટે ૨૫ જુલાઈએ આરોપીને બળાત્કારના પ્રયાસ બદલ ૪ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આરોપીએ આ સજા સામે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. હાઈ કોર્ટના જજ પ્રદીપકુમાર શ્રીવાસ્તવે નોંધ્યું હતું કે આરોપીનું કૃત્ય બળાત્કારની વ્યાખ્યામાં આવતું નથી, એ મહિલાની છેડતીનો અને બળપ્રયોગનો ગુનો છે. હાઈ કોર્ટે બળાત્કારના પ્રયાસનો ચાર્જ હટાવીને છેડતીના ગુના હેઠળ આરોપીની સજામાં મોટો ઘટાડો કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આરોપી અગાઉ લગભગ ૮ મહિના કસ્ટડીમાં વિતાવી ચૂક્યો છે જે આ છેડતીના ગુના માટે પૂરતી સજા છે. કોર્ટે આરોપીની અપીલને આંશિક રીતે મંજૂર કરીને સજાનો સમયગાળો ઘટાડ્યો હતો. 



પત્ની આપત્તિજનક સ્થિતિમાં ઝડપાય તો ન મળી શકે છૂટાછેડા: પટના હાઈ કોર્ટ


લગ્નજીવન અને છૂટાછેડાના કાયદાને લઈને પટના હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પતિ કે પત્ની પોતાના સાથીદાર પર માત્ર આપત્તિજનક સ્થિતિમાં હોવાનો આરોપ મૂકે તો એના આધારે હિન્દુ મૅરેજ ઍક્ટ 1955 હેઠળ વ્યભિચાર (Adultery) સાબિત થતો નથી અને છૂટાછેડા મળી શકે નહીં.

આ દંપતીનાં લગ્ન જુલાઈ ૨૦૦૬માં થયાં હતાં અને ૨૦૧૦માં તેમને એક પુત્ર થયો હતો. પટનાના એક પતિએ પોતાની પત્ની પર ચારિત્ર્યહીન હોવાનો અને અન્ય પુરુષ સાથે અનાચાર-વ્યભિચાર કરવાનો આરોપ લગાવીને ફૅમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. ફૅમિલી કોર્ટે પતિની અરજી ફગાવી દેતાં તેણે પટના હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.


પતિએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેણે પોતાની પત્નીને અન્ય પુરુષ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ હતી, જ્યારે પત્નીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે પતિ દ્વારા તેના પર ચારિત્ર્યહીનતાના ખોટા આરોપો લગાવવા એ જ પોતાની સાથે કરવામાં આવેલી ખરી ક્રૂરતા છે.

હાઈ કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ પતિની છૂટાછેડાની અપીલ ફગાવી દીધી હતી અને ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ‘કોઈને માત્ર આપત્તિજનક સ્થિતિમાં જોવું અને ખરેખર શારીરિક સંબંધ હોવા આ બન્ને બાબતો વચ્ચે મોટો તફાવત છે. કાયદાકીય રીતે વ્યભિચાર સાબિત કરવા માટે નક્કર પુરાવા હોવા જરૂરી છે. માત્ર શંકા કે આપત્તિજનક સ્થિતિનો આરોપ છૂટાછેડા માટે પૂરતો ગણાશે નહીં.’

પટના હાઈ કોર્ટના આ ચુકાદાથી હિન્દુ વિવાહ કાયદા હેઠળ વ્યભિચારના આધારે છૂટાછેડા માગતા લોકો માટે કાનૂની માપદંડો હવે વધુ સ્પષ્ટ થઈ ગયા છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 01:30 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK