બૅન્ગલોરમાં નાસભાગ મામલે કર્ણાટક સરકારે ખંખેર્યા હાથ
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોરમાં ભાગદોડ દરમ્યાન ૧૧ લોકોનાં મોત થતાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB) ટીમની જીતનો જશન ઝાંખો પડી ગયો છે. RCBએ પહેલી વાર ખિતાબ જીત્યો ત્યારે ટ્રોફીની ઉજવણી કરવા માટે બૅન્ગલોરમાં લાખો ચાહકો એકઠા થયા હતા. જોકે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી અને ચાહકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
કર્ણાટકના ગૃહપ્રધાન ડૉ. જી. પરમેશ્વરે બૅન્ગલોરમાં ભાગદોડ પર મોટું નિવેદન આપ્યું છે. સરકાર પર બેદરકારીના આરોપો વચ્ચે તેમણે કાર્યક્રમના આયોજનને નકારી કાઢ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘અમે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું નથી કે અમે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુની ટીમને બૅન્ગલોર બોલાવી નથી. તેઓ અહીં પોતાની જાતે આવ્યા હતા. અમારો અંદાજ હતો કે વિધાનસભાની બહાર એક લાખ લોકો અને સ્ટેડિયમની બહાર ૨૫,૦૦૦ લોકો હશે. અમને ૨.૫ લાખ લોકો આવવાની અપેક્ષા નહોતી.’
ADVERTISEMENT
બૅન્ગલોર પોલીસે કર્ણાટક સરકારને રવિવારે વિજય પરેડ યોજવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પણ સરકાર માની નહીં
જીત બાદ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હોવાથી પોલીસ સવારે ૪ વાગ્યા સુધી ડ્યુટી પર હતી, તેઓ થાકી ગયા હોવા છતાં ફરી તેમને ક્રાઉડ કન્ટ્રોલની જવાબદારી સોંપવામાં આવી
બૅન્ગલોર પોલીસે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વિજયી RCB ટીમનું સન્માન રવિવારે યોજવા માટે સૂચન કર્યું હતું અને એ માટે અનેક લૉજિસ્ટિક્સ અને સુરક્ષા કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ કર્ણાટક સરકારે પોલીસની ચેતવણી હોવા છતાં બીજા જ દિવસે કાર્યક્રમ યોજવાનું સૂચન કર્યું હતું એમ ટોચનાં સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસે રવિવારની ભલામણ એટલા માટે કરી હતી કે એ રજાનો દિવસ હોવાથી રસ્તા પર ટ્રૅફિકમાં ઓછામાં ઓછો વિક્ષેપ રહેશે અને સુરક્ષા-વ્યવસ્થાનું આયોજન કરવા અને બૅરિકેડ્સ ગોઠવવા માટે પોલીસને પૂરતો સમય મળી રહેશે.
RCBની જીત બાદ બૅન્ગલોરના રસ્તાઓ પર ઊમટી પડેલી ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે ૩ અને ૪ જૂનની મોડી રાતથી વહેલી સવારે ૪ વાગ્યા સુધી કામ કરવું પડ્યું હતું. થકવી નાખે એવી શિફ્ટને ધ્યાનમાં રાખીને પોલીસે અધિકારીઓએ જણાવ્યું હતું કે બીજા દિવસે ફરી મોટા ક્રાઉડને મૅનેજ કરવું મુશ્કેલ બનશે. સરકારને આ વિગતો સ્પષ્ટપણે જણાવવામાં આવી હોવા છતાં સરકારે ટીમનું સન્માન બીજા જ દિવસે કરવાનો આગ્રહ રાખ્યો હતો.

