૧૦૦૦ કરોડનું બજેટ, ૨૦૩૨ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે
પૂજ્ય તીર્થાચાર્ય રામ વિશાલદાસજી મહારાજના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ આકાર લેશે.
વૈશ્વિક સ્તરે સનાતન ધર્મની આધ્યાત્મિકતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરાખંડના હરિદ્વારમાં ૧૦૦ એકર જમીનમાં વિશ્વ સનાતન મહાપીઠની સ્થાપના કરવામાં આવશે. તીર્થ સેવા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવનાર વિશ્વ સનાતન મહાપીઠનું શિલાપૂજન થોડા સમય પહેલાં યોજાયું હતું. તીર્થ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને મહાપીઠધીશ્વર તીર્થાચાર્ય રામ વિશાલદાસ મહારાજે જણાવ્યું હતું કે આ મહાપીઠનો વિકાસ સનાતન ધર્મ, શિક્ષણ, સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને વિશ્વ મંચ પર સ્થાપિત કરવા માટે કરવામાં આવશે. એનું સમગ્ર માળખું વૈદિક સ્થાપત્ય સિદ્ધાંતો પર આધારિત હશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ૨૦૨૫થી ૨૦૩૨ સુધી તબક્કાવાર પૂર્ણ થશે.
મહાપીઠ સંકુલમાં સનાતન સંસદ, વેદમંદિર, ૨૦૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું ગુરુકુળ, યજ્ઞશાળાઓ, સંતો અને ભક્તો માટે રહેવાની વ્યવસ્થા, ગાયસંરક્ષણ કેન્દ્ર, સનાતન સંગ્રહાલય અને એક વિશાળ ધર્મસભા ગ્ર-ઉન્ડનો સમાવેશ થશે.
ADVERTISEMENT
આ સાથે અહીં દર વર્ષે એક લાખ યુવક-યુવતીઓને ધર્મયોદ્ધાઓ તરીકે તાલીમ આપવામાં આવશે જે દરેક શસ્ત્રોમાં કુશળ હશે અને જરૂર પડ્યે સરહદ પર સેનાને મદદ કરશે અને આંતરિક યુદ્ધમાં સનાતન ધર્મના વિરોધીઓને હરાવશે. તાલીમ-કાર્યક્રમમાં, સ્વરક્ષણ, શારીરિક અને માનસિક શક્તિ, યોગ, આધ્યાત્મિક અભ્યાસ, શિસ્ત અને સામાજિક જવાબદારીની ભાવના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. મહાપીઠને સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રમોશન માટે એક મુખ્ય કેન્દ્ર બનાવવાનું ધ્યેય છે.
૪ શંકરાચાર્ય પીઠ
દેશની ૪ મુખ્ય શંકરાચાર્ય પીઠો : દ્વારકા, પુરી, શ્રૃંગેરી અને જ્યોતિર્મઠના નામ પરથી પ્રેરણા સંકુલ મહાપીઠની અંદર બનાવવામાં આવશે. દરેક પીઠની આધ્યાત્મિક પરંપરાઓ, જીવનકથાઓ અને ઉપદેશો પ્રદર્શિત કરવામાં આવશે જે સનાતન ધર્મની એકતા અને વિવિધતાના અનોખા સંગમને દર્શાવે છે.
૧૦૮ યજ્ઞ-શાળાઓ, સંત-નિવાસસ્થાનો
આ પ્રોજેક્ટમાં સતત વૈદિક ધાર્મિક વિધિઓ અને યજ્ઞો માટે ૧૦૮ યજ્ઞ-શાળાઓનું નિર્માણ કરવામાં આવશે. ૧૦૮ સંતનિવાસી કુટિરો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે જ્યાં ભારત અને વિદેશના સંતો અને મહાત્માઓ રહી શકશે. આ સાથે ૧૦૦૮ યાત્રાળુઓ અને ભક્તો માટે રહેવાની વ્યવસ્થા પણ બનાવવામાં આવી રહી છે જેથી દરેક ભક્તને યાત્રાની સાથે સંપૂર્ણ સેવા અને સુવિધાઓ પણ મળી શકે.


