બસ ખીણમાં ખાબકી એ પછી એક કલાક સુધી ફાયરિંગ કરતા રહ્યાઃ હુમલો કરનારાઓને શોધી કાઢવા માટે પાંચ ટીમ બનાવવામાં આવી
આતંકવાદીઓને ખોળી કાઢવાની કવાયત દરમ્યાન ભારતીય સૈન્યના જવાન અને ડ્રોનની મદદથી જંગલના વિસ્તારમાં શોધખોળ.
જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં શિવખોડી ગુફામાં દર્શન કરીને પાછા ફરી રહેલા ભાવિકોની બસ પર રવિવારે સાંજે ગોળીબાર કરનારા આતંકવાદીઓએ સૌથી પહેલાં બસના ડ્રાઇવરને માથામાં ગોળી મારી હોવાનું એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું. તેના કહેવા મુજબ આતંકવાદીએ પહેલાં બસની સામે આવીને ડ્રાઇવર પર ગોળી છોડી હતી જેથી તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખીણમાં પડી ગઈ હતી. ત્યાર બાદ આતંકવાદીઓ આશરે એક કલાક સુધી બેફામ ગોળીબાર કરતા રહ્યા હતા.
આ હુમલામાં ૯ ભાવિકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૩૩ ઘાયલ થયા છે
બીજી તરફ રિયાસીના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મોહિતા શર્માએ કહ્યું હતું કે આ ઘટના નજરે જોનારા લોકોના કહેવા મુજબ બે આતંકવાદીએ હુમલો કર્યો હતો. હુમલો કરનારા આતંકવાદીઓને શોધી કાઢવા કૉમ્બિંગ ઑપરેશન ચાલુ છે. પોલીસે પાંચ ટીમ બનાવી છે. ડ્રોનથી પણ આ જંગલના વિસ્તારમાં શોધખોળ થઈ રહી છે.