Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જ્ઞાનેશ કુમાર હવે સુપ્રીમ કોર્ટની અડફેટે

જ્ઞાનેશ કુમાર હવે સુપ્રીમ કોર્ટની અડફેટે

Published : 06 October, 2026 07:09 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૉર્મ 6ને સર્વોચ્ચ અદાલત દ્વારા મંજૂરી આપવામાં આવી ન હોવાની ચીફ જસ્ટિસની સ્પષ્ટતાથી રાજકીય વાતાવરણમાં જબરદસ્ત ગરમાટો, ચૂંટણીપંચની ઝાટકણી કાઢીને ફૉર્મ 6માં ફેરફાર કોણે કર્યો એની ચકાસણી કરવા ઉપરાંત તમામ રેકૉર્ડ મગાવ્યા

નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના સભ્યોએ ગઈ કાલે દિલ્હીમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની અને  તેમની ધરપકડ કરવાની માગણી કરવા ‘ડેડ બૉડીઝ’ બનીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના સભ્યોએ ગઈ કાલે દિલ્હીમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની અને તેમની ધરપકડ કરવાની માગણી કરવા ‘ડેડ બૉડીઝ’ બનીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.


નવા મતદારોની નોંધણીના ફૉર્મ 6માં કરાયેલા ફેરફાર મુદ્દે સુપ્રીમ કોર્ટે સોમવારે કડક વલણ અપનાવીને ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI)ની ઝાટકણી કાઢી હતી. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતે સ્પષ્ટ જણાવ્યું હતું કે સુધારેલા ફૉર્મ 6ને સુપ્રીમ કોર્ટે કોઈ મંજૂરી આપી નથી. CJIએ આકરા તેવર બતાવતાં પૂછ્યું હતું કે ફૉર્મ 6માં ફેરફાર કોણે કર્યો એ તમામ રેકૉર્ડ તપાસ્યા બાદ જ કોર્ટ નિર્ણય લેશે.
ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર બે ઇલેક્શન કમિશનરોને બદલે એકલા હાથે પંચની સત્તા વાપરતા હોવાની પિટિશનની સુનાવણીમાં કોર્ટે ઝાટકણી કાઢી હતી. મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ જુલાઈમાં ફૉર્મ 6માં નવું ડેક્લેરેશન ઉમેરાયું હતું, જેમાં નવા મતદારોએ પોતાની વિગતો ઉપરાંત માતા-પિતા કે દાદા-દાદીના જૂના રેકૉર્ડ સાથે જોડવા પડે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે ECIનો દાવો છે કે મૂળ ફૉર્મ બદલાયું નથી.
૨૯ સપ્ટેમ્બરે તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય સાકેત ગોખલેએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) દ્વારા ખુલાસો કર્યો હતો કે ફૉર્મ 6 બદલવાની કાયદા-મંત્રાલય પાસે માહિતી જ નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે નવો નિયમ જુલાઈમાં આવ્યો તો મે મહિનાના કોર્ટના ચુકાદાથી એને મંજૂરી મળ્યાનો CECએ દાવો કેવી રીતે કર્યો.

જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માગણી જોકે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી



મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે જોકે ઇનકાર કરી દીધો છે. મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે કરવામાં આવેલા કેસોની સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સુનાવણી કરી હતી અને બન્ને પક્ષોની દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચને નોટિસ આપી છે. અરજદારોએ ચૂંટણીપંચની પ્રક્રિયાઓ પર સવાલ ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે એના નિર્ણયો કાયદા અનુસાર નથી. જોકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અખબારના અહેવાલો સંપૂર્ણપણે સચોટ હોવા પર આધાર રાખી શકાય નહીં.
ચૂંટણીપંચને લગતા એક કેસમાં સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી. અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ કરી હતી કે જો વચગાળાનો આદેશ પસાર કરવામાં નહીં આવે તો દેશ સળગી ઊઠશે. અરજદારોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીપંચની વિશ્વસનીયતા સાથે ચેડાં કરવામાં આવ્યાં છે.
આ વિશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની જસ્ટિસ જૉયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે જણાવ્યું હતું કે ‘ન્યુઝપેપરનો અહેવાલ સાચો પણ હોઈ શકે છે અને ખોટો પણ હોઈ શકે છે. અમે આ કેસ પર નજર રાખી રહ્યા છીએ.’ 
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘ચૂંટણીપંચના નિર્ણયો સર્વસંમતિ અથવા બહુમતી મતથી લેવા જોઈએ. આનો અર્થ એ થયો કે ૩ સભ્યોના પંચના એક સભ્યના નિર્ણયને સમગ્ર પંચનો નિર્ણય ગણી શકાય નહીં.’
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો રેકૉર્ડ દર્શાવશે કે સંબંધિત નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા નથી તો કોર્ટ એ આદેશોને રદ કરશે. આ કેસની આગામી સુનાવણી આવતા અઠવાડિયે થશે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 07:09 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK