કૉન્ગ્રેસ કારોબારી સમિતિમાં તેમની નિયુક્તિનો ઠરાવ મંજૂર : રાયબરેલી કે વાયનાડમાંથી કઈ બેઠક ખાલી કરવી એનો નિર્ણય ૧૭ જૂન સુધીમાં લેવાશે
ગઈ કાલે દિલ્હીની અશોક હોટેલમાં યોજાયેલી કૉન્ગ્રેસની કારોબારી સમિતિની મીટિંગ વખતે કેટલાક કાર્યકરો રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવામાં આવે એવી માગણી કરતા પ્લૅકાર્ડ સાથે ઊભા હતા.
કૉન્ગ્રેસ કારોબારી સમિતિની ગઈ કાલે યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીને ૧૮મી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. હવે રાહુલ ગાંધી આ ઠરાવને સ્વીકારે છે કે નહીં એના પર સૌની નજર છે. આ સિવાય રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બે બેઠકો પરથી ચૂંટાયા છે એટલે આ બે પૈકી કઈ બેઠક ખાલી કરવી એનો નિર્ણય ૧૭ જૂન સુધીમાં લેવાશે.
કૉન્ગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપતાં કૉન્ગ્રેસના મહામંત્રી (ઑર્ગેનાઇઝેશન) કે. સી. વેણુગોપાલે બેઠક બાદ મીડિયાને જણાવ્યું હતું કે ‘સમિતિએ સર્વાનુમતે રાહુલ ગાંધીને વિનંતી કરી હતી કે તેમણે લોકસભામાં વિપક્ષના નેતા તરીકેનો હોદ્દો ગ્રહણ કરવો જોઈએ. સંસદમાં આ પદ માટે તેઓ જ યોગ્ય વ્યક્તિ છે. આ સંદર્ભમાં રાહુલ ગાંધી ટૂંક સમયમાં નિર્ણય લેશે. વાયનાડ કે રાયબરેલી પૈકી કઈ બેઠક ખાલી કરવી એનો નિર્ણય પણ ૧૭ જૂન પહેલાં કે એ દિવસે લેવામાં આવશે. એક વ્યક્તિ એક જ બેઠક પર પ્રતિનિધિત્વ કરી શકે છે. તેમને બન્ને બેઠકો ગમે છે, પણ એક બેઠક પસંદ કરવાનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે.’
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ૪૦૩ બેઠકોના વિસ્તારમાં કૉન્ગ્રેસ યોજશે ધન્યવાદ યાત્રા
લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ ઉત્તર પ્રદેશમાં ૧૭ બેઠક પર ચૂંટણી લડી હતી અને એને ૬ બેઠક મળી છે, જ્યારે સમાજવાદી પાર્ટી સાથેના એના ગઠબંધનને ૪૩ બેઠક મળી છે. એથી હવે કૉન્ગ્રેસ લોકોને ધન્યવાદ આપવા માટે ૧૧થી ૧૫ જૂન વચ્ચે ધન્યવાદ યાત્રા કાઢશે. આ યાત્રા ઉત્તર પ્રદેશની ૪૦૩ વિધાનસભા બેઠકોના વિસ્તારને આવરી લેશે. આ યાત્રા દ્વારા કૉન્ગ્રેસ રાજ્યના લોકોનો આભાર માનશે અને કૉન્ગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો મેસેજ લોકો સુધી પહોંચાડશે.
કૉન્ગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યના ઇન્ચાર્જ અવિનાશ પાંડેએ આ જાણકારી આપી હતી. આ યાત્રામાં પાર્ટીના સિનિયર નેતાઓ અને કાર્યકરો ભાગ લેશે. યાત્રા દરમ્યાન વિવિધ સમાજના લોકોનું અભિવાદન કરાશે અને તેમને દેશના બંધારણની કૉપી આપવામાં આવશે.
સોશ્યલ મીડિયા પોર્ટલ ઍક્સ પરની પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં રાહુલ ગાંધીએ ૪૦૦૦ કિલોમીટરની ભારત જોડો યાત્રા અને આ વર્ષની શરૂઆતમાં તેમણે ૬૬૦૦ કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું અને એના કારણે આવું પરિણામ આવ્યું છે. આ યાત્રા દ્વારા અમારો લોકો સાથેનો સંપર્ક વધ્યો હતો અને તેમની સમસ્યાઓ જાણી હતી. આના આધારે કૉન્ગ્રેસ પાર્ટીએ એના ચૂંટણીપ્રચારનું કૅમ્પેન નક્કી કર્યું હતું.’