હવે ક્યારેય નહીં કહું કે કોને કેટલી બેઠક મળશે
ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર
લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે અને અનેક નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી ગણતરી પણ ખોટી સાબિત થઈ છે એના કારણે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરે રિઝલ્ટ બાદ સ્વીકાર્યું હતું કે ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળશે એનું અનુમાન લગાવવામાં મારાથી ભૂલ થઈ છે, આ ભૂલ માટે હું માફી માગવા તૈયાર છું અને હવે ભવિષ્યમાં કોને કેટલી બેઠકો મળશે એની કોઈ ભવિષ્યવાણી નહીં કરું.
એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ભવિષ્યમાં ચૂંટણીનું પૂર્વાનુમાન કરતા રહેશો તો તેમણે કહ્યું હતું કે ‘હવે હું કોને કેટલી બેઠકો મળશે એવી કોઈ ભવિષ્યવાણી નહીં કરું. હવે હું કોઈ નંબર્સ નહીં આપું. હું ચૂંટણી રણનીતિકાર છું, પહેલાં બેઠકોના નંબર આપતો નહોતો, ગયા બે વર્ષમાં મેં નંબર આપવાની ભૂલ કરી હતી, એક વાર પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં અને હવે લોકસભાની ચૂંટણીમાં, પણ હવે હું કોઈ નંબર નહીં આપું.
ADVERTISEMENT
પ્રશાંત કિશોરને પ્રતિષ્ઠિત ચૂંટણી-રણનીતિકાર તરીકે ઓળખવામાં આવે છે, પણ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સંદર્ભે તેમણે કરેલું વિશ્લેષણ પૂરી રીતે ખોટું સાબિત થયું છે. તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP) પહેલાં કરતાં વધારે સારું પ્રદર્શન કરશે; મોદી સરકાર સામે ઍન્ટિ-ઇન્કમ્બન્સી હોવા છતાં ૨૦૧૯ કરતાં એને વધારે બેઠકો મળશે અને BJPને ફરી ૩૦૦થી વધારે બેઠકો મળશે. જોકે તેમનાં અનુમાન ખોટા સાબિત થયાં છે અને BJPને ૨૪૦ બેઠકો મળી છે. નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ને પણ ૨૯૩ બેઠકો મળી છે. પ્રશાંત કિશોરે કરેલી ભવિષ્યવાણી કરતાં BJPને ૨૦ ટકા ઓછી બેઠકો મળી હતી. BJPને ૩૬ ટકા વોટશૅર મળ્યો છે જે ૦.૭ ટકા ઓછો છે.