જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ તેમની સ્ટ્રૅટેજી બદલી છે, જેને લીધે છુપાઈને ઓચિંતા હુમલા કરવાનું પ્રમાણ વધ્યું છે

અનંતનાગ જિલ્લામાં ગઈ કાલે કોકેરનાગ એરિયામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમ્યાન સુરક્ષા દળોના જવાનો.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદીઓ દ્વારા છુપાઈને ઓચિંતાં હુમલા કરવાનું પ્રમાણ વધ્યું છે. આતંકવાદીઓએ તેમની સ્ટ્રૅટેજી બદલી છે. રિસન્ટ્લી ઇન્ડિયન આર્મીના એક કર્નલ અને એક મેજર તેમ જ એક ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં શહીદ થયા હતા. તેમના નિધનના ૨૪ કલાક કરતાં ઓછા સમય પહેલાં રાજૌરીમાં ઇન્ડિયન આર્મીનો એક જવાન આતંકવાદી હુમલામાં શહીદ થયો હતો.
સોર્સિસે જણાવ્યું હતું કે સિક્યૉરિટી એજન્સીઓના પ્લાન્સ જાણ્યા બાદ આતંકવાદીઓ તેમની સ્ટ્રૅટેજી બદલતા રહે છે. આ પહેલાં આતંકવાદીઓ સેલફોન્સનો ઉપયોગ કરતા હતા જેનાથી સિક્યૉરિટી એજન્સીઓ તેમને ટ્રેસ કરી લેતી હતી, પરંતુ હવે તેમણે એ રીત બદલી છે.
આ પહેલાં આતંકવાદીઓ એક ઘર કે એક સ્થળે છુપાતા હતા, પરંતુ હવે તેઓ તેમનાં લોકેશન્સ બદલતા રહે છે. જેથી સિક્યૉરિટી એજન્સીઓ માટે તેમને પકડવા મુશ્કેલ રહે. જેને લીધે જ સિક્યૉરિટી એજન્સીઓના જવાનો પર હુમલા વધ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ હવે સિમ-કાર્ડ વિનાના ફોન્સનો ઉપયોગ કરે છે. આ ફોન્સનું બ્લુટૂથ દ્વારા રેડિયો સેટ્સ સાથે પેરિંગ કરવામાં આવ્યું હોય છે. જેનાથી આતંકવાદીઓ મેસેજ મોકલે છે અને ઇમર્જન્સીમાં અન્ય ડિવાઇસને હેલ્પ માટે લોકેશનની વિગતો મોકલે છે.
શહીદ કર્નલના દીકરાએ મિલિટરી યુનિફૉર્મમાં પિતાને આપી સલામી
અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થનારા કર્નલ મનપ્રીત સિંહના છ વર્ષના દીકરાનો એક વિડિયો જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સની આંખો ભીની થઈ રહી છે. પંજાબમાં મોહાલી જિલ્લાના મુલ્લનપુરમાં તેના પિતાનો પાર્થિવ દેહ ઘરે પહોંચ્યો ત્યારે તેણે સૅલ્યુટ આપી હતી. તેની બે વર્ષની બહેને પણ તેની બાજુમાં ઊભા રહીને સૅલ્યુટ આપી
હતી. આ બન્નેને તેમના પરિવાર પર તૂટી પડેલા મુશ્કેલીના પહાડ વિશે ખ્યાલ ન હોય એમ જણાય છે. આ બહાદુર કર્નલને અંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીની ધરપકડ
શ્રીનગર ઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બે આતંકવાદીની ધરપકડ અને તેમની પાસેથી શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવાની સાથે લશ્કર-એ-તય્યબાના ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ ગઈ કાલે જાણકારી આપી હતી કે લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીની બારામુલ્લાના ઉરી એરિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી બે પિસ્તોલ્સ, પાંચ હૅન્ડ ગ્રેનેડ્સ સહિત તેમનો અપરાધ પુરવાર કરતું અન્ય મટીરિયલ્સ રિકવર કરવામાં આવ્યું છે.
ભારે ગોળીબાર, વિસ્ફોટ અને ડ્રોન્સનો ઉપયોગ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કોકેરનાગના ગદોલે જંગલમાં આતંકવાદ વિરોધી ઑપરેશનના ત્રીજા દિવસે ગઈ કાલે વિસ્ફોટો અને ફાયરિંગના અવાજો સંભળાયા હતા. આતંકવાદીઓનું ચોક્કસ લોકેશન જાણવા માટે ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્વતીય વિસ્તારમાં જંગલ એરિયામાં આ આતંકવાદીઓ છુપાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ જ્યાં છુપાયા હોવાનું જણાય છે ત્યાં ફોર્સિસ ડ્રોન કૅમેરાથી દેખરેખને આધારે મોર્ટાર શેલ્સ ફાયર કરી રહ્યા છે.
બુધવારે સવારે કોકેરનાગ એરિયામાં ગદોલેમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના યુનિટ ૧૯ રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઑફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હુમાયુ ભટ તેમ જ એક સૈનિક શહીદ થયા હતા.
આતંકવાદીઓ સાથેની આ અથડામણમાં એક સૈનિક મિસિંગ થયો હોવાનું, જ્યારે અન્ય બે સૈનિકને ઈજા થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.