મુખ્ય પ્રધાને આ રાજ્યમાંથી દૂધની ખરીદી ન કરવા માટે અમૂલને સૂચના આપવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને અપીલ કરી

અમિત શાહ ફાઇલ તસવીર
કર્ણાટકમાં અમૂલ વર્સસ નંદિનીના મુદ્દે ખૂબ વિવાદ થયો હતો. કર્ણાટક મિલ્ક ફેડરેશન નંદિનીના બ્રૅન્ડ નેમ હેઠળ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. હવે કર્ણાટક બાદ તામિલનાડુમાં એવો જ વિવાદ થયો છે. તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને આ રાજ્યમાંથી દૂધની ખરીદી ન કરવા માટે ગુજરાતસ્થિત ડેરી બ્રૅન્ડ અમૂલને સૂચના આપવા માટે ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને અપીલ કરી હતી. શાહને મોકલવામાં આવેલા લેટરમાં સ્ટાલિને તામિલનાડુમાં જ્યાં મોટા પાયે પશુપાલન થાય છે એવા એરિયામાં કાઇરા ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન (અમૂલ) દ્વારા દૂધની ખરીદીના કારણે સર્જાયેલી સમસ્યાઓ પ્રત્યે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું હતું.
સ્ટૅલિને જણાવ્યું હતું કે રીસન્ટ્લી રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે અમૂલે ક્રિષ્નાગિરિ જિલ્લામાં એક પ્રોસેસિંગ પ્લાન્ટ અને ચિલિંગ સેન્ટર્સ ઇન્સ્ટૉલ કરવા માટે એના મલ્ટિ-સ્ટેટ કો-ઑપરેટિવ લાઇસન્સનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં, અમૂલ તામિલનાડુમાં ક્રિષ્નાગિરિ, ધર્મપુરી, વેલ્લોર, રાણિપેત, તિરુપથુર, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લાઓમાં અને એની આસપાસ સ્વસહાય જૂથો દ્વારા દૂધની ખરીદી કરવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે. ભારતમાં એવાં ધોરણો રહ્યાં છે કે કો-ઑપરેટિવ્સને એકબીજાના એરિયા પર તરાપ માર્યા વિના મજબૂત થવા દેવી. અમૂલની આ કામગીરીથી આવિન (તામિલનાડુ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન)ના એરિયા પર તરાપ મારવામાં આવી રહી છે. આવિનને દશકાઓથી ખરા અર્થમાં સહકારિતાની ભાવનાથી પોષિત કરવામાં આવી છે.