એકસાથે ત્રણ વાર તલાક કહેવાને બદલે ત્રણ મહિનામાં એક-એક વાર તલાક કહી છૂટાછેડા આપવાની પ્રથા સામે અનેક સવાલ
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
તત્કાળ આપવામાં આવતા ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવ્યાનાં આઠ વર્ષ પછી સુપ્રીમ કોર્ટ હવે મુસ્લિમ સમુદાયમાં છૂટાછેડાની વધુ એક પ્રથા તલાક-એ-હસન તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ પ્રથાની માન્યતાને પડકારતી ૯ અરજીઓ જસ્ટિસ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચ સમક્ષ આવી છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC), નૅશનલ કમિશન ફૉર વિમેન (NCW) અને નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR)ને તલાક-એ-હસનની બંધારણીયતા પર નિર્ણય લેતાં પહેલાં વિચારણા કરવા જણાવ્યું છે. ગાઝિયાબાદસ્થિત પત્રકાર બેનઝીર હીના દ્વારા ૨૦૨૨માં દાખલ કરાયેલી મુખ્ય અરજીમાં આ પ્રથાને ભેદભાવપૂર્ણ ગણાવવામાં આવી છે, કારણ કે ફક્ત પુરુષો જ એને શરૂ કરી શકે છે.
કેવી રીતે અપાય છે તલાક-એ-હસન?
ADVERTISEMENT
તલાક-એ-હસન એ તલાક-ઉલ-સુન્નતનો એક પ્રકાર છે, જેમાં મુસ્લિમ પુરુષ તેની પત્નીને ત્રણ મહિના સુધી એક-એક વાર તલાક કહીને છૂટાછેડા આપી શકે છે. આ પ્રથાને ત્રણ તલાક અથવા તલાક-એ-બિદ્દતની તુલનામાં ધીમી અને વધુ ઇરાદાપૂર્વકની છૂટાછેડા પ્રક્રિયા માનવામાં આવે છે. આ પદ્ધતિ પતિ-પત્ની વચ્ચે સમાધાન માટે સમય આપે છે.
તલાક-એ-હસન હેઠળ પતિ મહિનામાં એક વાર તલાક બોલે છે, ખાસ કરીને મહિનાના એવા દિવસોમાં જ્યારે પત્ની માસિક ધર્મમાં ન હોય. ત્યાર બાદ તેના આગામી માસિક ચક્ર સુધી રાહ જોવાનો સમય હોય છે. જો આ સમય દરમ્યાન દંપતી સમાધાન ન કરે તો પતિ બીજા માસિક ચક્રમાં બીજી વાર તલાક ઉચ્ચાર કરે છે અને એ પછીના માસિક ચક્રમાં ત્રીજી વાર તલાક કહે છે, જેના પછી છૂટાછેડા અંતિમ અને અટલ બને છે.


