દિલ્હી-NCRમાં રસ્તે રખડતા કૂતરાઓ સામે સુપ્રીમ કોર્ટનું કડક વલણ : અવરોધ ઊભો કરનારા ડૉગલવર્સ સામે કાર્યવાહી કરવા કોર્ટનો આદેશ
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં રસ્તે રખડતા કૂતરાઓના વધતા ખતરા પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. આ કેસમાં મોટો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ૮ અઠવાડિયાંની અંદર તમામ સ્ટ્રે ડૉગ્સને પકડીને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યવાહી સામે અવરોધ ઊભો કરનારા ડૉગલવર્સ સામે પણ કાર્યવાહી કરવાની સૂચના કોર્ટે આપી હતી. રખડતા કૂતરા કરડવાથી વધતા રેબીઝના કેસોની ૨૮ જુલાઈએ સુઓ મોટો નોંધ લઈને સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી હતી.
જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે લાગણીઓનો નહીં, પરંતુ કાર્યવાહીનો સમય છે. કોર્ટે દિલ્હી સરકાર, મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હી (MCD) અને ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (NDMC)ને તાત્કાલિક તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને પકડીને તેમના માટે કાયમી શેલ્ટર હોમ બનાવવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
તમામ વિસ્તારોમાંથી કૂતરાઓને ઉપાડીને લઈ જવા જોઈએ એવું જણાવતાં જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે ‘આ પગલું જાહેર હિતમાં લેવું જોઈએ. શહેરના કોઈ પણ વિસ્તારમાં કે બહારના વિસ્તારમાં એક પણ કૂતરો રખડતો જોવા મળવો જોઈએ નહીં. અમે જોયું છે કે રખડતા કૂતરાને કોઈ જગ્યાએથી પકડીને નસબંધી કરવામાં આવે પછી એને એ જ જગ્યાએ પાછો છોડી દેવામાં આવે, આ તો અત્યંત વાહિયાત બાબત છે અને એનો કોઈ અર્થ નથી. રખડતા કૂતરાઓને એ જ જગ્યાએ શા માટે છોડી દેવા જોઈએ?’
‘ધ ગુડ, ધ બૅડ ઍન્ડ ધ અગ્લી’ના ડાયલૉગનો ઉલ્લેખ
સુનાવણી વખતે જસ્ટિસ પારડીવાલાએ પ્રખ્યાત ફિલ્મ ‘ધ ગુડ, ધ બૅડ ઍન્ડ ધ અગ્લી’નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ‘જ્યારે ગોળી મારવી પડે ત્યારે ગોળી મારવી, વાત ન કરો.’ તેમણે સવાલ કર્યો હતો કે શું કહેવાતા ડૉગલવર્સ રખડતા કૂતરાઓના હુમલામાં મૃત્યુ પામેલાં બાળકોનાં જીવન પાછાં લાવી શકે છે? જ્યાં સુધી સ્ટ્રીટ્સ કૂતરામુક્ત નહીં થાય ત્યાં સુધી બાળકો અને વૃદ્ધોની સલામતી સુનિશ્ચિત નહીં થાય. સમાજ રખડતા કૂતરાઓથી મુક્ત
હોવો જોઈએ.
૫૦૦૦ સ્ટ્રે ડૉગ્સ માટે શેલ્ટર હોમ બાંધવા અને નસબંધી કર્યા બાદ કૂતરાઓને રસ્તામાં નહીં છોડવા કોર્ટની સૂચના
રખડતા કૂતરાઓ પર કોર્ટે શું આદેશ આપ્યો?
કૂતરા કરડવા અને હડકવાના કેસોની જાણ કરવા માટે એક અઠવાડિયાની અંદર હેલ્પલાઇન શરૂ કરવામાં આવે. આ હેલ્પલાઇન પર ફરિયાદ મળતાંની સાથે જ ૪ કલાકની અંદર કૂતરાને પકડી લેવામાં આવે.
દિલ્હી સરકાર, MCD અને NDMCએ ૮ અઠવાડિયાંમાં ડૉગ શેલ્ટર હોમ બનાવવાં પડશે.
પહેલાં ૬ અઠવાડિયાંમાં ૫૦૦૦ કૂતરાઓને પકડવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.
જો કોઈ વ્યક્તિ કે સંગઠન કાર્યવાહીમાં અવરોધ ઊભો કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
MCD, NDMC, નોએડા અને ગુરુગ્રામની તમામ એજન્સીઓએ દરરોજ પકડાયેલા અને શેલ્ટર હોમમાં રાખવામાં આવેલા કૂતરાઓનો રેકૉર્ડ રાખવો જોઈએ.
જો એક પણ પકડાયેલો કૂતરો રસ્તા પર છોડી દેવામાં આવશે તો કડક સજા થશે.
આ બાળકો અને વૃદ્ધોના જીવ બચાવવાનો મામલો છે, આમાં કોઈ સમાધાન કરી શકાશે નહીં.
હડકવાની રસીની ઉપલબ્ધતા પણ ચિંતાનો વિષય છે. રસીની ઉપલબ્ધતા વિશે સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવામાં આવે.
શેલ્ટર હોમમાં પૂરતી સંખ્યામાં લોકોને તહેનાત કરવામાં આવે, જે રખડતા કૂતરાઓની નસબંધી કરે અને હડકવાના ચેપને રોકવા માટે પગલાં લે.
નસબંધી પછી કૂતરાઓને વસાહતોમાં પાછા છોડવા નહીં.


