Supreme Court on Stray Dogs: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય - જાહેર સંસ્થાઓમાંથી રખડતા શ્વાન હટાવવાના નિર્દેશો પાછા ખેંચવાનો ઇનકાર, અવમાનનાની આપી ચેતવણી; નસબંધી પછી પણ રખડતા શ્વાનને જાહેર સ્થળો પર પાછા છોડી શકાશે નહીં
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ મંગળવારે તેના ૭ નવેમ્બર, ૨૦૨૫ના આદેશમાં કોઈ પણ પ્રકારનો સુધારો કે ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ અગાઉના આદેશમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બસ ડેપો અને રેલવે સ્ટેશનો સહિતના વધુ અવરજવર ધરાવતા જાહેર સ્થળો અને સંસ્થાઓમાંથી રખડતા શ્વાનને હટાવવાની ખાતરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, આવા રખડતા શ્વાનની નસબંધી (Sterilisation) કર્યા પછી પણ તેમને ફરીથી આ જાહેર વિસ્તારોમાં પાછા છોડી શકાશે નહીં.
સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ
ADVERTISEMENT
આજે, સુપ્રીમ કોર્ટે શાળાઓ, હોસ્પિટલો અને અન્ય જાહેર સુવિધાઓ જેવા સંસ્થાકીય વિસ્તારોમાંથી રખડતા શ્વાનને હટાવવાના પોતાના અગાઉના આદેશમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો ઇનકાર કરી દીધો છે. અદાલતે એ બાબત પણ સ્પષ્ટ કરી છે કે, રખડતા શ્વાનને રસીકરણ કે નસબંધી (વેક્સિનેશન/સ્ટર્લાઇઝેશન) કર્યા પછી પણ તે જ વિસ્તારોમાં પાછા ન છોડવાનો નિર્દેશ યથાવત રહેશે.
અદાલતે જણાવ્યું હતું કે, ‘અમે અમારા ૭ નવેમ્બરના ચુકાદાને પાછો ખેંચવાની માંગ કરતી અરજીઓ પર વિગતવાર વિચારણા કરી છે, (પરંતુ) અમે આવી તમામ અરજીઓ ફગાવી દીધી છે.’
ટોચની અદાલતે રખડતા શ્વાન અંગેના કેસમાં દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓને ફગાવી દેતાં આ ચુકાદો આપ્યો હતો. વિવિધ સમાચાર અહેવાલોનો હવાલો આપતા કોર્ટે નોંધ્યું હતું કે, ‘શ્વાન કરડવાનો આ ત્રાસ એરપોર્ટ અને રહેણાંક વિસ્તારો સહિતના મહત્વપૂર્ણ સાર્વજનિક સ્થળો સુધી પણ વિસ્તરી ગયો છે.’
સર્વોચ્ચ અદાલતે `એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા` (Animal Welfare Board of India) દ્વારા જાહેર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ને પડકારતી અરજીઓ પણ ફગાવી દીધી હતી. આજે જાહેર કરવામાં આવેલા ચુકાદામાં, કોર્ટે બાળકો પર શ્વાનના હુમલાની ‘અત્યંત ચિંતાજનક ઘટનાઓ’ના અહેવાલોનો ઉલ્લેખ કર્યો હતો.
જસ્ટિસ વિક્રમ નાથના વડપણ હેઠળની ત્રણ જજની ખંડપીઠે આ સ્યુઓ મોટો (કોર્ટે પોતે લીધેલી સંજ્ઞાન) મામલામાં પોતાનો ચુકાદો આપ્યો હતો. ખંડપીઠે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ દ્વારા લાંબા સમય સુધી લેવામાં ન આવેલા પગલાંને કારણે આ સમસ્યા અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે શ્રેણીબદ્ધ દિશાનિર્દેશો (directions) પણ જાહેર કર્યા છે:
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ `એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા` (AWBI) ના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું પડશે.
દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક `એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર` (પ્રાણી જન્મ નિયંત્રણ કેન્દ્ર) શરૂ કરવું ફરજિયાત રહેશે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હડકવા વિરોધી રસી (એન્ટી-રેબીઝ વેક્સિન) અને ઈમ્યુનોગ્લોબ્યુલિનની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી પડશે.
આ નિર્દેશોની અમલવારી કરવા માટે બંધાયેલા અધિકારીઓને રક્ષણ મળવું જોઈએ, એટલે કે તેમની ફરજો બજાવવા દરમિયાન સામાન્ય સંજોગોમાં તેમની સામે પોલીસ કેસ (કે ગુનો) દાખલ થવો જોઈએ નહીં.
