સુપ્રીમ કોર્ટે CJPના વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે દેશભરમાં નોંધાયેલા FIR રદ કર્યા છે. કોર્ટે જૂની તપાસ રોકવાનો આદેશ આપતાં અંદાજે ૧૨૯ કેસમાં કાનૂની કાર્યવાહી અટકાવી છે.
અભિજિત દીપકેએ ગઈ કાલે છત્રપતિ સંભાજી નગરમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને વધાવ્યો હતો, જ્યારે સાૈરવ દાસે દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતની બહાર સેલિબ્રેશન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે બંધારણની કલમ ૧૪૨ હેઠળ મળેલી અસાધારણ સત્તાઓનો ઉપયોગ કરીને કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે દેશભરમાં નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) રદ કર્યા છે. સરકારે દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને ખાતરી આપી હતી કે આંદોલનના સંદર્ભમાં વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવશે નહીં કે હેરાન કરવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ CJPએ ગઈ કાલે જ કોર્ટને જાણકારી આપી હતી કે એણે પણ પાંચમી સપ્ટેમ્બરની ઇન્ડિયા ગેટથી દિલ્હી પોલીસ મુખ્યાલય સુધીની પ્રસ્તાવિત વિરોધ-કૂચને કૅન્સલ કરવાનો નિર્ણય લીધો છે.
આ કેસની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને આસામ જેવાં રાજ્યોમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે દાખલ કરાયેલા કેસ પર સ્ટે આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો વીસથી પચીસ જુલાઈ દરમ્યાન જંતર મંતર અને દેશના અન્ય ભાગોમાં થયેલા વિરોધ-પ્રદર્શનના સંદર્ભમાં અન્ય કોઈ રાજ્યમાં FIR દાખલ કરવામાં આવ્યો હોય તો એ કેસોની તપાસ તાત્કાલિક બંધ કરવી જોઈએ. કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો છે કે આ વિરોધ-પ્રદર્શનો અંગે દેશના કોઈ પણ ભાગમાં વિદ્યાર્થીઓ સામે કોઈ નવો FIR દાખલ કરવામાં આવશે નહીં, ન તો કોઈ જૂની તપાસ કરવામાં આવશે. કોર્ટના આ વલણ બાદ અંદાજે ૧૨૯ કેસ પર કાનૂની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે.
જોકે આંદોલનમાં ભાગ લેનારી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતી અને ફોજદારી આરોપોનો સામનો કરી રહેલી ૨૮૭૩ વ્યક્તિઓ સામે નવો FIR નોંધવાની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપી હતી.
વાતચીતથી ઉકેલ લાવી શકાય : ચીફ જસ્ટિસ
ADVERTISEMENT
સુનાવણીમાં કોર્ટે બન્ને પક્ષોને પરસ્પર સંકલન અને વાતચીત જાળવવાની સલાહ આપી હતી. આ મુદ્દે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કમેન્ટ કરી હતી કે ‘જો બન્ને પક્ષો એકબીજામાં વિશ્વાસ બતાવે તો બધા મુદ્દાઓ એક પછી એક ઉકેલી શકાય છે. દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી જે ખુલ્લા મનથી ચર્ચા દ્વારા ઉકેલી ન શકાય.’
આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર
પરીક્ષાના ટેન્શનને કારણે જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૩ મહિનાની અંદર વળતર-નીતિ તૈયાર કરવાનો અને નિર્ધારિત સમયમાં અસરગ્રસ્ત પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.
