આ ઘટનાને કારણે બાળકોની હેલ્થ સામે જોખમ ઊભું થતાં વાલીઓએ આ પ્રકરણમાં જવાબદાર લોકો સામે પગલાં લેવાની માગણી કરી છે
ફૂડ-પૉઇઝનિંગની અસર થયા પછી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા આશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓ.
ચંદ્રપુર જિલ્લાની એક પ્રાઇવેટ આશ્રમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલી દાળમાં ગરોળી પડવાને કારણે ૩૧ વિદ્યાર્થીઓને ફૂડ-પૉઇઝનિંગ થયું હતું. ગઈ કાલે બપોરે પહેલાં વિદ્યાર્થિનીઓને લંચ આપવામાં આવ્યું હતું. એ પછી દાળની તપેલીમાં ગરોળી પડી હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યાર બાદ કુલ ૩૧ જેટલાં છોકરાઓ-છોકરીઓને ઊબકા આવવા સાથે ઊલટીઓ થવા માંડતાં તેમને સારવાર માટે રાજુરાની સરકારી હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર આપવામાં આવી હતી. હવે એ વિદ્યાર્થીઓની હાલત સુધારા પર છે.
આ ઘટનાને કારણે બાળકોની હેલ્થ સામે જોખમ ઊભું થતાં વાલીઓએ આ પ્રકરણમાં જવાબદાર લોકો સામે પગલાં લેવાની માગણી કરી છે. વિદ્યાર્થીઓને આપવામાં આવતી ખાદ્ય સામગ્રીઓ બનાવતી વખતે સ્વચ્છતા અને ક્વૉલિટીની તપાસ કરવાની જવાબદારી ખરેખર કોની? રસોઈ બનાવી વખતે સંબંધિત કર્મચારીઓ ખરેખર એમાં ધ્યાન આપે છે ખરા? એવા સવાલ હવે વાલીઓ કરી રહ્યા છે.
