વડા પ્રધાને કહ્યું કે ભારતમાં રહેતાં ૨૦ કરોડ આદિવાસી ભાઈ-બહેનોનું આ અપમાન છે
ગઈ કાલે રાષ્ટ્રપતિના સંબોધન વિશે પ્રતિક્રિયા આપતાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી.
સંસદના બજેટસત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બન્ને સદનના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. આ ભાષણ કેવું રહ્યું એવા સવાલના જવાબમાં કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અને સિનિયર નેતા સોનિયા ગાંધીએ જે કહ્યું એના વિશે વિવાદ થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીના નિવેદનને રાષ્ટ્રપતિ અને આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું છે.
સોનિયા ગાંધીએ શું કહ્યું?
ADVERTISEMENT
રાષ્ટ્રપતિના સંબોધન બાદ સંસદ-પરિસરમાં પત્રકારોએ સોનિયા ગાંધીને મળીને તેમની પ્રતિક્રિયા માગી ત્યારે તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઉપસ્થિત હતાં. સોનિયા ગાંધીએ અંગ્રેજીમાં કહ્યું કે ‘ધ પ્રેસિડન્ટ વૉઝ ગેટિંગ ટાયર્ડ બાય ધી એન્ડ. શી કુડ હાર્ડલી સ્પીક, પુઅર થિંગ (રાષ્ટ્રપતિ છેલ્લે-છેલ્લે થાકી ગયાં હતાં, તેઓ મુશ્કેલીથી બોલી શકતાં હતાં, બિચારાં).’ પણ જે વિવાદ થયો છે એ છેલ્લા બે શબ્દો પુઅર થિંગ માટે થયો છે. BJPએ આરોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને બિચારાં કહ્યાં છે.

રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રપતિના પ્રવચન વિશે પ્રતિક્રિયા આપતાં એને બોરિંગ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે નો કમેન્ટ્સ, તેઓ વારંવાર એકની એક વાતો રિપીટ કર્યા કરે છે.
નરેન્દ્ર મોદીનો પ્રહાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીના નિવેદન વિશે કહ્યું હતું કે ‘દ્રૌપદી મુર્મુજી જંગલમાં રહેતા આદિવાસી પરિવારમાં ઊછરીને અહીં સુધી પહોંચ્યાં છે. તેમની માતૃભાષા હિન્દી નથી. ઉડિયા ભાષામાં જ તેમનો ઉછેર થયો છે. તેમની માતૃભાષા હિન્દુ ન હોવા છતાં તેમણે સંસદમાં પ્રેરણા આપનારી સ્પીચ આપી. જોકે કૉન્ગ્રેસના રૉયલ પરિવારે તેમનું અપમાન કરવાની શરૂઆત કરી છે. રૉયલ પરિવારના એક સભ્યે કહ્યું હતું કે આદિવાસીની દીકરીએ સ્પીચ બોરિંગ આપી. આ પરિવારના એક સભ્યે તો રાષ્ટ્રપતિ મુર્મુજીને બિચારી, ગરીબ અને ચીજ અને થાકી ગઈ હોવાનું કહી દીધું. આ લોકોને એક આદિવાસીની પુત્રીની ભાષા બોરિંગ લાગે છે. આ ભારતમાં રહેતાં ૨૦ કરોડ આદિવાસી ભાઈ-બહેનોનું અપમાન છે, ભારતમાં ગરીબીમાં ઊછરીને આગળ આવેલા દરેક નાગરિકનું અપમાન છે. કૉન્ગ્રેસના રૉયલ પરિવારને ગરીબ, દલિત, આદિવાસી કે પછાત વર્ગમાંથી આવતા લોકો પસંદ નથી.’


