રાજા રઘુવંશીની હત્યા કરવામાં આરોપીઓ શરૂઆતમાં ખચકાતા હતા અને કહેતા હતા કે તેઓ ડુંગરાળ પ્રદેશ પર ચડીને થાકી ગયા હતા
રાજા રઘુવંશી અને સોનમ તેમ જ રાજ કુશવાહા
સોનમે રાજ કુશવાહાને મોકલ્યો હતો મેસેજઃ મને પતિ સાથે ઇન્ટિમેટ થવાનું ગમતું નથી
લગ્ન થયા બાદ રાજા રઘુવંશી સાથે ઇન્ટિમેટ થવાનું સોનમને ગમતું નહોતું અને તેથી તેણે તેના પ્રેમી રાજ કુશવાહાને ટેક્સ્ટ-મેસેજ પણ કર્યો હતો અને એમાં જણાવ્યું હતું કે તેને તેના પતિનું તેની સાથે ગાઢ સંબંધ બનાવવાનું ગમતું નથી, તેને એમાં અસ્વસ્થતા અનુભવાય છે.
ADVERTISEMENT
રાજાના અંતિમ સંસ્કારમાં રાજ કુશવાહાએ સોનમના પિતાને દિલાસો આપ્યો હતો
બીજી તરફ એક વિડિયો સામે આવ્યો છે જેમાં રાજા રઘુવંશીના અંતિમ સંસ્કાર વખતે રાજ કુશવાહા સોનમના પિતા દેવી સિંહને દિલાસો આપી રહેલો જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ‘રાજ કુશવાહાએ રાજાના અંતિમ સંસ્કારમાં શોકગ્રસ્તોને લઈ જવા માટે સોનમના પરિવાર માટે ચારથી પાંચ ગાડીની વ્યવસ્થા કરી હતી. રાજ કુશવાહાએ એ ગાડી ચલાવી હતી જેમાં હું ગયો હતો.’
રાજા રઘુવંશી મર્ડરકેસમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસના કહેવા મુજબ સોનમે કથિત રીતે તેના પતિ રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેની સાથે જ તેણે પ્રેમી રાજ કુશવાહા સાથે લગ્ન કરવાનો પ્લાન B પણ તૈયાર કરી લીધો હતો. તેણે વિધવા થયા પછી રાજ કુશવાહા સાથે લગ્ન કરવાની યોજના બનાવી હતી. તેણે રાજ કુશવાહાને એવું કહ્યું હતું કે ‘આપણે રાજાને મારી નાખીએ અને તેની હત્યા લૂંટને કારણે થઈ છે એવું દર્શાવીએ. એક વાર હું વિધવા થઈશ પછી મારા પિતા આપણા લગ્ન માટે સંમત થશે.’
આ સંદર્ભમાં વધુ જાણકારી આપતાં પોલીસે કહ્યું હતું કે ‘સોનમ રાજા રઘુવંશી સાથે થનારાં લગ્નથી ખુશ નહોતી, પણ તેના પિતાની તબિયત ખરાબ હોવાથી તેણે પોતાની ઇચ્છાઓ કાબૂમાં રાખી હતી. સોનમના પિતા હાર્ટ-પેશન્ટ છે અને તે રાજ કુશવાહા સાથેના દીકરીનાં આંતરજાતીય લગ્ન માટે તૈયાર ન થયા હોત. એટલે સોનમ નહોતી ઇચ્છતી કે લગ્ન માટેની તેની નારાજીથી પિતાની તબિયત બગડે. તેથી તેણે રાજા સાથે લગ્ન પહેલાં જ આની તૈયારી કરી લીધી હતી. રાજાના મૃત્યુ બાદ સોનમ વિધવા બનશે અને તેથી એ સમયે રાજ કુશવાહા તેની સાથે લગ્ન કરે તો તેને સામાજિક સ્વીકૃતિ પણ મળશે, આ લગ્ન સામે સમાજ કે પરિવાર સવાલ પણ નહીં ઉઠાવે.’
કેમ નિષ્ફળ ગયો પ્લાન?
આ પ્લાન એટલા માટે નિષ્ફળ ગયો કારણ કે મેઘાલય પોલીસે સોનમની સંદિગ્ધ હરકતો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. પોલીસે સોનમ અને રાજ વચ્ચેના ફોનકૉલ્સ અને મેસેજની તપાસ કરી એમાં આ આખા પ્લાનની જાણકારી મળી અને તેથી તેમનો આ પ્લાન B નિષ્ફળ ગયો હતો. સોનમે તેનો પ્લાન બરાબર બનાવ્યો હતો, પણ તેનું ષડયંત્ર નિષ્ફળ ગયું હતું.
૨૦ લાખની સુપારી આપી
રાજા રઘુવંશીની હત્યા કરવામાં આરોપીઓ શરૂઆતમાં ખચકાતા હતા અને કહેતા હતા કે તેઓ ડુંગરાળ પ્રદેશ પર ચડીને થાકી ગયા હતા, પરંતુ સોનમ દૃઢ હતી. પોલીસે જણાવ્યું કે તેણે તેમને હત્યા કરવા માટે ૨૦ લાખ રૂપિયાની ઑફર કરી હતી. તેણે રાજા રઘુવંશીના પાકીટમાંથી ૧૫,૦૦૦ રૂપિયા પણ ઍડ્વાન્સ તરીકે આપ્યા હતા.
હત્યા બાદ સોનમે પતિ રાજાના અકાઉન્ટ પરથી કરી પોસ્ટ : ‘સાત જન્મોં કા સાથ’
રાજા રઘુવંશી હત્યાકેસમાં એક ખુલાસો કરતાં સૂત્રોએ જણાવ્યું હતું કે પતિની હત્યા કરીને નજર સામે જ તેને ખાડામાં ફેંકી દેવામાં આવ્યા પછી તરત જ આ કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીએ રાજા રઘુવંશીના ફોન પરથી સાત જન્મોં કા સાથ હૈ (સાત જન્મનો સાથ છે) એવી પોસ્ટ કરી હતી. કરપીણ હત્યા કર્યા પછી તરત જ આ પોસ્ટ મૂકીને રાજા રઘુવંશી હજી પણ જીવિત છે એવું દર્શાવવાનો પ્રયાસ આ પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
મેઘાલયની પોલીસે કઈ રીતે પાર પાડ્યું ઑપરેશન હનીમૂન?
મેઘાલયમાં હનીમૂન પર ગયેલા રાજા રઘુવંશીના હત્યાકેસને ઉકેલવાના ઑપરેશનને મેઘાલય પોલીસે ‘ઑપરેશન હનીમૂન’ નામ આપ્યું હતું. રાજાની હત્યામાં મુખ્ય આરોપી તરીકે પત્ની સોનમ રઘુવંશીએ તેના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને હત્યાનો આખો પ્લાન તૈયાર કર્યો હતો. રાજે ત્રણ કૉન્ટ્રૅક્ટ કિલર વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીને હત્યા માટે સુપારી આપી હતી.
૨૦ પોલીસ અધિકારીઓની ટીમ
મેઘાલય પોલીસે જણાવ્યું હતું કે ‘આ કેસ ખૂબ જ જટિલ હતો એટલે એને ઉકેલવા માટે સંગઠિત ‘ઑપરેશન હનીમૂન’ હાથ ધરવામાં આવ્યું હતું. ‘ઑપરેશન હનીમૂન’માં લગભગ ૨૦ પોલીસ અધિકારીઓ હતા. એ બધાએ સાથે મળીને જે કડીઓ મળી એના આધારે તપાસ કરી હતી અને પાંચ આરોપીઓને પકડ્યા હતા.’
રાજાના પરિવાર સાથે રાજ
બીજી જૂને મેઘાલયમાં રાજાનો મૃતદેહ મળી આવ્યા બાદ શોકમાં ડૂબેલા સોનમના પિતા દેવી સિંહને સાંત્વન આપવા આરોપી રાજ કુશવાહા પહોંચ્યો હતો. સોનમના પિતાની પ્લાયવુડ કંપનીમાં રાજ કુશવાહા નોકરી કરે છે અને સોનમના ભાઈનો કર્મચારી છે. તે દેવી સિંહને સાંત્વન આપતો જોવા મળ્યો હતો. ઘટના પછી પણ તેનું મૌન અને પરિવારમાં હાજરી ઘણા પ્રશ્નો ઊભા કરી રહી છે.
સોનમ રાજને મળવા ઇન્દોર આવી?
એવું જાણવા મળે છે કે રાજા રઘુવંશીની હત્યા પછી સોનમ ઇન્દોર આવી હતી અને તેના પ્રેમી રાજ કુશવાહાને મળી હતી. સોનમ ઇન્દોરમાં ભાડાના મકાનમાં રહી હતી. આ પછી એક ડ્રાઇવરે તેને ઉત્તર પ્રદેશમાં છોડી હતી. સોનમ વારાણસી થઈને છેવટે ગાઝીપુર પહોંચી હતી.
બીજા જ દિવસે હત્યાનો પ્લાન
રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ કહ્યું હતું કે ‘સોનમ જ માસ્ટરમાઇન્ડ છે. સોનમ પોલીસને ગેરમાર્ગે દોરી રહી છે. સોનમની ચૅટમાંથી જાણવા મળ્યું છે કે ૧૧ મેએ લગ્ન બાદ સોનમ રાજાને ૧૩ મેએ મારી નાખવા માગતી હતી, પરંતુ રાજા અમારી સાથે હતો તેથી તેનું પ્લાનિંગ સફળ થઈ શક્યું નહીં.’
પરિવારોનો બિઝનેસ શું છે?
સોનમના પિતા દેવી સિંહ રઘુવંશીની ઇન્દોરના સાનવેર રોડ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં પ્લાયવુડ અને સનમાઇકા બનાવવાની ફૅક્ટરી છે. એનું વાર્ષિક ટર્નઓવર બારથી ૧૫ કરોડ રૂપિયાની વચ્ચે છે. રાજ કુશવાહાને દર મહિને ૨૦,૦૦૦ રૂપિયાનો પગાર મળતો હતો. રાજ કુશવાહા સોનમના પિતા દેવી સિંહ રઘુવંશીની ફૅક્ટરીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. રાજા રઘુવંશીનો ઇન્દોરમાં રઘુવંશી ટ્રાન્સપોર્ટના નામથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય છે. એનું વાર્ષિક ટર્નઓવર આઠથી ૧૦ કરોડ રૂપિયાની વચ્ચે છે. આ ત્રણ ભાઈઓનો સંયુક્ત વ્યવસાય છે.

