મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્ર સરકાર અને પંજાબ સરકારની ટીકા કરી
૧૯૮૮ના રોડ રેજ કેસમાં પટિયાલાની સેન્ટ્રલ જેલમાં લગભગ દસ મહિનાની કેદની સજા ભોગવ્યા બાદ ગઈ કાલે જેલમાંથી બહાર આવીને પટિયાલામાં મીડિયા સાથે વાતચીત કરી રહેલા કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુ.
પટિયાલા ઃ પંજાબ કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુ ગઈ કાલે જેલમાંથી મુક્ત થયા હતા. એક રોડ રેજ કેસમાં કેદની સજાના દસ મહિના બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. પંજાબના પટિયાલામાં જેલમાંથી બહાર આવ્યા બાદ તરત જ સિધુ પૉલિટિકલ પિચ પર ફટકાબાજી કરવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘લોકશાહી સાંકળોમાં બંધાયેલી છે. પંજાબ આ દેશનું કવચ છે. જ્યારે દેશમાં સરમુખત્યારનું રાજ ચાલે છે ત્યારે ક્રાન્તિ પણ આવે છે, રાહુલ ગાંધી ક્રાન્તિ લાવી રહ્યા છે.’
તેમણે આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર પંજાબમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવા ઇચ્છે છે કે જ્યાં બીજેપીની વિરોધી આમ આદમી પાર્ટીની સરકાર છે. નવજોતે એવા સમયે કમેન્ટ્સ કરી છે કે જ્યારે ખાલિસ્તાની નેતા અમ્રિતપાલ સિંહ પર પંજાબમાં સમસ્યાઓ સર્જવાનો અને કાયદા-વ્યવસ્થાને ખોરવી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પંજાબના સીએમની પણ આકરી ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘હું મારા નાના ભાઈ ભગવંત માન (મુખ્ય પ્રધાન)ને પૂછવા ઇચ્છું છું કે શા માટે તમે પંજાબના લોકોને મૂરખ બનાવો છો? તમે મસમોટાં વચનો આપ્યાં હતાં, જોક્સ કહ્યા હતા. જોકે આજે તમે માત્ર કાગળ પર સીએમ છો.’