શ્રીરામ ગ્રુપના ફાઉન્ડર આર. ત્યાગરાજને ઘર અને કાર છોડીને લગભગ પોતાની તમામ સંપત્તિ દાન કરી દીધી
કર્મચારીઓમાં વહેંચી દીધી ૬૨૧૧ કરોડની સંપત્તિ
નવી દિલ્હીઃ બિઝનેસમેન અવારનવાર ચૅરિટી કરતા રહે છે. કોઈ સામાજિક કામો માટે તો કોઈ દુર્ઘટનાના સમયે લોકોને મદદ કરવા માટે, પરંતુ એક બિઝનેસમૅને પોતાના કર્મચારીઓને પોતાની તમામ સંપત્તિ દાનમાં આપી દીધી. શ્રીરામ ગ્રુપના ફાઉન્ડર આર. ત્યાગરાજને પોતાની લગભગ તમામ સંપત્તિ પોતાના કર્મચારીઓને દાન કરી દીધી છે.
ત્યાગરાજનનો જન્મ તામિલનાડુના એક ખેડૂત પરિવારમાં થયો હતો. ગણિતમાં ગ્રૅજ્યુએશન બાદ તેમણે કલકત્તાની ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટથી માસ્ટરની ડિગ્રી મેળવી હતી. ૧૯૬૧માં તેમણે ન્યુ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપની જૉઇન કરી હતી. લગભગ ૨૦ વર્ષ સુધી નોકરી કર્યા પછી તેમણે પોતાના બળે જ કંઈ કરવાનો નિર્ણય કર્યો. ૧૯૭૪માં બે મિત્રો સાથે મળીને તેમણે શ્રીરામ ગ્રુપની શરૂઆત કરી હતી. આ કંપનીની શરૂઆત ચિટ ફન્ડ બિઝનેસ તરીકે થઈ હતી, પરંતુ બાદમાં તેમણે લોન અને ઇન્શ્યૉન્સના ફીલ્ડમાં પોતાનો બિઝનેસ વધારવાનું શરૂ કર્યું હતું.
રિસન્ટ્લી એક ઇન્ટરવ્યુમાં ૮૬ વર્ષના ત્યાગરાજને કહ્યું હતું કે તેમણે પોતાની ૭૫ કરોડ ડૉલર (૬૨૧૧ કરોડ રૂપિયા)ની સંપત્તિ દાન કરી દીધી છે. તેમણે પોતાના માટે એક નાનકડું ઘર અને એક કાર સિવાય પોતાની લગભગ તમામ સંપત્તિ પોતાના કર્મચારીઓના એક ગ્રુપને આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે હું એ લોકોના જીવનમાં ખુશી લાવવા ઇચ્છતો હતો. મને રૂપિયાની જરૂર નથી. અત્યારે તેમનો મોટા ભાગનો સમય સંગીત સાંભળવામાં અને ફૉરેન બિઝનેસ મૅગેઝિન્સને વાંચવામાં પસાર થાય છે.
ઇન્ડિયાની લીડિંગ નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની શ્રીરામ ગ્રુપ વેહિકલ્સ માટે ભારતના જરૂરિયાતમંદ લોકોને લોન આપે છે. લોન સિવાય ઇન્શ્યૉરન્સ પણ કરે છે. આ કંપનીએ અત્યાર સુધીમાં ૧,૦૮,૦૦૦ લોકોને રોજગારી આપી છે.
ADVERTISEMENT
મોબાઇલ રાખતા નથી
એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે ‘હું મારી પાસે મોબાઇલ ફોન રાખતો નથી, કેમ કે મને લોકોની સાથે જોડાયેલા રહેવાનું પસંદ છે.’ તેમણે પોતાના પરિવારને પોતાના બિઝનેસથી દૂર રાખ્યો છે. તેમના પરિવારમાંથી કોઈ પણ મેમ્બરને તેમની કંપનીના મૅનેજમેન્ટમાં ટીમ કે લીડરશિપ પોઝિશનમાં જગ્યા આપી નથી. તેમનો એક દીકરો એન્જિનિયર છે, નાનો દીકરો સીએ છે અને શ્રીરામ ગ્રુપમાં કર્મચારી તરીકે કામ કરે છે.

