આતંકવાદના અનેક કેસની તપાસમાં બહાર આવ્યું કે આતંકવાદીઓ દ્વારા નૉર્મલ મની ટ્રાન્સફરની જેમ થોડા-થોડા સમયના અંતરે નાની-નાની રકમમાં રૂપિયા મેળવવામાં આવ્યા હતા અને એ પછી મોટી રકમ ઉપાડાતી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
નવી દિલ્હી : ભારતમાં આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરવા ઈ-વૉલેટ્સ એ લેટેસ્ટ ટૂલ હોવાનું બહાર આવ્યું છે. ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક કેસમાં આવી લિન્ક્સની તપાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે આતંકવાદના વિવિધ કેસમાં એજન્સીઓને તપાસમાં જોવા મળ્યું છે કે આરોપીઓને નાની-નાની રકમમાં અનેક વૉલેટ્સ દ્વારા રૂપિયા મળ્યા છે.
આવા જ એક કેસમાં એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને તપાસમાં જોવા મળ્યું હતું કે મોહસિન અહમદ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેણે ઈ-વૉલેટ્સ દ્વારા ભારતમાંથી અને વિદેશોમાંથી ભંડોળ એકત્ર કર્યું હતું.
ADVERTISEMENT
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના એક સ્ટુડન્ટે કેટલીક મોટી કંપનીઓ સહિત અનેક સોર્સિસથી રૂપિયા મેળવ્યા હતા. હવે તપાસ અધિકારીઓ આવાં ડિજિટલ અકાઉન્ટ્સનો ઉપયોગ કરતી વ્યક્તિઓને શોધવાની કોશિશ કરી રહ્યા છે. તપાસમાં બહાર આવ્યું કે નૉર્મલ મની ટ્રાન્સફરની જેમ થોડા-થોડા સમયના અંતરે નાની-નાની રકમમાં રૂપિયા મેળવવામાં આવ્યા હતા.
એ જ રીતે કોઇમ્બતુર બ્લાસ્ટ કેસમાં સ્થાનિક પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ ઈ-વૉલેટ્સનો ઉપયોગ કરીને થોડીક રકમ એકત્ર કરી હતી, જેનો તેણે વિસ્ફોટક સામગ્રી બનાવવા માટેની વસ્તુઓ ખરીદવા ઉપયોગ કર્યો હતો.
આતંકવાદને ભંડોળના અન્ય કેસોમાં પણ આવી જ પેટર્ન ઑબ્ઝર્વ કરવામાં આવી હતી. પીએફઆઇ (પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા) પર પ્રતિબંધ મુકાયા બાદ તપાસમાં બહાર આવ્યું હતું કે આ સંગઠનના સભ્યો ઈ-વૉલેટ્સ દ્વારા વિવિધ સોર્સિસથી ફન્ડ્સ એકત્ર કરીને એને થોડાંક અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરતાં હતાં.
જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદના કેસોની તપાસ કરી રહેલી સ્થાનિક એજન્સીઓને જણાયું હતું કે ઈ-વૉલેટ્સ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં અનેક લોકો આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરી રહ્યા છે.
આવા કેસોમાં તપાસ કરી રહેલા એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અનેક કેસમાં રૂપિયા એકત્ર કરવા માટે આરોપીઓએ ઈ-વૉલેટ્સનો ઉપયોગ કર્યો છે. તેઓ કહે છે કે અમે જે-તે વ્યક્તિ કે કંપનીનો કૉન્ટૅક્ટ કરીએ તો જવાબ અપાય છે કે તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. લગભગ તમામ કેસમાં વૉલેટ્સ દ્વારા બૅન્ક અકાઉન્ટ્સમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આરોપીઓ મહિના બાદ નોંધપાત્ર અમાઉન્ટ જમા થઈ જાય એટલે એને ઉપાડી લે છે.
શા માટે આ ઈ-વૉલેટ્સનો ઉપયોગ કરાય છે?
ડિજિટલ વૉલેટ્સનો ઉપયોગ કરવો સરળ છે, જેના લીધે એ આતંકવાદીઓની પહેલી પસંદગી છે. કોઈ પણ વ્યક્તિ ઈ-વૉલેટ્સ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરીને ક્રિપ્ટોકરન્સી ખરીદી શકે છે. વળી, ઓછી રકમની હોવાના કારણે એને ટ્રેસ કરવી પણ સહેલી નથી. જોકે, હવે તેમની આ રીત સુરક્ષા એજન્સીઓના ધ્યાનમાં આવી છે.

