RCB ૧૮ વર્ષે IPL જીતી એની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ
વિધાનભવનની બહાર એકઠા થયેલા લોકો.
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB) ટીમને તેમની પ્રથમ IPL જીત બાદ સન્માનિત કરવા માટે ગઈ કાલે બૅન્ગલોરના એમ. એ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમ વખતે સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આશરે ૫૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. ૧૮ વર્ષ બાદ RCBની ટીમે IPL ટ્રોફી જીતી એની ઉજવણીનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો હતો.
સ્ટેડિયમમાં કાર્યક્રમ બંધ ન રહ્યો
ADVERTISEMENT
નાસભાગની ઘટના અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હોવાની જાણકારી હોવા છતાં સ્ટેડિયમમાં RCBનો સત્કાર સમારોહ ચાલુ રહ્યો હતો અને લોકોએ એની ભારે ટીકા કરી હતી. લોકોએ સોશ્યલ મીડિયામાં પણ આ માટે ટીમ મૅનેજમેન્ટની ઝાટકણી કાઢી હતી. એ પછી આ કાર્યક્રમને બંધ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટરોને હોટેલમાં પાછા મોકલવામાં આવ્યા હતા.
પાસથી એન્ટ્રી હોવા છતાં ભીડ
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માન્ય ટિકિટ અને પાસ ધરાવતા લોકોને જ સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવવાની હતી, પણ ૩૫,૦૦૦ લોકોની બેસવાની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની બહાર આશરે બેથી ત્રણ લાખ લોકો આવી જતાં ભારે ગિરદી થઈ હતી અને એમાં આ દુર્ઘટના બની હતી. ચાહકો તેમની ફેવરિટ ટીમના ક્રિકેટરોની એક ઝલક જોવા માટે પરિસરમાં ઊમટી પડ્યા હતા.
નાસભાગની ઘટના પછી પણ સ્ટેડિયમમાં ચાલતો સત્કાર સમારોહ.
સ્લૅબ તૂટી પડ્યો અને નાસભાગ થઈ
આ દુર્ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ સ્ટેડિયમ પરિસરની નજીક ગટર પર મૂકવામાં આવેલા એક કામચલાઉ સ્લૅબ પર મોટી સંખ્યામાં લોકો ઊભા હતા અને તેમના ભારથી સ્લૅબ તૂટી પડ્યો હતો. અચાનક આમ થવાથી ગભરાટ ફેલાયો હતો અને ભાગદોડ મચી ગઈ હતી.
યુવાધન ગુમાવ્યું
મળતી જાણકારી મુજબ એકબીજા પર લોકો પડતાં ઘણા યુવાનો અને ૧૩ વર્ષનો એક કિશોર ચગદાઈ ગયા હતા અને તેમનાં મૃત્યુ થયાં હતાં. મોટા ભાગના લોકોનાં મૃત્યુ ગંભીર ઈજા થવાથી અને શ્વાસ લેવામાં તકલીફથી થયાં હતાં. જીવ ગુમાવનારાઓમાં ૧૩થી ૩૫ વર્ષના યુવાનો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
સ્ટેડિયમમી બહાર ઝાડ પર ક્રિકેટરોની ઝલક માટે ચડી ગયેલા લોકો.
જુડિશ્યલ તપાસનો આદેશ
મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ નાસભાગમાં ૧૧ લોકોનાં મૃત્યુના અહેવાલને પુષ્ટિ આપી હતી અને આ દુર્ઘટનાની જુડિશ્યલ તપાસનો આદેશ આપ્યો હતો. ૧૫ દિવસમાં એનો અહેવાલ આવશે.
૧૦ લાખનું વળતર
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને કર્ણાટક સરકાર તરફથી ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે.
કુંભમેળામાં પણ નાસભાગ થઈ હતી : સિદ્ધારમૈયા
સ્ટેડિયમમાં થનારા સત્કાર કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા નહીં પરંતુ કર્ણાટક રાજ્ય ક્રિકેટ અસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું એમ જણાવીને પત્રકાર-પરિષદમાં બોલતાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે ‘ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૩૫,૦૦૦ લોકોની બેસવાની ક્ષમતા છે, પરંતુ સ્ટેડિયમમાં લગભગ બેથી ૩ લાખ લોકો આવ્યા હતા. વિધાનસભા સામે લગભગ એક લાખ લોકો એકઠા થયા હતા, પરંતુ ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. કોઈને પણ આવું થવાની અપેક્ષા નહોતી. ક્રિકેટ અસોસિએશનને પણ એની અપેક્ષા નહોતી. કુંભમેળામાં પણ ઘણી નાસભાગ થઈ છે. હું આનો બચાવ કરતો નથી.’
મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન રીલ્સ શૂટ કરવામાં વ્યસ્ત હતા : BJP
નાસભાગ અને મૃત્યુના સમાચાર બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કર્ણાટક એકમે કૉન્ગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર નિયંત્રણનાં યોગ્ય પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ સરકારની બેજવાબદારીને કારણે નાસભાગ થઈ હતી. ભીડ નિયંત્રણનાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. કોઈ મૂળભૂત વ્યવસ્થા નહોતી, માત્ર અરાજકતા હતી. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર રીલ્સ શૂટ કરવામાં વ્યસ્ત હતા. આ ગુનાહિત બેદરકારી છે.’

