બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર IPL વિજયની ઉજવણી માટે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી જવાને કારણે ૧૧ મોત
સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં ઘવાયેલા લોકોને હૉસ્પિટલ લઈ જતી પોલીસ અને અન્ય સ્વયંસેવકો.
બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર IPL વિજયની ઉજવણી માટે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી જવાને કારણે ૧૧ મોત : ટીમ સ્ટેડિયમમાં આવે એ પહેલાં બનેલી આ ઘટના પછીયે સત્કાર સમારોહ યોજાયો એ બદલ RCBની ટીકા : મૃત્યુ પામેલા લોકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાયની જાહેરાત
બૅન્ગલોરમાં ગઈ કાલે થયેલી નાસભાગ પાછળનું કારણ આયોજનનો સ્પષ્ટ અભાવ અને એકત્રિત થનારા ચાહકોની સંખ્યાનો ઓછો અંદાજ હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રવેશ માટે ઉપલબ્ધ મફત પાસ વિશે લોકોમાં મૂંઝવણ હતી. ઓપન બસમાં વિજય-પરેડ નીકળવાની હતી, પણ એ રદ કરી દેવામાં આવી હતી એની લોકોને જાણ નહીં હોવાથી લાખો લોકો ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમ પરિસરમાં પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
બુધવારે સવારે RCB ટીમ-મૅનેજમેન્ટે જાહેરાત કરી હતી કે તેઓ સ્ટેડિયમમાં સત્કાર કાર્યક્રમ પહેલાં વિધાનભવનથી સ્ટેડિયમ સુધી એક કિલોમીટરના રોડ પર ઓપન બસમાં વિજય-પરેડ યોજશે જેના માટે મર્યાદિત મફત પાસ ઑનલાઇન ઉપલબ્ધ રહેશે.
જોકે બુધવારે સવારે ૧૧.૫૬ વાગ્યે ટ્રૅફિક પોલીસે જાહેરાત કરી હતી કે કોઈ વિજય-પરેડ નહીં થાય.
બપોરે ૧.૩૦ વાગ્યે RCB ટીમ હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ ઍરપોર્ટ પર પહોંચી હતી એ પહેલાં હોટેલ પર ગઈ અને ત્યાંથી ટીમની બસમાં વિધાનભવન જવા નીકળી.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા ટીમનું સન્માન કરવાના હતા એ વિધાનભવનની આસપાસ હજારો લોકો એકઠા થઈ ગયા હતા. ભીડમાંથી કેટલાક ઝાડ પર ચડી ગયા, જ્યારે ઘણા લોકોએ કર્ણાટક હાઈ કોર્ટ બિલ્ડિંગની ટોચ પર જવાનો રસ્તો શોધી કાઢ્યો.
એ સમયે ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ નજીક ભારે ભીડ ઊમટી પડી હતી. પોલીસના જણાવ્યા મુજબ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં એક કિલોમીટરની ત્રિજ્યામાં લગભગ ૫૦,૦૦૦ લોકો જમા થયા હતા અને સંખ્યા સતત વધી રહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ભીડને અપેક્ષા હતી કે સન્માન પછી ઓપન બસ સ્ટેડિયમ તરફ જશે. ઘણા લોકો પાસે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ટિકિટ ન હોવાથી તેઓ આશા રાખતા હતા કે ઓછામાં ઓછા ઓપન બસમાં ક્રિકેટરોની એક ઝલક મેળવશે. જોકે તેઓ જાણતા નહોતા કે વિજય-પરેડ રદ કરવામાં આવી છે. જ્યારે ટીમ સ્ટેડિયમ માટે રવાના થઈ ત્યારે તે એક બંધ બસમાં હતી.
નાસભાગની દુર્ઘટના લગભગ સાંજે ૪.૪૫ વાગ્યે બની હતી. એ સમયે સ્ટેડિયમનો ગેટ નંબર વન આંશિક રીતે ખોલવામાં આવ્યો હતો અને ટિકિટધારકો અને ટિકિટ વગરના લોકોના ટોળાએ પરિસરમાં ઘૂસી જવાનો પ્રયાસ કર્યો હતો. બધા જ લોકો અંદર આવી ગયા. આ અંધાધૂંધીમાં કેટલાક લોકો જમીન પર પડી ગયા. ભીડને કાબૂમાં રાખવા કે મદદ કરવા માટે કોઈ નહોતું.

