દિલ્હીનાં મુખ્ય પ્રધાન પર હુમલો કરનાર રાજેશ સાકરિયા કહે છે...
રાજેશ સાકરિયા, રેખા ગુપ્તા
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર હુમલો કરનારો રાજેશ સાકરિયા પોલીસ-રિમાન્ડમાં છે. પોલીસની પૂછપરછમાં તેણે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે તે શિવમંદિર બનાવીને શિવલિંગની પૂજા કરે છે. સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો ત્યારે તેને શિવલિંગમાં ભગવાન ભૈરવ સ્વરૂપનાં દર્શન થયાં હતાં. તેના સપનામાં ભૈરવ સ્વરૂપમાં આવેલા શ્વાને તેને દિલ્હી જઈને પોતાની વાત મૂકવાનું જણાવ્યું હતું. આ સપના પછી રાજેશ સોમવારે ઉજ્જૈન જવા ઘરેથી નીકળી ગયો હતો. ત્યાં કાલભૈરવ સ્વરૂપમાં આવેલા શ્વાને તેને દિલ્હી જવાનો આદેશ આપ્યો હતો એવું રાજેશે પોલીસને જણાવ્યું હતું.
એ પછી રાજેશ ટિકિટ વગર જ ટ્રેનમાં સફર કરીને દિલ્હી પહોંચી ગયો હતો. ત્યાંથી તે મેટ્રો અને રિક્ષામાં પ્રવાસ કરીને મુખ્ય પ્રધાનના આવાસ સુધી પહોંચ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે ‘મેં મુખ્ય પ્રધાનને કૂતરાઓને દિલ્હીમાંથી બહાર ન કાઢવાની અપીલ કરી હતી. મારો ઇરાદો તેમને મારી સમસ્યા વિશે જાણ કરીને ગુજરાત પાછા જવાનો હતો, પણ રેખા ગુપ્તાએ મારી વાત સાંભળીને અવગણી દીધી હતી. આનાથી ગુસ્સે ભરાઈને મેં તેમના પર હુમલો કરી દીધો હતો.’


