રાજકોટના રાજેશ સાકરિયાએ દિલ્હીના ચીફ મિનિસ્ટર પર જનતા દરબારમાં અટૅક કર્યો : મુખ્ય પ્રધાનને માથા, હાથ અને ખભામાં ઈજા; પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી : કૂતરાઓને શેલ્ટર હોમમાં પૂરવાના કોર્ટના ચુકાદાનો રોષ ઠાલવ્યો હોવાનો દાવો
આરોપી રાજેશ સાકરિયા અને તેનું આધાર કાર્ડ.
દિલ્હીમાં રસ્તે રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલી દેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે રોષે ભરાયેલા રાજકોટના ૪૧ વર્ષના રાજેશ ખીમજી સાકરિયાએ ગઈ કાલે દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર ‘જન સુનવાઈ’ દરમ્યાન સવારે આશરે ૮.૧૫ વાગ્યે હુમલો કર્યો હતો. આ હુમલામાં રેખા ગુપ્તાના માથા, હાથ અને ખભામાં ઈજા પહોંચી છે. આરોપી રાજેશ સાકરિયાએ રેખા ગુપ્તાનો હાથ પકડીને ખેંચ્યો હતો અને તેઓ ટેબલના ખૂણા સાથે અથડાયાં હતાં, જેને કારણે જમીન પર પડી ગયાં હતાં. એટલું જ નહીં, આરોપીએ તેમના વાળ પણ ખેંચી કાઢ્યા હતા.
જોકે પોલીસે રાજેશ સાકરિયાની તત્કાળ ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેની સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ ૧૩૨ (સરકારી કર્મચારી પર હુમલો), કલમ ૨૨૧ (સરકારી કર્મચારીના કામમાં અવરોધ ઊભો કરવો) અને કલમ ૧૦૯ (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને સ્પેશ્યલ સેલની ટીમ આરોપી રાજેશની પૂછપરછ કરી રહી છે
ADVERTISEMENT
રેખા ગુપ્તાના નેતૃત્વમાં દિલ્હીમાં BJPની સરકાર બન્યા પછી સાપ્તાહિક ‘જન સુનવાઈ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ ક્રમમાં ગઈ કાલે સવારે તેઓ લોકોની ફરિયાદો સાંભળી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી.

ગઈ કાલે હુમલા પછી દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાના સત્તાવાર નિવાસસ્થાનની બહાર સતર્ક પોલીસ.
આરોપી સામે પાંચ ગુના નોંધાયા છે
આરોપી રાજેશ સાકરિયા સામે પહેલેથી જ પાંચ ગુના નોંધાયેલા છે. એમાં ૩ શરાબની દાણચોરીના અને બે મારપીટ સાથે સંકળાયેલા છે. કેટલાક કેસમાં તેને છોડી મૂકવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ હવે તેની ગુનાખોરીના ઇતિહાસને ચકાસી રહી છે. તપાસ-એજન્સીઓ એ પણ જાણવાની કોશિશ કરે છે કે આ હુમલા પાછળ કોઈ સંગઠન કે રાજકીય ષડ્યંત્ર તો નથીને.
હુમલો ૮૦ સેકન્ડ સુધી ચાલ્યો
રેખા ગુપ્તા પર રાજેશે પહેલાં ભારે ચીજ ફેંકી હતી. એને કારણે તેઓ નમી ગયાં હતાં. એ પછી રાજેશે તેમના વાળ પકડ્યા હતા, ખેંચ્યા હતા અને ધક્કો માર્યો હતો તથા તેમને ઈજા પહોંચાડવાની પણ ભરપૂર કોશિશ કરી હતી. રાજેશે લગભગ એક મિનિટ ૨૦ સેકન્ડ સુધી એટલે કે ૮૦ સેકન્ડ સુધી હુમલો કર્યો હતો અને એ દરમ્યાન મુખ્ય પ્રધાનના સુરક્ષા-કર્મચારીઓ હુમલાખોર રાજેશ સાકરિયાને પકડવાની અને મુખ્ય પ્રધાનને છોડાવવાની કોશિશ કરતા રહ્યા હતા.
૨૪ કલાકથી રેકી
આરોપી રાજે સાકરિયા વિશે જાણકારી આપતાં દિલ્હીના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના પ્રધાન પરવેશ વર્માએ કહ્યું હતું કે ‘તે ૨૪ કલાકથી રેકી કરી રહ્યો હતો. તે શાલીમાર બાગસ્થિત મુખ્ય પ્રધાનના ઘરે પણ પહોંચ્યો હતો. તેણે સિવિલ લાઇન્સમાં રાત્રિમુકામ કર્યો હતો અને જેવો મોકો મળ્યો એટલે તેણે મુખ્ય પ્રધાન પર હુમલો કર્યો હતો. તે મુખ્ય પ્રધાનના ઘરે આવ્યો ત્યારે તેના હાથમાં કોઈ કાગળ નહોતો. રાજેશે મુખ્ય પ્રધાન પર હુમલો કર્યા પછી ઘણી વાર સુધી તેણે મુખ્ય પ્રધાનના વાળ પકડી રાખ્યા હતા તેથી તેના હાથમાંથી મુખ્ય પ્રધાનના વાળ છોડાવવામાં વાર લાગી હતી. મુશ્કેલીથી તેણે વાળ છોડ્યા હતા.’
રાજકોટથી મંગળવારે દિલ્હી પહોંચ્યો
રાજેશ મંગળવારે સવારે ટ્રેન દ્વારા રાજકોટથી દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હી તે પહેલી વાર આવ્યો છે. તે સિવિલ લાઇન્સમાં ગુજરાતી ભવનમાં રોકાયો હતો. તેણે ગુજરાતના તેના મિત્ર સાથે ફોન પર વાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે તે શાલીમાર બાગસ્થિત મુખ્ય પ્રધાનના ઘરે પહોંચી ગયો છે. એક રિપોર્ટ મુજબ તે પહેલાં ઉજ્જૈન ગયો હતો અને ત્યાંથી દિલ્હી પહોંચ્યો હતો.
CCTVમાં આરોપી દેખાયો
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં પણ રાજેશ સાકરિયા દેખાય છે. તે ૧૯ ઑગસ્ટે મુખ્ય પ્રધાનના શાલીમાર બાગસ્થિત નિવાસસ્થાનની રેકી કરતો જોવા મળે છે.
શું કહ્યું મુખ્ય પ્રધાને?
હુમલા બાદ ગઈ કાલે સાંજે મુખ્ય પ્રધાને સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘સવારે જન સુનવાઈ વખતે મારા પર થયેલો હુમલો માત્ર મારા પર જ નહીં પણ દિલ્હીની સેવા અને જનતાની ભલાઈ કરવાના અમારા સંકલ્પ પર કાયરતાભર્યો પ્રયાસ છે. સ્વાભાવિક છે કે હુમલા બાદ હું ગમ ખાઈ ગઈ હતી, પણ હવે સારું મહેસૂસ કરું છું. શુભચિંતકોને કહું છું કે મને મળવા માટે પરેશાન ન થશો, હું જલદી આપની વચ્ચે કામ કરતી દેખાઈશ. આવા હુમલા અમારી હિંમત અને જનતાની સેવા કરવાના સંકલ્પને તોડી શકે નહીં. હવે હું પહેલાં કરતાં વધારે ઊર્જા અને સમર્પણ સાથે આપની વચ્ચે રહીશ. જન સુનવાઈ અને જનતાની સમસ્યાના સમાધાનને પહેલાંની જેમ ગંભીરતા અને પ્રતિબદ્ધતા સાથે ચાલુ રાખીશ. આપનો વિશ્વાસ અને સમર્થન મારી સૌથી મોટી તાકાત છે. આપના સ્નેહ, આશીર્વાદ અને શુભકામનાઓ માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું.’
માતાએ કહ્યું દીકરો પશુપ્રેમી, કૂતરાના મુદ્દે દુખી હોવાથી દિલ્હી ગયો હતો

રાજકોટમાં મીડિયા સાથે વાત કરતાં રાજેશ સાકરિયાનાં મમ્મી ભાનુબહેન.
દિલ્હી પોલીસે આરોપી રાજેશ સાકરિયાના પરિવારનો સંપર્ક કર્યો છે. આરોપીનાં માતા ભાનુબહેને કહ્યું હતું કે ‘દિલ્હીમાં કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં પૂરી દેવાની વાતથી તે દુઃખી છે. જોકે અમને ખબર જ નહોતી કે તે દિલ્હી ગયો છે. ઘરેથી નીકળ્યો ત્યારે ઉજ્જૈન જાઉં છું એમ કહીને તે નીકળેલો. તેણે દિલ્હી જઈને ફોન કરેલો કે કૂતરાઓને બચાવવા દિલ્હી આવ્યો છું.’
રાજકોટમાં રાજેશના ઘરની પાસે એક મંદિર છે અને ત્યાં તે રોજ કૂતરાને ખવડાવે છે. તેનો નાનો ભાઈ ઈ-રિક્ષા ચલાવે છે અને તેની કમાણીથી ઘર ચાલે છે.
મોટું અને સુનિયોજિત કાવતરું : હરીશ ખુરાના

BJPના નેતા હરીશ ખુરાનાએ જણાવ્યું હતું કે ‘આ એક મોટું અને સુનિયોજિત કાવતરું છે. આરોપી કૂતરાપ્રેમી હોવાની વાત પાયાવિહોણી છે. કૂતરાની વાતનો ગુજરાત કે દિલ્હી સાથે કોઈ સંબંધ નથી. દિલ્હી પોલીસ આ કાવતરાની તપાસ કરી રહી છે.’


