Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધી, તમે ક્યારે મોટા થશો? : ૫૬ વર્ષની ઉંમરે આવી બાળક જેવી હરકતો ન કરો : રાહુલ ગાંધીએ માનસિક સ્વસ્થતા..

રાહુલ ગાંધી, તમે ક્યારે મોટા થશો? : ૫૬ વર્ષની ઉંમરે આવી બાળક જેવી હરકતો ન કરો : રાહુલ ગાંધીએ માનસિક સ્વસ્થતા..

Published : 15 August, 2026 09:10 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નરેન્દ્ર મોદી અને ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની વિશે રાહુલ ગાંધીએ કરેલા લવારાથી ભડકી BJP, નેતાઓએ આપી આકરી પ્રતિક્રિયા

સંદીપ દીક્ષિત અને રાહુલ ગાંધી

સંદીપ દીક્ષિત અને રાહુલ ગાંધી


કૉન્ગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં ‘રચનાત્મક કૉન્ગ્રેસ કન્વેન્શન’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની વિશે કરેલા લવારાથી ભારતીય જનતા પાર્ટી (BJP) રોષે ભરાઈ છે. BJPએ રાહુલ ગાંધી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિની મજાક ઉડાવવાનો, અસંસ્કારી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો અને વિપક્ષના નેતા પદની ગરિમા ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય પ્રધાનો અને BJPના ઘણા નેતાઓએ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી છે અને BJPના સંસદસભ્ય નિશિકાંત દુબેએ તો દિવંગત વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી વિદેશના મહાનુભાવોને ગળે લગાવતાં હોય અેવી તસવીરો પણ સોશ્યલ મીડિયામાં શૅર કરીને રાહુલ ગાંધીને જ આ વિશે સવાલ પૂછ્યા છે.

તમે તમારી સમજની બહાર બોલી રહ્યા છો : શિક્ષણપ્રધાન પ્રહ્‍‍લાદ જોશી



કેન્દ્રીય શિક્ષણપ્રધાન પ્રહ્‍‍લાદ જોશીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતાં તેમને પરિપક્વ થવા વિનંતી કરી અને વડા પ્રધાન પર હુમલો કરીને ભારતના લોકોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રહ્‍‍લાદ જોશીએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી, તમે ક્યારે મોટા થશો? ભારતને પરિપક્વ નેતૃત્વની જરૂર છે, ડ્રામેબાજ શિખાઉની નહીં. લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને જોકર અને શેખચલ્લી કહેવાથી સાબિત થાય છે કે તમે તમારી સમજની બહાર બોલી રહ્યા છો. વડા પ્રધાનનું અપમાન કરીને તમે લાખો મતદારોની મજાક ઉડાવી રહ્યા છો જેમણે મોદીજીને ત્રણ ઐતિહાસિક કાર્યકાળ માટે પસંદ કર્યા છે. તમે મતદારોની બુદ્ધિમત્તા પર હુમલો કરી રહ્યા છો, કારણ કે તેમણે તમારા વંશીય રાજકારણને નકારી કાઢ્યું હતું. તમારા નકારાત્મક વર્ણનને નકારી કાઢવા બદલ નાગરિકોને કાયર ગણાવવાથી જ તમે લગભગ ૧૦૦ ચૂંટણીમાં હારનો સામનો કરો છો. ઘમંડ બંધ કરો અને જાહેર આદેશનો આદર કરો.’


વિપક્ષી નેતા ઓછા અને નિષ્ફળ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન વધુ : બાંસુરી સ્વરાજ

BJPનાં સંસદસભ્ય બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે ‘ભારતને એવા વિપક્ષી નેતાની જરૂર નથી જે ૫૬ વર્ષની ઉંમરે બાળક જેવું વર્તન કરે. રાહુલ ગાંધીની ભાષા વિપક્ષના નેતા પાસેથી અપેક્ષિત ગરિમાની વિરુદ્ધ હતી. રાહુલ ગાંધી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવતી અસંસ્કારી, અશ્ળીલ અને અભદ્ર ભાષા વિપક્ષના નેતાના બંધારણીય પદની ગરિમાની વિરુદ્ધ છે. તેઓ વિપક્ષી નેતા જેવા ઓછા અને નિષ્ફળ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન જેવા વધુ લાગતા હતા, તેઓ હળવી અને વ્યર્થ કમેન્ટ્સ કરતા હતા.’


કૉન્ગ્રેસને આવા નેતા માટે દુ:ખ હશે : કેન્દ્રીય પ્રધાન જે. પી. નડ્ડા

કેન્દ્રીય પ્રધાન જે.પી. નડ્ડાએ રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું હતું કે ‘આવો વિપક્ષનો નેતા જોવાનું બાકી હતું, આ દેશના લોકતંત્રનું દુર્ભાગ્ય છે. કૉન્ગ્રેસ માટે પણ આવા દુ:ખનો બીજો શું વિષય 
હશે કે તેમને રાહુલ ગાંધીને પોતાના નેતા સ્વીકારવા પડી રહ્યા છે.

રાહુલ માનસિક સ્વસ્થતા ગુમાવી ચૂક્યા છે : BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારી

BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ પોતાની માનસિક સ્વસ્થતા ગુમાવી દીધી છે. તેઓ વિદૂષક જેવું વર્તન કરી રહ્યા છે. તેમની 
હરકતો ગાંધી-વાડ્રા પરિવારના ઉછેરને પ્રતિબિંબિત કરે છે.’ 

રાહુલ ગાંધી ચોર છે, ઝારખંડમાંથી કરોડો રૂપિયા કમાઈને એનો ઉપયોગ કૉન્ગ્રેસ ચલાવવા માટે કરે છે : નિશિકાંત દુબે

ઝારખંડના BJPના સંસદસભ્ય નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીને ચોર કહીને આરોપ લગાવ્યો હતો કે ‘રાહુલ ગાંધી ઝારખંડમાંથી કરોડો રૂપિયા કમાય છે અને એનો ઉપયોગ કૉન્ગ્રેસ પાર્ટી ચલાવવા માટે કરે છે. તેમણે ઝારખંડમાં અમારાં બાળકોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે. જિન્નાહની ભાવના તેમના મનમાં વસે છે. તેઓ દેશને તોડવા માગે છે. તેમની પાસે (ઝારખંડ) સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાની હિંમત નથી. જ્યાં સુધી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની તપાસનો આદેશ ન મળે ત્યાં સુધી અમે અમારા પ્રદેશપ્રમુખ આદિત્ય સાહુના નેતૃત્વમાં આંદોલન ચાલુ રાખીશું. BJP વિદ્યાર્થીઓ સાથે ઊભી રહેશે.’

જિન્નાહનો રાહુલ ગાંધીના રૂપમાં બીજો જન્મ : નિશિકાંત દુબે

સંસદની બહાર વિપક્ષના વિરોધ પર બોલતાં નિશિકાંત દુબેએ કહ્યું હતું કે ‘પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાહનો પુનર્જન્મ રાહુલ ગાંધીના રૂપમાં થયો છે. તેઓ તો જિન્નાહ કરતાં પણ ખરાબ નેતા છે. તેઓ દેશને તોડવા માગતાં દળો સાથે વડા પ્રધાનના નિવાસસ્થાનનો ઘેરો કરવા આવે છે. જિન્નાહે તો ફક્ત ભારત અને પાકિસ્તાન એમ બે દેશ બનાવ્યા; પણ રાહુલ ગાંધી વિપક્ષના એજન્ડા સાથે તામિલનાડુને એક દેશ, પંજાબને એક દેશ, નૉર્થ ઈસ્ટને એક દેશ અને ઉત્તર પ્રદેશના પાંચ દેશ બનાવવાના એજન્ડા પર ચાલી રહ્યા છે.’

શું થયું હતું ‘રચનાત્મક કૉન્ગ્રેસ કન્વેન્શન’માં?

ગુરુવારે દિલ્હીમાં ‘રચનાત્મક કૉન્ગ્રેસ કન્વેન્શન’માં રાહુલ ગાંધીએ મોદી સરકારની વિદેશનીતિ પર કટાક્ષ કર્યો હતો. વિદેશનીતિ એટલે વિદેશના નેતાઓને ગળે મળવું એમ વડા પ્રધાન મોદી માની બેઠા છે એવો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ સંદીપ દીક્ષિતને સ્ટેજ પર બોલાવ્યા અને તેમને ગળે લગાવ્યા હતા. પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘તેઓ (વડા પ્રધાન મોદી) માને છે કે ગળે લગાવવું એ વિદેશનીતિ છે.’ આ દરમ્યાન સંદીપ દીક્ષિતે રાહુલ ગાંધીને રોક્યા અને પૂછ્યું કે ‘શું હું તમને કંઈક પૂછી શકું? મેલોની સમજકે તો નહીં પકડા થા?’ સંદીપ દીક્ષિતનો કટાક્ષ ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની અને વડા પ્રધાન મોદી વચ્ચેની મુલાકાતના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ હસીને જવાબ આપ્યો કે ‘ના, ના; હું હજી ત્યાં પહોંચ્યો નથી.’

નિશિકાંત દુબેએ ઇન્દિરા ગાંધીની ફિડેલ કાસ્ટ્રો અને યાસર અરાફાત સાથેની તસવીરો શૅર કરી

રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી વિશે કરેલી કમેન્ટ્સના મુદ્દે BJPના સંસદસભ્ય નિશિકાંત દુબેએ ક્યુબન ક્રાન્તિકારી ફિડેલ કાસ્ટ્રો અને પૅલેસ્ટિનિયન નેતા યાસર અરાફાત સાથે ઇન્દિરા ગાંધીના ફોટો શૅર કરીને રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો અને વિદેશી નેતાઓને ગળે લગાવવાની પ્રથા પર કૉન્ગ્રેસના નેતાના પોતાના જ પરિવારના રાજદ્વારી આલિંગનના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય ૮ વર્ષ પહેલાં લોકસભામાં રાહુલ ગાંધી ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવે છે એ તસવીર પણ શૅર કરી હતી અને રાહુલ ગાંધીને સવાલ કર્યા હતા. તેમણે તસવીરો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું હતું કે ‘રાહુલ ગાંધીજી આ આલિંગનની સંવેદનાને પેટની આગ કહે છે કે વાસનાની આગ?’

રાહુલ ગાંધી સામે વીર સાવરકરની માનહાનિ કરવાનો કેસ રદ થયો, ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે જરૂરી પરવાનગી લેવામાં આવી નહોતી

૨૦૨૨માં ‘ભારત જોડો યાત્રા’ દરમ્યાન આપેલા નિવેદન માટે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થયેલા વીર સાવરકરના માનહાનિના કેસને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધો હતો. આ કેસમાં વીર સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો અને સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ હતો. ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટને જાણ કરી હતી કે રાહુલ ગાંધી સામે આ કેસ ચલાવવા માટે સત્તાવાર મંજૂરી મળી નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યારે કાનૂની મંજૂરીનો અભાવ હોય ત્યારે કેસ બંધ થઈ જાય છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને શીલ નાગુની બેન્ચે કેસની સુનાવણી કરી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે સરકાર વતી દાખલ કરાયેલા અૅફિડેવિટમાં અૅડિશનલ સૉલિસિટર જનરલ અને ફરિયાદીના વકીલે સ્વીકાર્યું છે કે આ કેસમાં જરૂરી મંજૂરી મળી નથી. આવા સંજોગોમાં ફરિયાદ અને મૅજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા તમામ આદેશોને ફગાવી દેવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 August, 2026 09:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK