સોનાનો ઢોળ ચડાવેલું ૧૫૦ કિલોનું રામયંત્ર તામિલનાડુના કાંચીપુરમમાં બન્યું છે જે મંદિરની આધ્યાત્મિક ઊર્જા વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવશે
ગઈ કાલે ચૈત્ર નવરાત્રિના પ્રારંભે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યામાં રામલલાની આરતી ઉતારી હતી અને પછી અભિજિત મુહૂર્તમાં બીજા માળ પર શ્રીરામ યંત્રની સ્થાપના અને પૂજા કરી હતી.
ગઈ કાલે હિન્દુ નવા વર્ષ પર શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈ કાલે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે અયોધ્યા પહોંચ્યાં હતાં. તેમણે સૌથી પહેલાં રામલલાનાં દર્શન કર્યાં હતાં અને પછી અભિજિત મુહૂર્તમાં સવારે ૧૧.૫૫ વાગ્યે મંદિરના બીજા માળ પર શ્રીરામ યંત્રની સ્થાપના અને પૂજા કરી હતી. તેમણે રામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. સ્થાપના પછી તેમણે રામ દરબાર, મહર્ષિ વાલ્મીકિ અને માતા શબરી અને નિષાદરાજ મંદિરમાં પણ દર્શન-પૂજા કર્યાં હતાં. આ અવસર પર મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ હાજર રહ્યાં હતાં.
શ્રીરામ યંત્રની સ્થાપના એ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નહીં પણ મંદિરને એક આધ્યાત્મિક ઊર્જા કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા છે. આ યંત્ર ભગવાન શ્રી રામની મર્યાદા, ધર્મ અને શક્તિનું પ્રતીક છે. એનાથી મંદિર પરિસરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર રહેશે. આ સમારોહમાં સાત હજારથી વધુ મહેમાનો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
રામયંત્ર તામિલનાડુના કાંચીપુરમસ્થિત મઠમાં તૈયાર કરવામાં આવ્યું હતું. એ પછી કાંચીપુરમથી આંધ્ર પ્રદેશના તિરુપતિમાં લાવવામાં આવ્યું હતું. એ પછી રથયાત્રા દ્વારા ૧૦ દિવસ પહેલાં અયોધ્યા પહોંચ્યું હતું. રામયંત્રનું વજન ૧૫૦ કિલો છે અને એના પર સોનાનો ઢોળ ચડાવેલો છે.
વરસાદની વચ્ચે પહોંચ્યાં વૃંદાવનના ઇસ્કૉન મંદિર
અયોધ્યાની મુલાકાત પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વૃંદાવન પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે ઇસ્કૉનના સંસ્થાપક ભક્તિવેદાંત પ્રભુપાદની સમાધિનાં દર્શન કર્યાં હતાં. ઇસ્કૉનમાં તેઓ લગભગ અડધો કલાક રહ્યાં હતાં અને ત્યાં મંદિરમાં ચાલતાં કીર્તન અને નૃત્યલીલા જોયાં હતાં. વૃંદાવનમાં ગઈ કાલે સાંજે ભારે વરસાદ પડ્યો હતો. એમ છતાં તેમણે પ્રેમ મંદિર જઈને દર્શન કર્યાં હતાં.
