ડોનલ્ડ ટ્રમ્પની ધાકધમકીને નરેન્દ્ર મોદીનો મક્કમ જવાબ
ભારતની હરિયાળી ક્રાન્તિના જનક કૃષિવિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથનની જન્મશતાબ્દીના અવસરે ભારત સરકારે તેમના માનમાં સિક્કો અને સ્ટૅમ્પ બહાર પાડ્યાં હતાં, જેનું ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને જવાબ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ભારત એના ખેડૂતો, પશુપાલકો, માછીમારો અને ડેરી સેક્ટરનાં હિતો સાથે ક્યારેય બાંધછોડ નહીં કરે અને એ માટે હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું.
ભારતની હરિયાળી ક્રાન્તિના જનક એમ. એસ. સ્વામીનાથનની જન્મશતાબ્દીની ઉજવણીના અવસરે આયોજિત ગ્લોબલ કૉન્ફરન્સમાં ગઈ કાલે વડા પ્રધાને આ વાત કહી હતી.
ADVERTISEMENT
રિપોર્ટ્સ પ્રમાણે ભારતે અમેરિકા સાથેના વેપાર-કરારમાં અમેરિકાની કંપનીઓને ભારતના કૃષિ અને ડેરી સેક્ટરમાં વધુ છૂટ ન આપી હોવાથી બન્ને દેશો વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી છે અને નારાજ ડોનલ્ડ ટ્રમ્પ તેમનો ગુસ્સો આડેધડ ટૅરિફ ઝીંકીને ઉતારી રહ્યા છે.
અમેરિકા સામે ભારતના મક્કમ વલણને ચીનનો સપોર્ટ
અમેરિકાએ રશિયા પાસેથી તેલની ખરીદીનું કારણ આગળ ધરીને ભારત પર લગાવેલી ૫૦ ટકા ટૅરિફ સામે ભારતે મક્કમ વલણ અપનાવ્યું છે અને અમેરિકાનાં બેવડાં ધોરણોને પડકાર્યું છે. ભારતે અનેક પ્લૅટફૉર્મ પરથી જાહેર કર્યું છે કે યુરોપ અને અમેરિકા પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યાં છે, પણ ભારતને ટાર્ગેટ કરી રહ્યાં છે. ભારતની આ પ્રતિક્રિયાને ચાઇનીઝ એમ્બેસીના પ્રવક્તાએ ટેકો આપ્યો હતો. ચીનના મીડિયામાં પણ અમેરિકા સામેના વિવાદમાં ભારત માટે સપોર્ટ જોવા મળ્યો હતો. ‘ભારતના સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ થઈ શકે એમ નથી અને ભારતની વિદેશનીતિની પસંદગીઓ કોઈ એક દેશ નક્કી કરી શકે એમ નથી’ એવા મથાળા સાથેનો એક લેખ ભારતમાં ચીની એમ્બેસીના પ્રવક્તા યુ ઝિન્ગે શૅર કર્યો હતો. ચીનના સરકારી અખબાર ‘ધ ગ્લોબલ ટાઇમ્સ’માં પણ ભારતની તરફેણનો લેખ છપાયો હતો, જેમાં કહેવાયું હતું કે માત્ર રશિયાનું તેલ ખરીદવા માટે અમેરિકા દ્વારા ભારતને ટાર્ગેટ કરવામાં નથી આવી રહ્યું, પણ ભારત અમેરિકાના આદેશોનું પાલન કરતો એક કહ્યાગરો મિત્ર બનવા તૈયાર નથી એટલે અમેરિકા આવાં પગલાં ભરી રહ્યું છે.


