PM Narendra Modi 73rd Birthday : ભારત દેશના વડાપ્રધાન આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વિવિધ નેતા સહિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, અમિત શાહે તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
PM Narendra Modi 73rd Birthday : ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એટલે કે 17 સપ્ટેમ્બર 2023ના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીનો જન્મ 1950માં ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદરદાસ મૂળચંદ મોદી અને માતાનું નામ હીરાબેન છે. ભારતીય જનતા પાર્ટીના વિવિધ નેતાઓએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.
નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઈચ્છે છે કે પીએમ મોદી તેમની દૂરંદેશી અને મજબૂત નેતૃત્વ સાથે `અમૃત કાલ` દરમિયાન દરેક ક્ષેત્રમાં ભારતના વિકાસનો માર્ગ મોકળો કરે.
રાષ્ટ્રપતિએ ‘એક્સ’ પર આ બાબતની પોસ્ટ શૅર કરતાં જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. તમે તમારા દૂરગામી વિઝન અને મજબૂત નેતૃત્વથી ભારતના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો કરો. તમે હંમેશા નેતૃત્વ કરતાં રહો. સુખી અને સ્વસ્થ જીવન અને તમારા અદ્ભુત નેતૃત્વથી દેશવાસીઓને લાભ થાય એ જ પ્રાર્થના’
નવા ભારતના આર્કિટેક્ટ તરીકે તેમની પ્રશંસા કરતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે તેમણે દેશના પ્રાચીન વારસાના આધારે ભવ્ય અને આત્મનિર્ભર ભારતનો મજબૂત પાયો નાખ્યો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા અમિત શાહે કહ્યું હતું કે, ‘હું દેશના લોકપ્રિય વડાપ્રધાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જેમણે પોતાની દૂરંદેશી, અથાગ મહેનત અને નિઃસ્વાર્થ સેવા દ્વારા કરોડો લોકોના જીવનમાં સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ સિંચ્યા છે.’
પીએમ તેમના જન્મદિવસ પર કઈ ભેટ આપશે?
નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિવસ (PM Narendra Modi 73rd Birthday) પર નવી દિલ્હીના દ્વારકામાં `યશોભૂમિ` તરીકે જાણીતા ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (આઈઆઈસીસી)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવાના છે. ઉપરાંત તેઓ દ્વારકા સેક્ટર-21ને દ્વારકા સેક્ટર-25માં નવા બનેલા મેટ્રો સ્ટેશન સાથે જોડતી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરવાના છે.
આ સાથે જ આજે વિશ્વકર્મા જયંતિનો પણ યોગ છે. માટે જ આજે સરકાર વિશ્વકર્મા યોજના શરૂ કરવા જઈ રહી છે. જેની જાહેરાત 2023-24ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. સરકાર આ યોજનામાં રૂ. 13,000 કરોડની ફાળવણી કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય નોડલ મંત્રાલય તરીકે કામ કરી રહ્યું છે.
આજે PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Narendra Modi 73rd Birthday) પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજથી 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી ‘સેવા પખવાડા’ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પીએમ મોદીના જન્મદિવસ પર આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી છે. પાર્ટીના કાર્યકર્તાઓએ પણ ઘણી જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે.