સરકારના ગઈ કાલના ગૅઝેટ નોટિફિકેશન અનુસાર આ કમિટી તાત્કાલિક કામગીરી શરૂ કરશે અને શક્ય એટલો વહેલો પોતાનો રિપોર્ટ સોંપશે
ફાઇલ તસવીર
‘એક દેશ, એક ચૂંટણી’ની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને એકસાથે યોજવાની શક્યતાઓ ચકાસવા માટે નવી યોજાયેલી કમિટી બંધારણ, જન પ્રતિનિધિત્વ કાયદા અને અન્ય સંબંધિત કાયદામાં સુધારા માટે ભલામણ કરશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી નવ સભ્યોની કમિટી એ પણ ચકાસશે કે બંધારણમાં સુધારાને રાજ્યોની વિધાનસભાઓ દ્વારા બહાલીની જરૂરિયાત રહેશે કે નહીં. સરકારના ગઈ કાલના ગૅઝેટ નોટિફિકેશન અનુસાર આ કમિટી તાત્કાલિક કામગીરી શરૂ કરશે અને શક્ય એટલો વહેલો પોતાનો રિપોર્ટ સોંપશે.
આ કમિટીમાં ગૃહપ્રધાન અમિત શાહ, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભાના ભૂતપૂર્વ વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ, ૧૫મા નાણાપંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન. કે. સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ સુભાષ સી. કશ્યપ, સિનિયર ઍડ્વોકેટ હરિશ સાલ્વે અને ભૂતપૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર સંજય કોઠારીને સામેલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે ૧૮થી ૨૨મી સપ્ટેમ્બર સુધી સંસદનું સ્પેશ્યલ સેશન બોલાવ્યું છે. સ્પેશ્યલ સેશનની સરપ્રાઇઝ જાહેરાત કરવામાં આવી ત્યારથી એવી અટકળો હતી કે આ સેશન દરમ્યાન ‘એક દેશ, એક ચૂંટણી’ માટેનું એક બિલ રજૂ કરવામાં આવશે.


