G20 સમિટની શાનદાર સફળતા બદલ બીજેપીના હેડ-ક્વૉર્ટર્સ ખાતે મોદીને ભવ્ય રીતે આવકારવામાં આવ્યા
નવી દિલ્હીમાં ગઈ કાલે બીજેપીના હેડક્વૉર્ટર્સમાં સપોર્ટર્સનું અભિવાદન ઝીલી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા. પાર્ટીના સિનિયર લીડર્સે પીએમનું સ્વાગત કર્યું હતું.
ભારતની અધ્યક્ષતામાં G20 સમિટની શાનદાર સફળતા બાદ બીજેપીના હેડ-ક્વૉર્ટર્સ ખાતે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ અહીં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી કમિટીની મીટિંગને અટેન્ડ કરવા માટે પહોંચ્યા હતા.
દિલ્હીમાં પાર્ટીની ઑફિસમાં પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત કેન્દ્રીય ચૂંટણી કમિટીના મેમ્બર્સે મોદીને આવકાર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત સપોર્ટર્સ દ્વારા પીએમ પર પુષ્પોની પાંખડીઓનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
G20 સમિટ બાદ બીજેપીના હેડ-ક્વૉર્ટર્સમાં પીએમની આ પહેલી વિઝિટ હતી. આ સમિટ ખૂબ જ શાનદાર રહી અને દુનિયાના લીડર્સે મોદીની લીડરશિપની ખૂબ પ્રશંસા કરી હતી.
મધ્ય પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ ફાઇનલ કરવા કેન્દ્રીય ચૂંટણી કમિટીની મીટિંગ મળી હતી. ગયા મહિને આ કમિટીની મીટિંગ મળી હતી, જેમાં છત્તીસગઢની ૨૧, જ્યારે મધ્ય પ્રદેશની ૩૯ બેઠકો પર ઉમેદવારોનાં નામ ફાઇનલ કરાયાં હતાં. નવેમ્બર-ડિસેમ્બરમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.
ઠરાવમાં પીએમને બિરદાવવામાં આવ્યા
બીજેપીના સંસદીય બોર્ડે G20 સમિટની ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતા બદલ પીએમ નરેન્દ્ર મોદીને બિરદાવતો ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે ‘G20 સમિટ ભારતની ડિપ્લોમસીમાં મહાન પ્રકરણ, વૈશ્વિક સ્ટેજ પર ભારત પ્રત્યેના અપ્રોચમાં પરિવર્તન લાવતી પળ છે.’


