પૂરથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું વડા પ્રધાને : જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલો માટે ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત
ઠેર-ઠેર ભૂસ્ખલનને કારણે સર્જાયેલી તારાજીનો એરિયલ વ્યુ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાત લીધી હતી. વડા પ્રધાને સૌપ્રથમ ચંબા, ભરમૌર, કાંગડા અને હિમાચલ પ્રદેશના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને ત્યાર બાદ કાંગડામાં રાહત અને પુનર્વસન કામગીરીની સમીક્ષા કરવા તેમ જ હિમાચલ પ્રદેશમાં કાંગડામાં અને પંજાબમાં ગુરુદાસપુરમાં સમીક્ષાબેઠક યોજી હતી.

ADVERTISEMENT
પૂરમાં ઘર અને સમગ્ર પરિવાર ગુમાવી ચૂકેલી હિમાચલ પ્રદેશની ૧૧ મહિનાની નિકિતાને નરેન્દ્ર મોદીએ વહાલ કર્યું હતું.

હવાઈ પરીક્ષણ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી રહેલા નરેન્દ્ર મોદી.
પૂરની સ્થિતિ અને વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા કર્યા બાદ વડા પ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશ માટે ૧૫૦૦ કરોડ રૂપિયા અને પંજાબ માટે ૧૬૦૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. પૂર અને કુદરતી આફતમાં જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી.


