નદીના પટથી ૩૫૯ મીટરની ઊંચાઈ, પૅરિસના આઇફલ ટાવર કરતાં પણ ઊંચો, ૧૩૧૫ મીટર લાંબો આ રેલવે-બ્રિજ દુનિયાની એક અજાયબી છે
ચેનાબ રેલવે બ્રિજ, અંજી બ્રિજ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને ચેનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેઓ બ્રિજના ડેકની મુલાકાત લેશે. આ પછી તેઓ અંજી બ્રિજની પણ મુલાકાત લેશે અને એનું પણ ઉદ્ઘાટન કરશે. બપોરે બાર વાગ્યે તેઓ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ પછી તેઓ કટરામાં ૪૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ-પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
ચેનાબ અને અંજી રેલવે-બ્રિજ
ADVERTISEMENT
ચેનાબ નદીના પટથી ૩૫૯ મીટરની ઊંચાઈ પર સ્થિત ચેનાબ રેલવે બ્રિજ સ્થાપત્યની અજાયબી સમાન વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે. આ પુલ પૅરિસના પ્રખ્યાત આઇફલ ટાવર કરતાં ૩૫ મીટર ઊંચો અને દિલ્હીના પ્રખ્યાત કુતુબ મિનાર કરતાં લગભગ ૨૮૭ મીટર ઊંચો છે. ૨૭૨ કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિન્ક (USBRL) પ્રોજેક્ટમાં આ ૧૩૧૫ મીટરનો બ્રિજ છે. આ બ્રિજ ૧૪૮૬ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. એ ૨૬૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનનો સામનો કરી શકે એમ છે. આ બ્રિજ સિસ્મિક ઝોન પાંચમાં સ્થિત છે અને રેક્ટર સ્કેલ પર આઠની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવા સક્ષમ છે. બ્રિજ પરથી દોડનારી વંદે ભારત ટ્રેન દ્વારા કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી કરવામાં ફક્ત ૩ કલાક લાગશે, જે હાલમાં થતી મુસાફરીના સમયમાં બેથી ત્રણ કલાકનો ઘટાડો કરશે. બીજી તરફ અંજી બ્રિજ ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે બ્રિજ છે જે પડકારજનક ભૂપ્રદેશમાં દેશની સેવા કરશે.
૪૩,૭૮૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા ૨૭૨ કિલોમીટર લાંબા USBRL પ્રોજેક્ટમાં ૧૧૯ કિલોમીટરની લંબાઈ જેટલી કુલ ૩૬ ટનલ અને ૯૪૩ પુલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ કાશ્મીર ખીણ અને દેશના બાકીના ભાગો વચ્ચે સીમલેસ ઑલ-વેધર રેલવે કનેક્ટિવિટી સ્થાપિત કરશે.

