સિનિયર સિટિઝનો માટે આરોગ્ય વીમા યોજનામાં દેશમાં ૪.૫ કરોડ પરિવારોના છ કરોડ સિનિયર લોકોને આવરી લેવામાં આવશે.
નરેન્દ્ર મોદી
૭૦ વર્ષ કે એનાથી વધુ ઉંમરના લોકો માટે તેમની આવકની મર્યાદાના ભેદભાવ વિનાની આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત નરેન્દ્ર મોદી ૨૯ ઑક્ટોબરથી કરવાના છે. આ સિવાય રૂટીન રસીકરણની ઇલેક્ટ્રૉનિક્સ રજિસ્ટ્રી માટે તૈયાર કરાયેલી અને હાલમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત યુ-વિન (U-WIN) પોર્ટલને પણ વડા પ્રધાનના હસ્તે લૉન્ચ કરવામાં આવશે. આ સિવાય પણ બીજા પ્રોજેક્ટ લૉન્ચ કરવામાં આવશે.
યુ-વિન પોર્ટલ કોવિડ વખતે તૈયાર કરવામાં આવેલા કો-વિનના આધારે તૈયાર થયું છે અને એમાં ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતા અને જન્મથી બાળક ૧૭ વર્ષનું થાય ત્યાં સુધી આપવામાં આવતી રસીના રેકૉર્ડ રાખવામાં આવશે. સિનિયર સિટિઝનો માટે આરોગ્ય વીમા યોજનામાં દેશમાં ૪.૫ કરોડ પરિવારોના છ કરોડ સિનિયર લોકોને આવરી લેવામાં આવશે.