ઍનાનો ૮ વર્ષનો પુત્ર માર્ક શંકર આઠમી એપ્રિલે સિંગાપોરની તેની સ્કૂલમાં આગ લાગી ત્યારે દાઝી ગયો હતો અને તેને હાથ-પગમાં ઈજા પહોંચી હતી
પવન કલ્યાણની પત્ની ઍના લેઝનેવા કોનિડેલા
આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને તેલુગુ ફિલ્મોના જાણીતા ઍક્ટર પવન કલ્યાણની પત્ની ઍના લેઝનેવા કોનિડેલાએ તિરુપતિમાં આવેલા તિરુમલા તિરુપતિ દેવસ્થાનમની મુલાકાત લીધી હતી અને બાધા પૂર્ણ કરવા માટે માથે મુંડન કરાવ્યું હતું અને ભગવાન વેન્કટેશ્વરને વાળ અર્પણ કર્યા હતા. ઍનાનો ૮ વર્ષનો પુત્ર માર્ક શંકર આઠમી એપ્રિલે સિંગાપોરની તેની સ્કૂલમાં આગ લાગી ત્યારે દાઝી ગયો હતો અને તેને હાથ-પગમાં ઈજા પહોંચી હતી અને શ્વાસમાં ધુમાડો ગયો હતો. જો માર્ક શંકર સાજો થઈ જશે તો હું તિરુમલા મંદિરમાં મારા વાળ અર્પણ કરીશ એવી ઍનાએ બાધા રાખી હતી.
ઍના રશિયાની છે અને રશિયાના ઑર્થોડોક્સ ક્રિશ્ચિયન ધર્મનું પાલન કરે છે છતાં તેણે ભારતીય પરંપરાનું પાલન કરીને તિરુમલા મંદિરના પદ્માવતી કલ્યાણ કટ્ટામાં મુંડન કરાવ્યું હતું અને વેન્કટેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ઍનાએ બિનહિન્દુઓ માટેના મંદિરના નિયમો અનુસાર ગાયત્રી સદનમાં મંદિરના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક ઘોષણાપત્રમાં હસ્તાક્ષર કર્યા હતા જેમાં તેણે ભગવાન વેન્કટેશ્વરમાં પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. ઍનાએ મંદિરમાં અન્નદાન માટે ૧૭ લાખ રૂપિયા પણ આપ્યા હતા અને સેવા પણ કરી હતી.
ADVERTISEMENT
પવન કલ્યાણની ત્રીજી પત્ની
ઍના લેઝનેવા કોનિડેલા રશિયન મૉડલ અને ઍક્ટર છે અને તે પવન કલ્યાણની ત્રીજી પત્ની છે. બન્ને ૨૦૧૧માં એક ફિલ્મના સેટ પર જ મળ્યાં હતાં અને ૨૦૧૩ની ૩૦ સપ્ટેમ્બરે તેમણે લગ્ન કર્યાં હતાં. ઍનાનાં આ બીજાં લગ્ન છે. પ્રથમ લગ્નથી તેને એક દીકરી છે જે હમણાં તેની સાથે છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે પવન કલ્યાણ ત્રીજી પત્નીથી પણ છૂટા પડવાની તૈયારીમાં છે અને બન્ને અલગ રહે છે.

