સોશ્યલ મીડિયા પર પાકિસ્તાની હૅન્ડલરે શ્રમિકોને ભડકાવ્યા હતા, ધરપકડ કરાયેલા ૪૫ પ્રદર્શનકારીઓ શ્રમિક જ નથી
નોએડાની રેસિડેન્શ્યલ સોસાયટીની બહાર પગારવધારાની માગણી સાથે એકઠું થયેલું હાઉસહેલ્પરોનું ટોળું.
નોએડામાં પગારવધારાની માગણી સાથે શરૂ થયેલા પ્રદર્શનમાં બે પાકિસ્તાની સોશ્યલ મીડિયા અકાઉન્ટ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. આ બે અકાઉન્ટ પરથી ભડકાઉ આદેશો પછી હિંસા, આગજની અને તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ-કમિશનર લક્ષ્મી સિંહના કહેવા અનુસાર અત્યાર સુધીમાં ૧૩ ફરિયાદો નોંધાઈ છે અને ૬૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાંથી ૪૫ લોકો તો શ્રમિક જ નથી. આ એવા લોકો છે જેઓ કોઈ કંપનીમાં શ્રમિક તરીકે કામ નથી કરી રહ્યા. એમ છતાં તેઓ આ તોફાનોમાં સંકળાયા હતા અને માહોલને ખરાબ કરવાના આશયથી જ પ્રદર્શનને હિંસક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ નોએડાની આર્થિક વ્યવસ્થાને બગાડવા માટે આ સુનિયોજિત ષડયંત્ર હતું. આંદોલનમાં આગળ પડતો ભાગ લઈ રહેલા મુખ્ય તોફાનીઓ શ્રમિક જ નહોતા. પ્રદર્શનને ભડકાવવાની ઉશ્કેરણીમાં તેલંગણ અને કર્ણાટકથી સંચાલિત વૉટ્સઍપ ગ્રુપો પણ સંકળાયેલાં હોવાનું નોંધાયું હતું. તપાસ એજન્સીઓ ૫૦૦થી વધુ વિડિયો ફંફોસીને તોફાની તત્ત્વોને અલગ તારવવા મથી રહી છે.
