TCSમાં કામ કરતો બિતન અધિકારી પોતાનું ન્યુ યર ઊજવવા કલકત્તા આવ્યો હતો અને પછી પત્ની-પુત્ર સાથે કાશ્મીર ફરવા ગયો હતો
૪૦ વર્ષના એન્જિનિયર બિતન અને તેનો પરિવાર
પહલગામની બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૪૦ વર્ષના એન્જિનિયર બિતન અધિકારીનું પણ મૃત્યુ થયું છે. બિતન અમેરિકામાં ફ્લૉરિડાના બ્રેન્ડનમાં આવેલી તાતા કન્સલ્ટન્સી કંપની (TCS)માં એન્જિનિયર હતો અને પત્ની સોહિની અને ત્રણ વર્ષના પુત્ર સાથે તે ગયા અઠવાડિયે કાશ્મીર ફરવા આવ્યો હતો, પણ પત્ની અને પુત્રની નજર સામે આતંકવાદીએ તેના શરીરમાં ગોળીઓ ધરબી દીધી હતી. જોકે એ પહેલાં આતંકવાદીએ તેને પૂછ્યું હતું કે તું હિન્દુ છે કે મુસ્લિમ અને હિન્દુ જાણવા મળતાં એક પણ ક્ષણનો મોકો આપ્યા વિના તેના પર ફાયરિંગ કરી દેવામાં આવ્યું હતું. બિતનના પાર્થિવ દેહ સાથે અધિકારી પરિવારની કલકત્તા જવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી હતી.
બિતન અધિકારીએ વેસ્ટ બેન્ગૉલ યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બૅચલર ઑફ ટેક્નૉલૉજી (B.Tech.)નો અભ્યાસ કર્યો હતો અને વેરીઝોન, કૉગ્નિઝૅન્ટ અને ફ્રેડી મેક જેવી કંપનીઓમાં કામ કર્યું હતું. છેલ્લે તે TCSમાં જોડાયો હતો અને ૨૦૧૯માં કંપનીના કામના લીધે તે અમેરિકા શિફ્ટ થયો હતો. પરિવાર સાથે બંગાળી નવું વર્ષ મનાવવા માટે તે ૮ એપ્રિલે અમેરિકાથી કલકત્તા આવ્યો હતો. તેનો પરિવાર કલકત્તાના બેહાલા વિસ્તારમાં રહે છે. નવું વર્ષ મનાવ્યા બાદ ૧૬ એપ્રિલે તે પત્ની અને પુત્ર સાથે ૮ દિવસ માટે કાશ્મીર ફરવા ગયો હતો.
ADVERTISEMENT
પત્ની સોહિનીએ શું કહ્યું?
હુમલો કેવી રીતે થયો એ મુદ્દે જાણકારી આપતાં બિતનની પત્ની સોહિનીએ જણાવ્યું હતું કે ‘મિની સ્વિટ્ઝરલૅન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાં અમે ઘાસ પર બેઠાં હતાં અને એ વખતે હથિયારધારી એક માણસ અમારી પાસે આવ્યો અને અમને પૂછ્યું, હિન્દુ કોણ છે અને મુસ્લિમ કોણ છે. તેણે અમને હલવાનો કે ભાગવાનો પણ મોકો આપ્યો નહીં અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. મારા પતિ ઑન ધ સ્પૉટ મૃત્યુ પામ્યા હતા. અમે ગુરુવારે તો કાશ્મીરથી પાછા ફરવાનાં હતાં.’
પિતા અને ભાઈએ શું કહ્યું?
બિતન અધિકારીના વૃદ્ધ પિતાએ જણાવ્યું હતું કે ‘તે અમારા બધાની સાથે કાશ્મીર ફરવા જવા માગતો હતો, પણ મેં જ તેને તેની પત્ની અને પુત્ર સાથે કાશ્મીર જવા કહ્યું હતું. તે રોજ અમારી સાથે વાતચીત કરતો હતો. મંગળવારે સવારે પણ વાત કરી હતી, પણ પછી આ થયું.’
બિતનના નાના ભાઈએ પણ કહ્યું હતું કે ‘મંગળવારે સવારે જ અમારી વાત થઈ હતી અને તેણે કહ્યું હતું કે કાશ્મીરથી આવ્યા બાદ આપણે નજીકના કોઈ સ્થળે ફરવા જઈશું, કોને ખબર હતી કે મારી સાથે આ તેની છેલ્લી વાતચીત હતી.’

