છૂટક વેપારીઓએ અપડેટેડ ભાવ દર્શાવવા પડશે અને ઉલ્લંઘન પર ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડર (DPCO) અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ દંડ થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
દવાઓને વધુ સસ્તી બનાવવાના પ્રયાસમાં નૅશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી (NPPA)એ હાર્ટ, ડાયાબિટીઝ અને માનસિક સ્વાસ્થ્યની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી ૩૫ આવશ્યક દવાના ફૉર્મ્યુલેશનના છૂટક ભાવમાં ઘટાડો કર્યો છે. ઘણી દવાઓનો ઉપયોગ ક્રોનિક અને ગંભીર સ્વાસ્થ્ય-સ્થિતિઓને સંચાલિત કરવા માટે વ્યાપકપણે થાય છે. સુધારેલા ભાવ ટૅબ્લેટ, સસ્પેન્શન, ટીપાં અને ઇન્જેક્શન પર લાગુ પડે છે. આ નિર્ણયથી જેઓ લાંબા ગાળાની દવા પર આધાર રાખે છે એવા દરદીઓને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે. છૂટક વેપારીઓએ અપડેટેડ ભાવ દર્શાવવા પડશે અને ઉલ્લંઘન પર ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડર (DPCO) અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ દંડ થઈ શકે છે.
જે દવાઓના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે એમાં એસેક્લોફેનાક, પૅરાસિટામૉલ અને ટ્રિપ્સિન કાયમોટ્રિપ્સિનનાં ફિક્સ્ડ-ડોઝ સંયોજનો છે. અન્ય મુખ્ય ફૉર્મ્યુલેશનમાં એટોર્વાસ્ટેટિન ૪૦ મિલિગ્રામ અને ક્લોપિડોગ્રેલ ૭૫ મિલિગ્રામનો સમાવેશ થાય છે, જે હૃદયરોગ માટે વ્યાપકપણે સૂચવવામાં આવે છે. સેફિક્સાઇમ અને પૅરાસિટામોલ ઓરલ સસ્પેન્શન જેવાં મહત્ત્વપૂર્ણ બાળરોગ ફૉર્મ્યુલેશન અને કોલેકેલ્સિફેરોલ ટીપાં (વિટામિન D) જેવી આવશ્યક પુરવણીઓના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. પીડામાં રાહત માટે ઉપયોગમાં લેવાતા ડાઇક્લોફેનાક ઇન્જેક્શન જેવી ઇન્જેક્ટેબલ દવાઓની કિંમત પણ ઘટાડવામાં આવી છે.


