નીતીશકુમાર નવાદાની રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પગે પડ્યા હોવાની વાત સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઈ છે.
નરેન્દ્ર મોદીને પગે લાગી રહ્યા છે નીતીશકુમાર?
લોકસભાની ચૂંટણીમાં NDA (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ) ૪૦૦થી વધારે સીટ જીતશે એવો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી (BJP) વ્યક્ત કરે છે, પણ NDAમાં સામેલ જનતા દળ યુનાઇટેડના વડા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ઉત્સાહમાં આવીને ૪૦૦૦થી વધારે સીટ જીતીશું એવી આગાહી કરી દીધી છે. સોશ્યલ મીડિયા પર તેમના આ નિવેદનનો વિડિયો જોરદાર વાઇરલ થયો હતો. રસપ્રદ વાત એ છે કે સ્પીચમાં નીતીશકુમાર પહેલાં ‘ચાર લાખ સે ઝ્યાદા’ બોલે છે, પણ પછી ભૂલ સુધારીને ‘ચાર હજાર સે ઝ્યાદા’ બોલીને વધુ એક છબરડો વાળે છે. ૭૦ વર્ષના નીતીશકુમાર બિહારમાં મુખ્ય પ્રધાનપદે સૌથી લાંબો સમય રહેનાર નેતા છે. અગાઉ પણ તેઓ ભાષણ કે નિવેદન આપતી વખતે છબરડો વાળી ચૂક્યા છે.
આ સિવાય નીતીશકુમાર નવાદાની રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પગે પડ્યા હોવાની વાત સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઈ છે. એમાં એક ફોટો દર્શાવવામાં આવ્યો છે, પણ નીતીશકુમાર વડા પ્રધાનને પગે લાગી રહ્યા હોય એવું એના પરથી સ્પષ્ટ થતું નથી. આમ છતાં ગઈ કાલે આ ફોટોને લઈને RJDના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે કહ્યું હતું કે ‘નીતીશકુમારને નરેન્દ્ર મોદીના પગે પડતા જોઈને મને બહુ જ ખરાબ લાગ્યું. આટલા વરિષ્ઠ નેતા થઈને તેમણે આવું કરવું પડ્યું. આ અમારા માટે તો શરમની વાત છે.’ ૦૦૦૦૦

