ઇન્ડિયન નેવીના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલા મૃત્યુદંડની વિરુદ્ધ ભારતની અપીલને કતારની કોર્ટે સ્વીકારી છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં આખરે અફઘાનિસ્તાનની એમ્બેસી બંધ થઈ
નવી દિલ્હી ઃ અફઘાનિસ્તાને ભારતમાં કાયમ માટે પોતાની એમ્બેસી બંધ કરી દીધી છે. એમ્બેસી તરફથી ગઈ કાલે ઇશ્યુ કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં એના માટે ભારત સરકાર તરફથી સતત આવી રહેલા પડકારોનું કારણ જણાવવામાં આવ્યું છે. આ પહેલાં અફઘાનિસ્તાનની એમ્બેસીએ ૩૦મી સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે પહેલી ઑક્ટોબરથી એ પોતાનું કામકાજ બંધ કરશે. એ સમયે એમ્બેસીએ ભારત સરકાર તરફથી સપોર્ટ ન મળતાં અફઘાનિસ્તાનનાં હિતો પૂરાં કરવામાં અપેક્ષાઓ પાર ન પાડવી અને સ્ટાફ અને સંશાધનોના અભાવને કારણે એ આ સ્ટેપ લઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
આઠ ભારતીયને મૃત્યુદંડની વિરુદ્ધ ભારતની અપીલને કતારની કોર્ટે સ્વીકારી
નવી દિલ્હી ઃ ઇન્ડિયન નેવીના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલા મૃત્યુદંડની વિરુદ્ધ ભારતની અપીલને કતારની કોર્ટે સ્વીકારી છે. જાસૂસીના કથિત કેસમાં ગયા મહિને આ ભારતીયોને સજા આપવામાં આવી હતી. કતારની અદાલત અપીલની ચકાસણી કર્યા બાદ સુનાવણીની તારીખ નક્કી કરશે. રિપોર્ટ્સ અનુસાર આ આઠ ભારતીયની જાસૂસીના આરોપસર કતારની ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા ઑગસ્ટ ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી. જોકે કતારની ઑથોરિટીઝે હજી સુધી તેમની વિરુદ્ધના આરોપોને જાહેર કર્યા નથી. તેમની જામીન અરજીને અનેક વખત ફગાવી દેવામાં આવી છે.
નોટના બદલામાં વોટ?\

તેલંગણના રંગારેડ્ડી જિલ્લામાં ગુરુવારે ગચીબોવલી એરિયાની પોલીસે એક કારમાંથી બિનહિસાબી પાંચ કરોડ રૂપિયાનાં બંડલ જપ્ત કર્યાં હતાં. આ રૂપિયા વધુ તપાસ માટે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. તેલંગણમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આ કૅશ જપ્ત કરવામાં આવી છે.
લોકશાહીના ઉત્સવ માટે સજ્જ
જયપુરના રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પહેલાં એક ડ્રિસ્ટ્રિબ્યુશન સેન્ટર ખાતે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન અને અન્ય ઇલેક્શન મટીરિયલ્સ કલેક્ટ કરી રહેલા ચૂંટણી અધિકારીઓ. પી.ટી.આઇ.
વિષ્ણુ પંડ્યાનાં ત્રણ પુસ્તકોનું થશે લોકાર્પણ
ગાંધીનગર ઃ ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પ્રખ્યાત લેખક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા તેમ જ તેમનાં સ્વર્ગસ્થ પત્ની ડૉ. આરતી પંડ્યાએ લખેલાં ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરશે. ગાંધીનગરના રાજભવન ખાતે ૨૬ નવેમ્બરે આ કાર્યક્રમ યોજાવાનો છે. આ અનૌપચારિક કાર્યક્રમમાં લોકાર્પિત થનારાં પુસ્તકોમાં સંસ્કૃતમાં વીસરાયેલા અમાત્ય વત્સરાજની કલમે મધ્યકાળમાં લખાયેલાં અને ભજવાયેલાં ૭ નાટકો વિશેનું પહેલી વારનું સંશોધન છે, જે સ્વ. આરતી પંડ્યાએ મહાનિબંધ સ્વરૂપે કર્યું હતું. બીજું પુસ્તક કચ્છના ક્રાન્તિકાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું હિન્દીમાં જીવનચરિત્ર છે, જે આપણા મહાન ક્રાન્તિવીરની સંપૂર્ણ વિગતો પૂરી પાડે છે. ત્રીજું પુસ્તક ‘ક્રાન્તિપથ પર પ્રણયનાં ફૂલ’માં ભારતીય ક્રાન્તિકારોની કઠોર જીવનયાત્રામાં કોમળ સંવેદનાએ કેવો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો એનાં દસ્તાવેજી ચિત્રો સાથેની કથાઓ છે. એમાં સાવરકર, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, રામકૃષ્ણ, ચંદ્રશેખર આઝાદ વગેરે ક્રાન્તિકારોની લાગણીની અજાણ રહી ગયેલી દાસ્તાન છે.
ડૉગ્સ માટે સ્પેશ્યલ રેસ્ટોરાં

ઇટલીના રોમમાં પોન્ટે મિલવિયો ડિસ્ટ્રિક્ટમાં ડૉગ્સ માટેની એક સ્પેશ્યલ રેસ્ટોરાં ‘ફિયુટો’ શરૂ કરવામાં આવી છે. અહીં ડૉગને ધ્યાનમાં રાખીને પણ એક સ્પેશ્યલ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. જોકે અહીં બેપગા અને ચારપગા બન્ને ફૂડ માણી શકે છે.
આરબીઆઇએ સિટી બૅન્ક, બૅન્ક ઑફ બરોડા અને આઇઓબીને ૧૦.૩૪ કરોડનો દંડ ફટકાર્યો
મુંબઈ (પી.ટી.આઇ.) ઃ રિઝર્વ બૅન્કે ગઈ કાલે સિટી બૅન્ક, બૅન્ક ઑફ બરોડા અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કને રૂલ્સ અને રેગ્યુલેશન્સના ભંગ બદલ કુલ ૧૦.૩૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સૌથી વધુ પાંચ કરોડ રૂપિયાનો દંડ ડિપોઝિટર એજ્યુકેશન ઍન્ડ અવેરનેસ ફન્ડ સ્કીમ તેમ જ ફાઇનૅન્શિયલ સર્વિસિસના આઉટસોર્સિંગ સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ સિટી બૅન્કને થયો હતો. બૅન્ક ઑફ બરોડાને ૪.૩૪ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કને એક કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.


