ગયા વર્ષે દેશમાં યુપીઆઇ મારફત ૭૪ અબજ ટ્રાન્ઝૅક્શન થયાં જેની કિંમત ૧૨૬ લાખ કરોડ રૂપિયા
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
દેશમાં રોકડ કરતાં વધી જશે યુપીઆઇ ટ્રાન્ઝૅક્શન : મોદી
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટૂંક સમયમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને લીધે રોકડ કરતાં ડિજિટલ ટ્રાન્ઝૅક્શન વધી જશે. યુપીઆઇ અને સિંગાપોરના પેનાઉ વચ્ચે કનેક્ટિવિટી શરૂ કર્યા બાદ તેમણે કહ્યું કે ૨૦૨૨માં યુપીઆઇ દ્વારા ૭૪ અબજ ટ્રાન્જેક્શન થયા જેની કિંમત ૧૨૬ લાખ કરોડ રૂપિયા છે, જે ૨ લાખ કરોડ સિંગાપોર ડૉલર જેટલી થાય છે. ટૂંક સમયમાં ભારતમાં રોકડ કરતાં યુપીઆઇની મદદથી થતાં ડિજિટલ ટ્રાન્જેક્શન વધી જશે. યુપીઆઇ મારફત મોટી સંખ્યામાં થતાં ટ્રાન્જેક્શન એ વાત કહે છે કે આ પેમેન્ટ સિસ્ટમ સુરક્ષિત છે.
ADVERTISEMENT
મોદીએ સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ સાથે વિડિયો કૉન્ફરન્સિંગમાં યુપીઆઇ અને પેનાઉ વચ્ચેની કનેક્ટિવિટીનો પ્રારંભ જોયો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસ અને મૉનિટરી ઑથોરિટી ઑફ સિંગાપોરના મૅનેજિંગ ડિરેક્ટર રવિ મેનન દ્વારા ટોકન ટ્રાન્ઝૅક્શન કરી આ સુવિધા શરૂ કરી હતી.
યુપીઆઇ અને પેનાઉ વચ્ચે થયેલા જોડાણને ભારત અને સિંગાપોરના સંબધોમાં સીમાચિહ્નરૂપ ગણાવતાં મોદીએ કહ્યું હતું કે ‘આનાથી બન્ને દેશના લોકો મોબાઇલ ફોન દ્વારા સરળતાથી ટ્રાન્ઝૅક્શન કરી શકશે. સિંગાપોર પહેલો એવો દેશ બન્યો છે જેની સાથે ક્રૉસ બૉર્ડર પર્સન ટુ પર્સન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.’ જે ભારતથી ત્યાં જતા કામદારો અને વિદ્યાર્થીઓને મદદ કરશે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ઇનવર્ડ અને આઉટવર્ડ રેમિટન્સની સુવિધા આપશે તો ઍક્સિસ બૅન્ક અને ડીબીએસ ઇન્ડિયા ઇનવર્ડ રેમિટન્સની સુવિધા આપશે.
ભારતીયો ફૉરેન ટ્રાવેલ માટે મહિને ૮૨.૭૯ અબજનો ખર્ચ કરી રહ્યા છે
નવી દિલ્હી: ભારતીયો દર મહિને ફૉરેન ટ્રાવેલ માટે લગભગ એક અબજ ડૉલર (૮૨.૭૯ અબજ રૂપિયા)નો ખર્ચ કરી રહ્યા છે જે કોરોનાની મહામારીના પહેલાંના સમયગાળા કરતાં પણ નોંધપાત્ર રીતે વધારે છે. રિઝર્વ બૅન્કના ડેટાથી આ જાણકારી મળી છે. આરબીઆઇના આંકડા અનુસાર ૨૦૨૨-’૨૩ના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા દરમ્યાન વ્યક્તિઓના પ્રવાસ માટે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ વિદેશોમાં મોકલવાયેલી રકમ ૯.૯૫ અબજ ડૉલર (૮૨૩.૭૪ અબજ રૂપિયા) હતી. કોરોનાના પહેલાંના વર્ષ ૨૦૧૯-’૨૦માં આ રકમ ૫.૪ અબજ ડૉલર (૪૪૭.૦૫ અબજ રૂપિયા) હતી. ભારતીયો સામાન્ય રીતે ટ્રાવેલિંગ માટે યુરોપ, ઇન્ડોનેશિયા, વિયેટનામ, થાઇલૅન્ડ અને દુબઈ જેવાં ડેસ્ટિનેશન્સની પસંદગી કરી રહ્યા છે.
ઑસ્ટ્રેલિયાના પીએમ સાથે નરેન્દ્ર મોદી કદાચ અમદાવાદમાં ટેસ્ટ મૅચ જોશે
નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝ માર્ચની શરૂઆતમાં ભારતની તેમની પહેલી મુલાકાતે આવશે. જેનો હેતુ ટ્રેડ, રોકાણ અને મહત્ત્વનાં મિનરલ્સ સહિતનાં અનેક ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે. અલ્બનીઝ આઠમી માર્ચની આસપાસ ભારતમાં તેમની વિઝિટની શરૂઆત કરે એવી શક્યતા છે. આ મુલાકાતની જાણકારી ધરાવતા સોર્સિસે જણાવ્યું હતું કે તેઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ક્રિકેટ ટેસ્ટ મૅચ જોવા માટે કદાચ અમદાવાદમાં જશે. ચોથી ટેસ્ટ ૯થી ૧૩ માર્ચ દરમ્યાન અમદાવાદમાં યોજાવાની છે.
દેશના અનેક ભાગમાં પાંચ દિવસ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધારે રહેશે
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : હવામાન વિભાગે ભારતના વાયવ્ય, મધ્ય અને પશ્ચિમ ભાગોમાં મહત્તમ તાપમાન આગામી પાંચ દિવસ સુધી સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી વધારે રહેવાની ગઈ કાલે આગાહી કરી હતી. દેશના અનેક વિસ્તારમાં ઑલરેડી જે તાપમાન નોંધવામાં આવી રહ્યું છે એ સામાન્ય રીતે માર્ચના પહેલા અઠવાડિયામાં નોંધાય છે. હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે સામાન્ય કરતાં નોંધપાત્ર વધારે તાપમાનની ઘઉં અને અન્ય પાકો પર વિપરીત અસરો થઈ શકે છે.
જાવેદ અખ્તરે લાહોરમાં કહ્યું કે મુંબઈ હુમલાના કાવતરાખોરો તમારે ત્યાં મુક્તપણે ફરી રહ્યા છે
લાહોરમાં આયોજિત સાતમા ફૈઝ ફેસ્ટિવલના એક વિડિયોમાં જાવેદ એમ બોલતા જોવા મળ્યા હતા કે ‘અમે તો મુંબઈના લોકો છીએ. અમે જોયું હતું કે અમારા શહેર પર કેવી રીતે હુમલો થયો હતો. તે લોકો નૉર્વેથી તો નહોતા આવ્યા કે ન તો ઇજિપ્તથી આવ્યા હતા. તેઓ હજી પણ તમારા દેશમાં ફરી રહ્યા છે. એક હિન્દુસ્તાનીના દિલમાં આ ફરિયાદ હોય તો તમારે ખરાબ ન લગાડવું જોઈએ.’


