મધ્ય પ્રદેશના પ્રધાન પ્રહ્લાદ પટેલનું વિવાદિત નિવેદન : તેમનું કહેવું છે કે આનાથી સમાજ કમજોર થશે : જોકે કૉન્ગ્રેસનું કહેવું છે કે આ તો રાજ્યના લોકોનું અપમાન છે
પ્રહ્લાદ પટેલ
મધ્ય પ્રદેશ સરકારના સિનિયર પ્રધાન પ્રહ્લાદ પટેલે એક વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે ‘લોકોને ભીખ માગવાની આદત પડી ગઈ છે. નેતાઓને મળતાં જ એક ટોપલી જેટલી ફરિયાદોના કાગળ પકડાવી દે છે.’
રાજ્યના પંચાયત અને ગ્રામીણ વિકાસપ્રધાન પ્રહ્લાદ પટેલે રાજગઢ જિલ્લાના સુઠાલિયા ગામમાં વીરાંગના રાણી અવંતીબાઈ લોધીની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘હવે તો લોકોને સરકાર પાસેથી ભીખ માગવાની આદત પડી ગઈ છે. નેતાઓ આવે તો તેમને એક ટોપલી કાગળ મળે છે. મંચ પર માળા પહેરાવશે અને એક કાગળ પકડાવી દેશે. આ સારી આદત નથી. લેવાને બદલે આપવાનું માનસ બનાવો, હું દાવાથી કહું છું કે તમે સુખી થશો અને એક સંસ્કારવાન સમાજ ઊભો થશે. આ ભિખારીઓની ફોજ એકઠી કરવી સમાજને મજબૂત કરવાનું કામ નથી. એનાથી સમાજ કમજોર બને છે. મફતની ચીજોનું આકર્ષણ રાખવાની જરૂર નથી. મફતની ચીજો વીરાંગના તૈયાર કરતી નથી. એક શહીદનું સાચું સન્માન ત્યારે જ છે જ્યારે તે મૂલ્યોઆધારિત જીવન જીવે છે. કદી કોઈ શહીદને ભીખ માગતાં જોયો છે? આ બધું થવા છતાં અમે કાર્યક્રમો યોજીએ છીએ, આવીએ છીએ, સ્પીચ આપીએ છીએ. નર્મદા પરિક્રમા કરનાર એક વ્યક્તિ તરીકે કદી કોઈની પાસે માગો નહીં, તમને કોઈ નહીં કહી શકે કે મેં પ્રહ્લાદ પટેલને કોઈ ચીજ આપી હતી.’
ADVERTISEMENT
પ્રહ્લાદ પટેલના આ નિવેદન સામે કૉન્ગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. મધ્ય પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ જિતુ પટવારીએ કહ્યું હતું કે ‘લોકોને ભિખારી કહેવાની હિંમત તેમનામાં ક્યાંથી આવી? આ તો રાજ્યના લોકોનું અપમાન છે.’


